નવા વર્ષના પ્રથમ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ

અંગદાન, સ્કિન દાન કે નેત્ર દાન માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સતત કાર્યરત રહે છે. વર્ષ 2025ના પ્રથમ દિવસે પણ હોસ્પિટલને સ્કિન ડોનેશન મળ્યું છે. આ અમદાવાદ હોસ્પિટલને મળેલું નવમું સ્કિન દાન છે. 

  નવા વર્ષના પ્રથમ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૦૯મું સ્કિન દાન કરાયુ છે. સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો. જયેશ સચદેવએ જણાવ્યું હતું કે, શતાયુ એનજીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકનો સંપર્ક સાધતા ઘરે જઇ સિવિલ હોસ્પિટલનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડોકટરોએ મૃતક દર્દીની ત્વચા લઈ ત્વચા દાન સ્વીકાર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, અંગદાન અને નેત્રદાનની સાથે સાથે વધુમાં વધુ સ્કિન દાન થાય તે આજનાં સમયની જરૂરિયાત છે.

ડૉ. સચદેવ એ જણાવ્યું હતું કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં વસતા ૭૨ વર્ષીય સમજુબેન પટેલનું આજે નિધન થયું હતું. પુત્રએ શતાયુ NGOને માતાની સ્કિન ડોનેશન માટે ઈચ્છા વ્યક્ત કરી અને શતાયુએ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી સ્કિન ડોનેશન માટે જાણ કરી. સિવિલ હોસ્પિટલમાં કૉલ આવતાં તરત જ વિભાગના ડોક્ટરો દ્વારા ઘરે જઈ મૃતક દર્દીના શરીર પરથી સ્કીનનું દાન લેવામાં આવ્યું હતું. જેને હોસ્પિટલની સ્કિન બેંકમાં સાચવવામાં આવશે અને જરૂરિયાત વાળા દર્દીમાં સારવાર અર્થે ગ્રાફ્ટ કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવાનો સમય મળી રહે છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જોષીએ જણાવ્યું હતું કે ,અત્યાર સુધીમાં ૦૯ સ્કીન દાન પૈકી ત્રણ ઘરેથી, બે ત્વચાના દાન પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અને ચાર સ્કીન દાન સિવિલ હોસ્પિટલ ના દર્દીમાંથી મળ્યા છે. આ સાથે સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકને મળેલુ આ નવમું અને ઘરેથી લેવામાં આવેલ ચોથુ સ્કીન દાન છે તેમ, ડૉ. જોષીએ વધુમાં ઉમેર્યુ હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news