Gujarat ના ખેડૂતોએ કાઢ્યું કાઠું, ગરીબો અને પશુઓનો આહાર બન્યો શ્રીમંતોની પ્લેટનો શણગાર

ગરીબોની થાળીમાં વર્ષોથી પડ્યા રહેતા વ્યંજનો હવે અમીરોની શાન બની રહ્યા છે. શાકભાજી, ફ્રૂટની સાથે હવે એક એવા અનાજને સ્થાન મળ્યું છે જેનું નામ વિદેશમાં ગર્વથી લેવાતું હતું. પણ હવે તેની કિંમત ભારતીયો પણ સમજતા થયા છે.

Gujarat ના ખેડૂતોએ કાઢ્યું કાઠું, ગરીબો અને પશુઓનો આહાર બન્યો શ્રીમંતોની પ્લેટનો શણગાર

કુંતલ સોલંકી, અમદાવાદ: ગરીબોની થાળીમાં વર્ષોથી પડ્યા રહેતા વ્યંજનો હવે અમીરોની શાન બની રહ્યા છે. શાકભાજી, ફ્રૂટની સાથે હવે એક એવા અનાજને સ્થાન મળ્યું છે જેનું નામ વિદેશમાં ગર્વથી લેવાતું હતું. પણ હવે તેની કિંમત ભારતીયો પણ સમજતા થયા છે.  

કોરોના પછી લોકો હેલ્થ પ્રત્યે ઘણા જ સજાગ થયા છે અને આ જ હેલ્થે તમામના નાસ્તાથી લઈ જમવાની વ્યાખ્યા બદલી નાખી છે. આ વ્યાખ્યામાં અવનવા વ્યંજનોને નવા રૂપરંગમાં સમાઈ ગયા છે. શિયાળાની ઋતુમાં જ થતાં આ અનોખા સુપર ફૂડને મોટી મોટી સેલિબ્રિટી પોતાના વ્યંજનમાં સમાવી રહી છે. તો હવે ગુજરાતમાં પણ શરૂ થઈ ગઈ છે તેની ખેતી.

કિનોવા, (Quinoa) મોટા મોટા શોપિંગ મોલમાં એક બોક્સમાં દેખાતા રાજગરાના દાણા જેવા કઠોળને હાથમાં લઈએ પણ તેની કિંમત વાંચીને પાછુ બોક્સ મૂકી દઈએ. કિનોવાના અનેક સારા ગુણધર્મો હોવા છતાં તેની કિંમત 500થી 1000 રૂપિયા સુધી હોવાના કારણે આપણે તેને ખરીદવાનું વિચારતા નથી. પણ કદાચ આગામી દિવસોમાં આ કિનોવા સસ્તા મળતા થાય તો અચૂક લઈ લેજો. કિનોવા (Quinoa) અનાજ નથી પણ તેમ છતાં તે અનાજની જગ્યા ચોક્કસથી લઈ શકે તેમ છે. આ એ જ કિનોવા (Quinoa) છે જે ઘઉં, ચોખા અને સોજીની જેમ જમવામાં લઈ શકાય છે. પણ તેની કિંમત આપણે ભારતીયોએ મોડે મોડે સમજી છે. હેલ્થ કોન્સિયન્સ લોકો ગરીબો અને ઢોરનું એક સમયનું ભોજન ગણાતા કિનોવાની કિંમત સમજી ગયા છે. એટલે જ કિનોવાને વિદેશમાંથી મંગાવી મોટા મોલ કે કંપનીઓમાં હજારોની કિંમતે વેચવામાં આવે છે.
Image preview

ગુજરાતમાં કિનોવાની સફળ ખેતી
સૌરાષ્ટ્ર કૃષિ વિશ્વ વિદ્યાલય ખેડૂતો માટે અવનવા પ્રયોગો કરવા માટે જાણીતુ છે. ગુજરાતના ખેડૂતો પણ ખેતી માટે અવનવા સાહસ કરવામાંથી પાછળ પડતા નથી અને આ જ સાહસ કિનોવાની ખેતી માટે કર્યું છે, વિદ્યાલયના વિજ્ઞાની ડો.કે.પી.બારૈયાએ જામનગરના 20 ખેડૂતોને કિનોવાના બીજ આપ્યા છે અને તે બીજ રોપી તેમાંથી કિનોવા (Quinoa) ની ખેતીની શરૂઆત પણ કરી છે. ત્રણ વર્ષથી આ પ્રયોગ ચાલી રહ્યો છે અને આશા રખાઈ રહી છે કે જામનગરની આબોહવા અને જમીનની ફળદ્રુપતા કિનોવાની ખેતી માટે અનુકૂળ છે તેથી ખેડૂતોને કિનોવા (Quinoa) ના 150 રૂપિયાથી 300 રૂપિયા સુધીના કિલોના ભાવ ચોક્કસ મળી રહેશે.

કિનોવા માટે ગુજરાતમાં બજાર ઉભુ કરાશે
હાલ પ્રાથમિક ધોરણે જામનગરમાં કિનોવા (Quinoa) ની ખેતી કરવા તરફ પગલા કરવામાં આવ્યા છે પણ તે ઉપરાંત કચ્છ, વડોદરા, હિંમતનગર, સુરતના એક-એક ખેડૂતને પણ તેની ખેતી માટે બીજ આપવામાં આવ્યા છે. ખાસ તો કિનોવા (Quinoa) નું મુખ્ય બજાર રાજસ્થાનનું બિકાનેર છે. પણ જો ગુજરાતના અનેક જિલ્લાના ખેડૂતો કિનોવા (Quinoa) ની સફળ ખેતી કરી શકશે તો જામનગર APMCમાં બજાર વ્યવસ્થા ઉભી થવાની આશા છે. તેનાથી ખેડૂતોને પરંપરાગત ખેતી છોડી અન્ય ખેતી તરફ આગળ વધવાનો ના માત્ર મોકો મળશે પણ કઈક નવી ઉપજ પેદા કરવાના કારણે સારી આવક પણ મળશે.
Image preview

દક્ષિણ અમેરિકા સૈકાથી ઉગાડે છે કિનોવા
કિનોવા (Quinoa) એક ઘાસના સ્વરૂપે જ ઉપયોગમાં લેવાતુ અને તે ગરીબોનું ભોજન તો ગણાતુ જ સાથે જ ઢોર માટે પણ ઉત્તમ ગણાતુ હતું. આ કિનોવાની કિંમત કોઈ નહોતું પૂછતું પણ વિદેશમાં તેને પહેલાથી અકસીર ઈલાજ માનવામાં આવે છે. સૈકાઓથી દક્ષિણ અમેરિકાના ખેડૂતો કિનોવાની ખેતી કરતા આવ્યા છે અને વિશ્વભરમાં તે જાણીતુ છે. 2013માં યુનાઈટેડ નેશને કિનોવા(કિનવ્હા) વર્ષ તરીકે જાહેર કર્યું હતું. ત્યારબાદથી કિનોવાની ખેતી ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, કેનેડા, બોલીવિયા, પેરુ, ચીન, ભારત, યુનાઈટેડ સ્ટેટ્સ અને અન્ય યુરોપિયન દેશોમાં થવા લાગી છે. કોરોના પછી લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થતાં હવે તેના વપરાશમાં ત્રણ ગણો વધારો થઈ ગયો છે અને દિવસેને દિવસે તેની માગ પણ વધી છે.

વૃદ્ધિ થતાં છોડનો રંગ બદલાય છે
કિનોવા (Quinoa) એક એવો છોડ છે જે તેની વૃદ્ધિ સાથે રંગ પણ બદલે છે. કિનોવાના ખેતરમાં જો જવા મળે તો ધ્યાનથી જોજો કિનોવા લીલા, ગુલાબી અને પછી પીળા જેવા સીડ કલરના જોવા મળશે. આ તેની વૃદ્ધિની ખાસિયત છે. સૌથી પહેલા પડાવમાં લીલો રંગ, પછી ગુલાબી રંગ અને બાદમાં કિનોવાના બીજનો ઉપરનો ભાગ મલ્ટીકલરમાં થઈ જાય છે.

શિયાળામાં કિનોવા માટે અનુકૂળ વાતાવરણ
કિનોવા (Quinoa) ના સારા ઉત્પાદન માટે અનુકૂળ વાતાવરણ શિયાળાનું છે તેમાં પણ રાત્રે ઠંડી અને દિવસમાં 35 ડિગ્રી તાપમાન યોગ્ય માનવામાં આવે છે. બીજ અંકુરણ માટે 18થી 24 ડિગ્રી તાપમાન યોગ્ય માનવામાં આવે છે. ખાસ તો કિનોવા તમામ પ્રકારની જમીનમાં ઉગી શકે છે. ક્ષાપયક્ત, ઉજ્જડ, ખરાબાની જમીનમાં પણ તેનો પાક લઈ શકાય છે. નબળી જમીનમાં તેના બીજ વધુ નાખવા પડે છે. સૌથી પહેલા પાટણના એક ખેડૂતે કિનોવાના બીજ આફ્રિકાથી મંગાવી તેનું વાવેતર કર્યું હતું. બંજર અને ખારી જમીન હોવા છતાં તેમણે કિનોવાની સફળ ખેતી કરી હતી.
Image preview

100 દિવસમાં તૈયાર થતો પાક
કિનોવા (Quinoa) એવો પાક છે જે 100 દિવસમાં તૈયાર થઈ જાય છે. તેમાં કોઈ ફર્ટિલાઈઝર કે જંતુનાશકની જરૂર પડજતી નથી. હેક્ટર દીઠ 5.6 ટનના દરે ખાતર નાખવામાં આવે છે. તેમાં કોઈ રોગ પણ આવતો નથી. બીજ ખૂબ નાનુ હોવાથી વીઘા દીઠ 400થી 600 ગ્રામ વપરાય છે. બીજ સફેદ, લાલ, ગુલાબી અને લીલા રંગના હોય છે. આમ ઓછા પાણી અને ઓછા ખર્ચે સારો પાક થાય છે. જો બે મીટર ઉંચો છોડ થાય છે. એકરમાં આશરે 18થી 20 ક્વિન્ટલ ઉપજ મળી રહે છે.

પ્રોટિનથી ભરપૂર કિનોવા
કિનોવા (Quinoa) રાજગરા પ્રકારનો છોડ છે. અને અનાજ ન હોવા છતાં અનાજ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તેના બીજમાંથી ખીચડી, સલાડ, લોટ, ઉપમા કે પુલાવ સહિતની અનેક વાનગીઓ બની શકે છે. જો આટલી બધી ખાદ્ય વાનગી કિનોવામાંથી બનતી હોય તો તેના ગુણ પણ કેટલા બધા રહેવાના. કિનોવામાં 9 જેટલા એમિનો એસિડ, ફાઈબર, અનેક ક્ષાર, આર્યન, વિટામીન બી, વિટામીન ઈ, એમિનો એસિડ, એન્ટીઓક્સિડન્ટ છે. ખનીજ ક્ષાર ભરપૂર છે તો બીજી તરફ સુગરની માત્રા નહિવત છે.

અનેક રોગનો અકસીર ઈલાજ
ઓસ્ટિઓપોરોસિસથી બચાવે
હદયની સ્વસ્થતા જાળવે
ત્વચા માટે સર્વોત્તમ
શારીરિક બળતરા દૂર કરે
ડાયાબિટીસ સામે રક્ષણ આપે
સ્વસ્થ પાચનક્રિયા રાખે
વાળના વિકાસ, ખોડો દૂર કરે
કેન્સર અને શ્વસન તંત્રની બીમારીઓ દૂર કરે
શરીરને પૂરતી ઊર્જા અને પોષણ આપે
ગમે તેવા કેન્સર સેલ વૃદ્ધિ અવરોધન
ફેટ બાળવામાં સંપૂર્ણ ઉપયોગી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news