સેંકડો લોકોને એકત્ર કરી પૌત્રીની સગાઇ કરનારા નેતા અને પોલીસ સ્ટાફના 2 દિવસના રિમાન્ડ મંજુર
Trending Photos
તાપી: જિલ્લાના નિઝરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ સરકારના પૂર્વ રાજ્ય મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં હજારોની જનમેદની ભેગી થવાના પ્રકરણમાં ગુરુવારે 19 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે 10 દિવસના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ દલીલો કરી છે. જો કે કોર્ટે કાંતિ ગામિત, જીતુ ગામિત, પીઆઇ સી કે ચૌધરી તેમજ પોલીસ કોન્સ્ટેબલ નિલેશ ગામિતને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જયારે અન્ય 15 તહોમતદારોએ જામીનની માંગણી કરી છે.
બહુચર્ચિત તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ડોસવાડા ગામે માજી ધારાસભ્ય અને ભાજપ સરકારના માજી મંત્રી કાંતિ ગામિતના પૌત્રીની સગાઈ અને તુલસી વિવાહ પ્રસંગે હજારોની સંખ્યામાં જનમેદની ભેગી કરવાના પ્રકરણમાં વિડીયો વાઇરલ થયા બાદ ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. ત્યારબાદ પોલીસ દોડતી થઈ હતી અને પૂર્વ મંત્રી કાંતિ ગામિત, તેમના સરપંચ પુત્ર જીતુ ગામિત તેમજ સોનગઢ વ્યારા પીઆઇ સી.કે. ચૌધરી, અન્ય બે પોલીસ કર્મચારીઓ સહિત 19 વ્યકિતઓ વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો હતો.
જેમાં સદોષ માનવવધના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓને આજરોજ સોનગઢ કોર્ટમાં રજૂ કરી પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી છે. જેમાં પોલીસે દલીલ કરતાં જણાવ્યુ હતું કે, વાઇરલ થયેલો વિડીયો ઘણો લાંબો છે જેથી ત્યાં ઉપસ્થિત જનમેદનીની ઓળખ કરવી હોય આરોપીને સાથે રાખવા જરૂરી છે. આ ઉપરાંત પી.આઈ. થતાં પોલીસકર્મીઓ કઈ રીતે ત્યાં પહોંચ્યા હતા તે અંગે તપાસ કરવાની જરૂર છે. તેમના સીડીઆર મેળવવાની જરૂર છે. આ તમામ મુદ્દા રજૂ કર્યા છે.
જો કે સામે પક્ષે પણ પોલીસ અધિકારી તરફે હાજર વકીલે બચાવની દલીલ કરતા જાણવાયુ હતું કે, પોલીસ અધિકારી અને કર્મચારીને કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વગર તેમની ધરપકડ કરી છે. જે કોર્ટના હુકમનો ભંગ છે. બીજી તરફ પોલીસે જે વિડીયોને આધારે ગુનો નોંધ્યો છે તેનું એફએસએલ પરીક્ષણનો રિપોર્ટ પણ આવ્યો નથી. આવી પરિસ્થિતીમાં રિમાન્ડ આપવું યોગ્ય નથી. જે દલીલ સાંભળી કોર્ટે પૂર્વ મંત્રી કાંતિ ગામિત તેમના પુત્ર જીતુ ગામિત અને પીઆઇ સી કે ચૌધરી તેમજ પોકો નિલેશ ગામિત ને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જયારે અન્ય 15 તહોમત દારોએ કોર્ટ પાસે જામીનની માંગણી કરી છે જેની સુનાવણી ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે