એશિયાઈ સિંહોની સુરક્ષા માટે હવે ડ્રોનની મદદથી રખાશે બાજ નજર

ગુજરાતના ગૌરવ સમા એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ડ્રોન કેમેરાથી નજર રાખવા વન વિભાગે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, જે વિસ્તારમાં ગેરકાયદે લાયન શોની ગતિવિધિઓ થાય છે તેવા વિસ્તારમાં વન વિભાગ આ ડ્રોન મારફતે ચાંપતી નજર રાખશે.

એશિયાઈ સિંહોની સુરક્ષા માટે હવે ડ્રોનની મદદથી રખાશે બાજ નજર

હનીફ ખોખર/જૂનાગઢઃ ગુજરાતની આન, બાન, શાન ગણાતા એશિયાટિક સિંહ પર થોડા સમયથી ઘાત વરસી રહી છે. સિંહના એક બાદ એક મોત સરકાર અને વન વિભાગ માટે માથાનો દુખાવો બન્યો છે તો ગેરકાયદે સિંહદર્શન વનરાજની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આથી હવે સરકારે સિંહની સુરક્ષા માટે આકરું વલણ અપનાવ્યું છે. ગેરકાયદે લાયન શોને કરતા લોકો માટે વન વિભાગે કાયદો કડક કર્યો છે. સાથે જ ગીરની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે સિંહદર્શનની પ્રવૃત્તિને ડામવા વન વિભાગે પ્રથમવાર ડ્રોનની મદદથી સર્વેલન્સ સિસ્ટમ અમલમાં મુકી છે.

નવી ડ્રોન વ્યવસ્થા અંગે વન વિભાગના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, જે વિસ્તારોમાં ગેરકાયદે સિંહદર્શનની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેવા વિસ્તારોમાં ડ્રોનથી દેખરેખ રાખવામાં આવશે. તે માટે સાસણ ગીર ખાતે ડ્રોન સર્વેલન્સનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગેરકાયદે લાયન શો માટે પ્રખ્યાત એવા શેમરડી, ભોજદે, ઉના, બાબરીયા તેમજ અમરેલીના અમુક વિસ્તારોમાં આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. 

સિંહની મુવમેન્ટ મોટાભાગે રાત્રીના સમયે જ થતી હોય છે, એટલે વન વિભાગના અધિકારી દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, અમે નાઈટ વિઝન કેમેરાનો પણ ઉપયોગ કરીશું. સિંહના અભ્યાસુ અને જાણકાર એવા જયદીપ ઓડેદરાએ વન વિભાગના પગલાંને આવકારતા જણાવ્યું કે, ડ્રોનના ઉપયોગના કારણે સિંહના સંરક્ષણની કાર્યવાહીમાં ખુબ જ ફાયદો થશે.


(દુષ્યંત વસાવડા, મુખ્ય વન સંરક્ષ, વન વિભાગ)  

ગીરના જંગલમાં પહેલીવાર ડ્રોન કેમેરાનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે ડ્રોનના પંખાના આવાજથી સિંહો કે અન્ય વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચશે કે નહિં? તેના જવાબમાં વન વિભાગના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, ડ્રોન જયારે અમુક ઉંચાઈ ઉપર જાય છે ત્યારે તેના પંખાનો અવાજ ઓછો થઇ જાય છે. ભારતમાં ચાલતા ટાયગર પ્રોજેક્ટમાં આ પ્રકારે વાઘ ઉપર ડ્રોનથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને જિમ કોર્બેટ ટાઇગર સેન્ચુરીમાં પણ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧૪મી બેઠક મળી હતી. ગીરમાં પણ કોરબેટ નેશનલ પાર્કની પેટ્રન પર E-Eye પ્રોજેકટ હેઠળ રાત્રીના સમયે પણ પ્રાણી-પશુઓની ગતિવિધિ પર નજર રાખવા માટે સેન્સીટીવ કેમેરા ગોઠવવા વન વિભાગને સૂચનાઓ આપી છે. સિંહોના લાંબાગાળાના સંરક્ષણ આયોજન માટે રૂ. ૩૫૧ કરોડની યોજનામાં નવિન ટેકનોલોજી સાથેના આરોગ્ય વિષયક આંતરમાળખાકીય સુવિધાઓ અને અન્ય સાધન-સામગ્રી વગેરે માટે તાત્કાલિક પગલાં લેવા આદેશો આપ્યા છે. 

સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. ગીર વિસ્તારના ૮ રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે રૂ. ૮પ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે.

વન્યપ્રાણી સૃષ્ટિ સાથોસાથ દરિયાઇ જીવ મરિન સૃષ્ટિના સંવર્ધન અને રક્ષણ માટે પણ વાઇલ્ડ લાઇફ બોર્ડનો વ્યાપ વધારવા મુખ્યમંત્રીએ સુચન કર્યું છે. ઘોરાડ અને ખડમોર સહિતની અન્ય લુપ્ત થતી પ્રજાતિના પક્ષીઓ, વન્યપશુઓના સંવર્ધન માટે વિશેષ ધ્યાન આપવાની સૂચનાઓ આપી છે. ગેરકાયદે લાયન-શો કરનારા સામે આકરા પગલા ભરવા માટે વનવિભાગ અને પોલીસને આદેશ આપ્યા છે. સિંહની મૂવમેન્ટથી જાણકાર સ્થાનિક યુવા ટ્રેકર અને વન્યપ્રાણી મિત્રોના મહેનતાણામાં વધારો કરવા માટે યોગ્ય આયોજનનું પણ સૂચન કર્યુ હતું.

દેશમાં એશિયાટીક લાયનના ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં એક પછી એક 24 જેટલા સાવજોના મોત અને ગેરકાયદે લાયન શોના થયેલા પર્દાફાશને પગલે હરકતમાં આવેલા સરકારે હવે જંગલમાં ડ્રોન સર્વેલન્સ અને સી.સી.ટી.વી. નેટવર્ક મારફતે સિંહ સહિતના વન્યપશુઓની મૂવમેન્ટ પર સતત નજર રાખવા માટે સઘન આયોજન કર્યુ છે. આ ઉપરાંત 32 જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમ તથા નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news