ખેડૂતો-વેપારીઓમાં દિવાળી પહેલા ખુશીનો માહોલ; વાતાવરણ સારું રહેતા આ ફળના પાકનું મબલખ આવક

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા થોડા વર્ષોથી વર્ષમાં બે વાર થતા ચીકુના પાકમાં ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવા પડ્યું હતું. પરંતુ આ વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિ નહીવત રહેવા સાથે જ ચોમાસા બાદ પણ માવઠાની સ્થિતિ પણ બની નથી.

ખેડૂતો-વેપારીઓમાં દિવાળી પહેલા ખુશીનો માહોલ; વાતાવરણ સારું રહેતા આ ફળના પાકનું મબલખ આવક

ધવલ પરીખ/નવસારી: વાતાવરણને કારણે ગત વર્ષે ચીકુએ ખેડૂતોને રડાવ્યા હતા. પરંતુ આ વખતે ચોમાસા બાદ વાતાવરણ ખુલ્લું રહેવા સાથે યોગ્ય પ્રમાણમાં ગરમી રહેતા ચીકુનો મબલખ પાક થયો છે. જેથી દીવાળી પૂર્વે અમલસાડ APMC માં વેકેશન હોય, ત્યાં આ વખતે માર્કેટમાં રોજના 4 હજાર મણ ચીકુની આવક થઈ રહી છે અને ભાવ પણ સારો મળતા ખેડૂતોની દીવાળી થઈ છે.

ચીકુની સીઝનનો એક મહિનો વહેલો પ્રારંભ 
ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા થોડા વર્ષોથી વર્ષમાં બે વાર થતા ચીકુના પાકમાં ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવા પડ્યું હતું. પરંતુ આ વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિ નહીવત રહેવા સાથે જ ચોમાસા બાદ પણ માવઠાની સ્થિતિ પણ બની નથી. જેથી વાતાવરણ ખુલ્લું રહેવા સાથે જ ગત દિવસોમાં તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેતા ચીકુના ઉત્પાદનમાં વધારો થયો છે. જેના કારણે દીવાળી બાદ લાભ પાંચમથી શરૂ થતી ચીકુની સીઝનનો એક મહિનો વહેલો પ્રારંભ થયો છે. 

500 થી 900 રૂપિયા મળી રહ્યો છે ભાવ
સમગ્ર ભારતમાં નવસારીના અમલસાડી ચીકુની માંગ રહે છે. ત્યારે અમલસાડ APMC માં હાલમાં 4 હજાર મણથી વધુની આવક થઈ રહી છે. જેની સાથે જ ગુણવત્તા પણ સારી હોવાથી ભાવ પણ 700 થી 1200 રૂપિયા સુધી મળી રહ્યો છે. જ્યારે હાલમાં બે ત્રણ દિવસોથી ઠંડીના પ્રાંરભ થવાથી ચીકુ લીલા આવી રહ્યા છે. જેમાં પણ 500 થી 900 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

વેપારીઓમાં પણ દીવાળી સારી જવાની ખુશી
અમલસાડ APMC માં સમાન્ય રીતે દીવાળી પહેલા ચીકુની આવક ઓછી રહે છે. જેના કારણે APMC સહિત આસપાસની ગ્રામ્ય મંડળીઓમાં દીવાળી દરમિયાન ચીકુ લેવાના બંધ થાય છે અને લાભ પાંચમથી ચીકુની હરાજી શરૂ કરવામાં આવે છે. જે ડિસેમ્બર જાન્યુઆરી સુધી ચાલે છે. અમલસાડના ચીકુ ગુજરાત બહાર પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં ચીકુ મોકલવામાં આવે છે. ત્યારે હાલમાં ચીકુની સારી આવકને જોતા રોજના 8 થી 10 ટ્રક ચીકુ પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન મોકલવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતો સાથે વેપારીઓમાં પણ દીવાળી સારી જવાની ખુશી છે

વાતાવરણે ગત વર્ષોમાં ખેડૂતોને રડાવ્યા હતા, જ્યારે આ વર્ષે વાતાવરણને કારણે જ ચીકુના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ત્યારે જિલ્લાના અન્ય પાકોમાં પણ આજ રીતે વાતાવરણ ફળદાયી રહે એવી આશા પણ ખેડૂતોમાં બંધાઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news