અરવલ્લી : ઓવર બ્રિજ બનાવવાની માંગણી સાથે ગિન્નાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યું
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા ખીલોડા સહિતના 25 ગામોના લોકો દ્વારા હાઈવે રોડમાં ઓવર બ્રિજ બનાવવાની માંગણીને લઇ હાઈવે રોડ ચક્કાજામ કરાયો હતો. ઓવર બ્રિજના અભાવે રોડમાં છાશવારે અકસ્માતોમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. અત્યાર સુધીમાં 5૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ગામ લોકોએ આજે તંત્ર સામે રોડ બનાવવાની માંગણી કરીને ચક્કાજામ કર્યું હતું.
Surat : નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર નાવડી ફરી, આખરે આવું બન્યું કેવી રીતે?
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા ખીલોડા પાસેથી નેશનલ હાઈવે નંબર 8 પસાર થાય છે. આ રોડમાં આવેલા ખીલોડા ચાર રસ્તા ઉપર થઇ આસપાસના વાદીયોલ, નાંદીસન, ભિલોડા, ખેરાડી, રામનગર, ભેટાલી કરણપુર સહિતના 25 ગામોમાં જવાનો રસ્તો છે. બીજી બાજુ ખીલોડા આસપાસમાં ત્રણ પ્રાથમિક શાળા તેમજ કોલેજ પણ આવેલી છે. ત્યારે આ ચાર રસ્તા છેલ્લા કેટલાય સમયથી અકસ્માત ઝોન બની ચૂક્યા છે. આ ખીલોડા નજીક છાશવારે અકસ્માતો સર્જાય છે. અત્યાર સુધીમાં આ સ્થળ ઉપર અકસ્માતોમાં 5૦ થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે, ત્યારે સતત યમદૂત બની રહેલા આ રોડે આસપાસના 15 ગામોનાં લોકોનું જોખમ વધાર્યું છે.
એક સ્થાનિક યોગેશ મેનાત કહે છે કે, હાલ આ હાઈવે રોડનું છ માર્ગીય બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ગ્રામજનો દ્વારા હાઈવે વિભાગમાં રજૂઆતો કરવા છતાં યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી. તેથી જોખમી બની ગયેલા રોડ ઉપર આસપાસના 25 ગામોના લોકોની સલામતીના ભાગ રૂપે ગ્રામ લોકોએ ઓવર બ્રિજ બનાવવાની માંગણી સાથે આજે હાઈવે રોડ ચક્કા જામ કર્યો હતો. જેના પગલે હાઈવે રોડમાં બંને બાજુ પાંચ કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ત્યારે શામળાજી પોલીસે આવી હાઈવે ચક્કાજામ ખોલાવ્યો હતો. ગ્રામજનો દ્વારા પોતાની માંગણી માટે વિરોધ નોંધાવ્યો હતો. આવનારા સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય ન્યાય નહિ આપવામાં આવે તો હજી પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે