સુરતની લાજપોર જેલમાં કોરોનાની એન્ટ્રી, વાપીમાં એક શખ્સ લોકડાઉનમાં બે વાર મહારાષ્ટ્ર જઈ આવતા ચકચાર
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આજે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં લોકડાઉન 31 મે સુધી લંબાવી દેવાયું છે. કારણ કે, કોરોના હજી પણ કાબૂમાં આવ્યો નથી. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે કેટલા કેસ નોંધાયા અને કેવી રીતે કોરોનાના કેસ વધ્યા તેના પર એક નજર કરીએ. ગુજરાતના અનેક શહેરોમાં ધીમે ધીમે કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે, તો સાથે જ કેટલાક લોકો કોરોનાને માત આપવામાં સફળ પણ નિવડ્યા છે.
સુરતની જેલમાં કોરોનાની એન્ટ્રી
સુરતની લાજપોર જેલમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. પ્રકાશ ગજ્જર નામના કેદીનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. આજે સુરત જિલ્લામાં 11 નવા કેસો નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ કેસો 78 પર પહોંચ્યા છે.
વાપીના ગોદાલ નગરમાં ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવનારા લોકો પર પોલીસ કડક બી છે. ગોદાલ નગરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પોઝિટિવ કેસ આવનારા યુવાનના પિતા લોકડાઉન દરમિયાન બે વાર મહારાષ્ટ્ર ગયા હતા. મૂળ મહારાષ્ટ્રના આ પરિવારના મોભી ગેરકાયદે મહારાષ્ટ્ર જતા પોલીસે તેઓની સામે ફરિયાદ નોંધી છે. તો વાપીમાં તેમના સબંધીએ પણ માહિતી છુપાવતા તેમની સામે પણ નોંધાયો છે. બહારથી આવનારા લોકોને આશરો આપનાર સામે કડક કાર્યવાહી થશે તેવુ પોલીસે જણાવ્યું છે.
ખેડામાં 6 દર્દી નવા ઉમેરાયા
ખેડા જિલ્લામાં રવિવારના દિવસે વધુ 6 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. નડિયાદ, કપડવંજ અને રઢુ ગામે કોરોનાના કેસ બન્યા છે. કપડવંજના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પતિ-પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે. નડિયાદ શહેરમાં કોરોના પોઝિટિવના 3 દર્દી અને રેઢું ગામે એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. ખેડા જિલ્લામાં કોરોનાનો કુલ આંક 47 પર પહોંચ્યો છે.
અમરેલીમાં બીજો કોરોના કેસ આવ્યો
અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો કેસ સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં 11 વર્ષીય તરુણને કોરોના પોઝિટિવ નીકળ્યો છે. સુરતથી આવેલ 11 વર્ષીય કિશોરને કોરોના નીકળતા જ બગસરાના પોઝિટિવ વિસ્તારમાં સેનેટરાઈઝરનો છંટકાવ કરાયો હતો. અમરેલી જિલ્લાનો આ બીજો કેસ છે. પ્રથમ અમરેલીના ટીમ્બલાના વુદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલ કિશોરની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની તપાસ શરૂ કરાઈ છે. બે દિવસ પહેલા જ કિશોર સુરતથી અમરેલી આવ્યો હતો, ત્યારે હવે સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે તેવું અમરેલીના કલેક્ટર આયુષ ઓકે માહિતી આપી છે. સાથે જ કિશોર સાથે સુરતથી બગસરામાં બસમાં આવેલા 27 મુસાફરોની તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ છે. બગસરા હોસ્પિટલ રોડ પર કિશોરના વિસ્તારમાં તંત્ર પહોંચ્યું છે. બગસરાનો હોસ્પિટલ રોડ સેનેટરાઈઝ કરવાની કાર્યવાહી કરાઈ હતી. અમરેલીમાં બગસરામા કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર અને સ્થાનિકો લોકો ફફડી ઉઠયા છે. કોરોના પોઝિટિવ વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી દેવાયો છે. આ વિસ્તારના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ કેસ આવતા શહેર સજ્જડ બંધ થયું છે. જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો અને આરોગ્ય વિભાગની ટીમોના બગસરામા ધામા થયા હતા. જિલ્લામા બીજો કેસ નોંધાતા લોકો ચિંતિત બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે