દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, આ ડરને કારણે રાતે ખેતરે જવા પણ લાગે છે બીક

સતત બદલાતા વાતાવરણ સામે ઝઝૂમતા નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતોને દિવસે વીજળી ન મળવાને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ સરકાર બે તબક્કામાં વીજળી આપે છે, પણ દીપડા અને ભૂંડના ભય વચ્ચે ખેડૂતોએ રાત્રિના અંધારામાં ખેતરમાં પિયત કરવી મજબૂરી બની છે. 

દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, આ ડરને કારણે રાતે ખેતરે જવા પણ લાગે છે બીક

Navsari News ધવલ પારેખ/નવસારી : સતત બદલાતા વાતાવરણ સામે ઝઝૂમતા નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતોને દિવસે વીજળી ન મળવાને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ સરકાર બે તબક્કામાં વીજળી આપે છે, પણ દીપડા અને ભૂંડના ભય વચ્ચે ખેડૂતોએ રાત્રિના અંધારામાં ખેતરમાં પિયત કરવી મજબૂરી બની છે. 

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બાગાયતી પાકો લેવામાં આવે છે. આ વિસ્તારમાં નદીઓની કોતરો હોવાથી દીપડાઓ માટેનું આશ્રયસ્થાન પણ ખેતરો બની ગયા છે. જેમાં પણ જંગલી ભૂંડના ઝુંડ ખેતીને નુકશાન કરે છે. આ સ્થિતિમાં કુદરતી વાતાવરણમાં પણ વારે વારે થતા બદલાવો ખેડૂતોની કમર તોડી નાંખે છે. તેવા સમયે ખેતીમાં સિંચાઇ માટે વીજ પુરવઠો પણ સમયે ન મળે, તો ખેડૂતોની હાલત કફોડી થતી હોય છે. હાલ નવસારી આ પૂર્વ પટ્ટીના ગામડાઓના ખેડૂતોની સ્થિતિ કંઈક આવી જ છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) દ્વારા સરકારની કિશાન સૂર્યોદય યોજના હોવા છતાં પૂર્વ પટ્ટીના ગામડાઓમાં એક અઠવાડિયું સવારે 5 થી બપોરે 1 અને બીજા અઠવાડિયે બપોરે 1 થી રાત્રે 9 વાગ્યા સુધીના સમયમાં 8 કલાક વીજળી આપવામાં આવે છે. જેથી ખેડૂતોએ મોટેભાગે મળસ્કે અથવા સાંજથી રાતના સમયે ખેતરે પિયતનું પાણી છોડવા અથવા બંધ કરવા જવું પડે છે. 

ઠંડીના દિવસોમાં દિવસ નાનો હોવાથી ખેડૂતોને દીપડા અને ભૂંડના ભયને કારણે જૂથમાં અને હાથમાં લાકડી કે અન્ય હથિયાર રાખી ખેતરે જવું પડે છે, કારણ જ્યાં દિવસે જ ભૂંડ અને દીપડા લટાર મારતાં દેખાતા હોય, ત્યાં રાત્રિ દરમિયાન ક્યાંક જંગલી પશુઓ હુમલો ન કરી દે એની પણ ભીતિ રહે છે. ઘણીવાર કોઈ સહારો મળતા ખેડુત ખેતરે નથી જઈ શક્તા અને તેના કારણે ક્યાંક પાણી ચાલુ રાખવુ પડે અથવા શરૂ કરવામાં મોડું થાય, જેના કારણે પણ ખેતીમાં નુકશાની વેઠવા પડે એવી સ્થિતિ છે. જેથી સરકાર દિવસ દરમિયાન ખેતીની વીજળી આપે એવી માંગ ઉઠી છે

નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓના ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્યને અનેકવાર રજૂઆતો કરીને સરકારમાં પોતાની વ્યથા પહોંચાડી છે, તેમ છતાં કિસાન સૂર્યોદય યોજનાનો સૂર્ય ન ઉગતા ખેડૂતોમાં રોષ છે. જોકે યોજના હેઠળ નવસારીના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન ખેડૂતોને વીજ પુરવઠો મળે છે. ત્યારે ખેડુતો સાથે અન્યાય કેમ..? નો પ્રશ્ન ખેડૂતોના માનસમાં ઉઠી રહ્યો છે. ત્યારે જેટકો દ્વારા નવસારીના પૂર્વ પટ્ટીના સીંગોદ, બુટલાવ, રાનકુવા, ટાંકલ જેવા ઘણા ફિડર ઉપર કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી થઈ ન હોવાનું સ્વીકાર્યુ હતું. જોકે જેટકો સતત પ્રયત્નશીલ છે અને ચોમાસા પુર્વે પૂર્વના ગામડાઓને દિવસે વીજળી મળતી થાય એવા પ્રયાસોની હૈયાધરપત આપી હતી.

એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયાસો કરી રહી છે. સાથે જ ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતી અપનાવી વાતાવરણ સામે બાથ ભીડી શકે એની તૈયારી છે. ત્યારે બીજી તરફ ખેડૂતોને સમયે વીજળી ન મળતા પડતી મુશ્કેલીનો નિવેડો લાવવામાં થતો વિલંબ સરકારી સપનાને ઝાંખપ લગાવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news