બળવાખોરોને લડવી છે ચૂંટણી, આ નારાજ નેતાજી ટિકિટ ન મળતા બગાવતના મૂડમાં આવ્યા

Gujarat Elections 2022 : અરવલ્લીની બાયડ સીટ પર નવા-જૂની થશે...  પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન... સમર્થકોએ ધવલસિંહને અપક્ષમાંથી ચૂંટણી લડવાનું હુંકાર કર્યો...
 

બળવાખોરોને લડવી છે ચૂંટણી, આ નારાજ નેતાજી ટિકિટ ન મળતા બગાવતના મૂડમાં આવ્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીની દરેક પક્ષની ઉમેદવારોની યાદી આવી રહી છે. જેમ જેમ આ યાદી જાહેર થઈ રહી છે, તેમ તેમ નારાજગીના સૂર ઉઠી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપમા નારાજગીનું વાવાઝોડું એવુ ફૂંકાયુ છે, કે ટિકિટ ન મળતા નારાજ નેતાઓ અપક્ષ લડવા માટે તૈયાર થયા છે, તો અનેક પક્ષપલટો કરી રહ્યાં છે. જેમાં ભાજપના નારાજ નેતાઓનુ લિસ્ટ હવે લાંબુ થઈ રહ્યું છે. ભાજપમાંથી ટિકિટ કપાતા કેટલાક નેતા નારાજ થયા છે. નારાજ નેતાઓ અને તેમના સમર્થકો બળવો કરી રહ્યાં છે. વડોદરામાં ભાજપના કેટલાક નેતા બગાવતના મૂડમાં આવી ગયા છે. જેમાં વાઘોડિયા, કરજણ, પાદરામાં નેતાઓ ટિકિટ ન મળતા નારાજ થયા છે. વાઘોડિયાથી ટિકિટ કપાતા નારાજ મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચા ઉઠી છે. તો બાયડમાં ધવલસિંહ ઝાલા નવાજૂની કરવાના મૂડમાં છે. બોટાદમાં પણ સૌરભ પટેલના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. 

બાયડ બેઠક પર બગાવત
અરવલ્લીના બાયડ બેઠક પર ભાજપમાંથી ટિકિટ કપાતા ધવલસિંહ ઝાલા નારાજ થયા છે. જેથી બાયડમાં હજારો કાર્યકરો, ધવલસિંહના સમર્થકોનો જમાવડો થયો છે. ધવલસિંહના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા. આવામાં ટિકિટ કપાતા ધવલસિંહ ઝાલા નવા-જૂની કરે તેવા એંધાણ છે. ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા સમર્થકોમાં ઉગ્ર રોષ દેખાયો. ત્યારે ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી કરે તેવી શક્યતા છે. 

મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના સંપર્કમાં
ટિકિટ કપાતા નારાજ મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત સામે આવે છે. ગઈકાલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ લડવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે સમીકરણો બદલાયા છે. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી કોંગ્રેસની ટિકિટ પર લડી શકે છે. કોંગ્રેસના એક મોટા આદિવાસી નેતા સાથે તેમણે ગુપ્ત બેઠક કરી હોવાનું કહેવાય છે. જોકે, આ બેઠકમાં સહમતી ન સધાતા પેચ ફસાયો છે. જો મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાય તો ભાજપને ફટકો પડી શકે છે. કોંગ્રેસને મધુ શ્રીવાસ્તવથી થઈ શકે છે ફાયદો....

બોટાદમાં 2000 કાર્યકર્તાઓનો વિરોધ 
બોટાદ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકો જોવા મળ્યો છે. બોટાદ 107 અને 106 બેઠક પર ઉમેદવારની જાહેરાતને લઈને વિરોધ શરૂ થયો છે. 2000 થી વધુ કાર્યકરો અને આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા રજૂઆત કરી છે. 500 થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. બોટાદ 107 બેઠક પર ઘનશ્યામ વિરાણી અને 106 બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયા નામની ભાજપ દ્વારા જાહેરાત કરાઈ છે. જેના વિરોધરૂપે આજે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 2000 થી વધુ કાર્યકરો અને આગેવાનો દ્વારા બંને બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી માંગ કરાઈ છે. જેમાં બોટાદ 107 બેઠક પર સુરેશ ગોધાણી અને ગઢડા બેઠક પર આત્મારામ પરમારને ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. ત્યારે 500 કાર્યકરો અને આગેવાનો દ્વારા રાજીનામા આપવાને લઈ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયુ છે. 

કરજણ બેઠક પર બળવો
વડોદરાની કરજણ બેઠક પર ટિકિટ ન મળતા સતિષ નિશાળિયાએ બળવો પોકાર્યો છે. ભાજપે અક્ષય પટેલને ટિકિટ આપતા સતિષ નિશાળિયા નારાજ થયા છે. ત્યારે સતિષ નિશાળિયા અપક્ષ અથવા કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે તેવી શક્યતા છે. આ માટે સતિષ નિશાળિયાએ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. તેમણે આ બેઠક અંગે કહ્યું કે, પાર્ટીએ વિશ્વાસમાં લીધા વગર અક્ષય પટેલને ટિકિટ આપી. અક્ષય પટેલે કરજણમાં કોઈ કામ કર્યા નથી. 

પાદરા પર દિનુ મામા નારાજ 
પાદરા બેઠકથી ટિકિટ ન મળતા પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ભાજપથી નારાજ છે. ત્યારે ભાજપે ટિકિટ ન આપતા દિનેશ પટેલ અપક્ષથી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા દિનેશ પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 2017 માં બળવો કરનારાને ભાજપે ટિકિટ આપી છે. હું અપક્ષથી ઉમેદવારી કરી ભાજપના ઉમેદવારને હરાવીશ. 17 નવેમ્બરે 11 વાગ્યે ફોર્મ ભરવાનું નક્કી છે. હું અપક્ષથી ચૂંટણી લડીને જીતવાનો છું. ગીતાબેન રાઠવા અને રંજન ભટ્ટેના લીધે ટિકિટ કપાઈ. જેને મારી ટિકિટ કાપી એને હું ચૂંટણી બાદ નડીશ. 2022 બાદ હું કોઈ પણ ચૂંટણી લડવાનો નથી. 

કોંગ્રેસમાં ટીકીટ વિતરણને લઈ કકળાટ શરૂ
યુથ કોંગ્રેસ અને NSUI ના હોદ્દેદારોની ટિકિટ વહેંચણીમાં અવગણના થતા નારાજગી સામે આવી છે. ત્રણ બેઠક પર ટિકિટની યૂથ કોંગ્રેસ અને NSUIએ માંગ કરી છે. જમાલપુર, ધંધુકા અને કોડીનાર બેઠક પર NSUI અને યુથ કોંગ્રેસનાં હોદેદારોને ટિકિટ આપવાના સૂર ઉઠ્યા છે. જમાલપુરમાં શાહનવાઝ શેખ, ધંધુકા બેઠક પર હરપાલસિંહ ચુડાસમા તેમજ કોડીનાર બેઠક પરથી નરેન્દ્ર સોલંકીને ટિકિટ આપવા માંગ કરાઈ છે. કોંગ્રેસ પક્ષ ટીકીટ નહિ આપે તો NSUI  લડી લેવાના મૂડમાં છે. આમ, કોંગ્રેસમાં અંદરખાને જ વિરોધ શરૂ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news