Morbi : હાઈવે પર વાહનચાલકોને રોકીને લૂંટ મચાવતી ટોળકી આખરે પકડાઈ

Morbi : હાઈવે પર વાહનચાલકોને રોકીને લૂંટ મચાવતી ટોળકી આખરે પકડાઈ
  • અમરેલી ગામના પાટિયા પાસે પંચરની દુકાન છે, ત્યાં ટાયરને રસ્તા ઉપર આડા મૂકીને વાહનોને રોકવામાં આવ્યા હતા
  • 10 થી વધુ વાહન ચાલકોની સાથે માથાકૂટ કરીને, માર મારીને, ટ્રકના કાચ તોડીને, લૂંટ ચલાવનારા ત્રીજા આરોપીને પકડવાનો બાકી છે

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી નજીકના અમરેલી ગામના પાટીયા પાસેથી શુક્રવારે રાતના દસેક વાગ્યે વાહનચાલકોને આંતરીને લૂંટ કરવામાં આવી હતી. 4.21 લાખના મુદ્દામાલની લૂંટ થઈ હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આ અંહે 4.21 લાખના મુદામાલની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. એક-બે નહિ, પરંતુ જુદા-જુદા 15 થી વધુ વાહનચાલકોને રોકીને તેમણે ધમકાવવામાં આવ્યા હતા અને તેઓના વાહનોમાં નુકશાની કરવામાં આવી હતી. આ ગુનામાં મોરબીના જ વીસીપરા વિસ્તારમાં રહેતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બંને પાસેથી 6 મોબાઈલ, બે છરી અને બે વાહન કબજે કરાયા છે. લૂંટમાં ગયેલા રૂપિયાને રિકવર કરવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે. 

મોરબીના નવલખી ફાટકથી હાઇવે તરફ જવાના રસ્તે વચ્ચે આવતા અમરેલી પાટીયા પાસે શુક્રવારની રાતના સમયે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ શખ્સોએ ત્યાંથી નીકળતા વાહન ચાલકોને રોકીને લૂંટ કરી હતી. મોરબીના કારખાનાથી ઘરે જતા રોહીત દયાલ નામના યુવાનને રોકીને તેને છરી મારીને તેની પાસેથી 6400 ની રોકડ લૂંટી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવીન નાનજીભાઇ નામના વ્યક્તિને ઊભા રાખીને તેની પાસેથી બે મોબાઈલ ફોનની લૂંટ કરાઈ હતી. આ જ ક્રમે મોરબીના રવાપર ગામ પાસે નિલમાધવ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી પંકજ પ્રભુભાઈ બાવરવા કે જેમની નેકસા પેપર મિલ પાસે કરિયાણાની દુકાન આવેલી છે, તેઓ ભત્રીજા સાથે બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેઓને પણ રોકીને તેમના ગળા ઉપર છરી રાખીને તેની પાસે રોકડા ચાર લાખ રૂપિયા ભરેલ થેલો લૂંટી લેવાયો હતો.  જેને આરોપીઓ લૂંટી ગયા હતા. આ બનાવમાં પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બે શખ્સની ધરપકડ કરી છે. તેમજ અન્ય એક આરોપીને પકડવા શોધખોળ ચલાવી છે. 

આ પણ વાંચો : Rajkot : બગીચામાં મૃત મળ્યા 6 રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓ 

અમરેલી ગામના પાટિયા પાસે પંચરની દુકાન છે, ત્યાં ટાયરને રસ્તા ઉપર આડા મૂકીને વાહનોને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાહનોને રોકીને અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા છરી બતાવીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. અહીંથી પસાર થતા અનેક વાહનચાલકોને લૂંટવામાં આવ્યા હતા. 15 જેટલા લોકોને લૂંટીને તેમના મોબાઈલ ફોન તેમજ રોકડ મળીને 4.21 લાખની લૂંટ કરવામાં આવી હતી. 

આ ગુનામાં પોલીસે આશીફ રહીમ સુમરા (ઉંમર 20 વર્ષ) અને આફતઅલી ઉર્ફે અજગર જાકમ ભટ્ટી (ઉંમર 19 વર્ષ) ની ધરપકડ કરી છે. અન્ય એક આરોપી નવાબ ઉર્ફે બોદીયો સિકંદર મેમણને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી જુદી જુદી કંપનીના 6 મોબાઇલ ફોન, બે છરી તથા એક એનફિલ્ડ બૂલેટ અને એક હિરો કંપનીનું એક્ષટ્રીમ બાઇક મળી કુલ ૨,૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.   

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચ તાલુકા કોંગ્રેસ વિખેરાઈ

કેવી રીતે કરી લૂંટ
આરોપીઓએ લૂંટ માટે અનોખી મોડસ ઓપરેન્ડી બનાવી હતી. વાહનોનો રોકવા માટે રસ્તા પર ટાયર મૂકી દીધા હતા. જે પણ વાહન ચાલકને તેઓ રોકવામાં સફળ નીવડે તેઓને પથ્થર, ધોકા અને છરી જેવા હથિયારો બતાવતા હતા અને રૂપિયાની માંગણી કરતા હતા. જો કોઈ વાહન ચાલક રૂપિયા ન આપે તો તેમના પર હુમલો પણ કરતા હતા. જો કે, 10 થી વધુ વાહન ચાલકોની સાથે માથાકૂટ કરીને, માર મારીને, ટ્રકના કાચ તોડીને, લૂંટ ચલાવનારા ત્રીજા આરોપીને પકડવાનો બાકી છે. તેમજ લૂંટાયેલા રૂપિયાને રિકવર કરવાની પોલીસે કવાયત શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news