PBKS vs RR: હેટમાયરે પંજાબ પાસેથી છીનવી જીત, રાજસ્થાનનો 3 વિકેટે રોમાંચક વિજય

IPL 2024: આઈપીએલ-2024માં હવે રોમાંચક મેચ જોવા મળી રહી છે. આજે પણ પંજાબ કિંગ્સે અંતિમ ક્ષણે હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી હતી. શિમરોન હેટમાયરે અંતિમ ઓવરમાં બે સિક્સ ફટકારી રાજસ્થાનને જીત અપાવી હતી. 
 

PBKS vs RR: હેટમાયરે પંજાબ પાસેથી છીનવી જીત, રાજસ્થાનનો 3 વિકેટે રોમાંચક વિજય

ચંદીગઢઃ અંતિમ ઓવરોમાં શિમરોન હેટમાયર (10 બોલમાં અણનમ 27 રન) ની વિસ્ફોટક ઈનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે એક બોલ બાકી રહેતા રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવી પાંચમી જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માટે યશસ્વી જયસ્વાલે 28 બોલમાં 4 ચોગ્ગા સાથે 39 રન ફટકાર્યા હતા. તેની સાથે ઈનિંગની શરૂઆત કરવા આવેલા તનુષ કોટિયને 24 રન ફટકાર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન સંજૂ સેમસન 18 રન બનાવી આઉટ થયો હતો. રિયાન પરાગે 18 બોલમાં 23 રન બનાવ્યા હતા. 

રાજસ્થાનની જીતમાં શિમરોન હેટમાયરનો મોટો ફાળો રહ્યો હતો. હેટમાયરે 10 બોલમાં 1 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 27 રન ફટકાર્યા હતા. રોવમેન પોવેલે 11 અને ધ્રુવ જુરેલ 6 રન બનાવી આઉટ થયા હતા. કેશવ મહારાજ 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

આ પહેલા પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં માત્ર 147 રન બનાવી શકી હતી. પંજાબના બંને ઓપનર અથર્વ તાયડે અને જોની બેયરસ્ટો 15-15 રન બનાવી આઉટ થયા હતા. પ્રભસિમરને 10 રન બનાવ્યા હતા. સેમ કરન માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય જીતેશ શર્માએ 24 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું હતું. 

લિયામ લિવિંગસ્ટોન 14 બોલમાં 2 ચોગ્ગા અને એક સિક્સ સાથે 21 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં આશુતોષ શર્માએ 16 બોલમાં ત્રણ સિક્સ અને એક ચોગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા. આશુતોષની ઈનિંગની મદદથી પંજાબની ટીમ 147 રન બનાવવામાં સફળ રહી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news