IND vs ENG: બીજી ટેસ્ટમાં રોહિતની શાનદાર સદી, પ્રથમ દિવસના અંતે ભારત 300/6
ચેન્નઈમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારત તરફથી રોહિતે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી.
Trending Photos
ચેન્નઈઃ ભારતે ચેન્નઈમાં ઈંગ્લેન્ડ સામે આજથી શરૂ થયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં પ્રથમ દિવસે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 88 ઓવરમાં 6 વિકેટે 300 રન બનાવી લીધા છે. દિવસના અંતે રિષભ પંત (33) અને અક્ષર પટેલ (5) રન બનાવી ક્રીઝ પર છે. ભારત તરફથી રોહિત શર્મા (161) અને અંજ્કિય રહાણે (67) એ દમદાર બેટિંગ કરી હતી.
ભારતની ખરાબ શરૂઆત
ચેન્નઈમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતને બીજી ઓવરમાં શુભમન ગિલ (0)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઓલી સ્ટોને ગિલને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ 85 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 85 હતો ત્યારે ચેતેશ્વર પૂજારા (21)ને જેક લીચે સ્લિપમાં કેચ આઉટ કરાવી ભારતને બીજો ઝટકો આપ્યો હતો.
રોહિત શર્માએ ફટકારી કરિયરની સાતમી સદી
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી (0)ને મોઇન અલીએ બોલ્ડ કર્યો હતો. એક સમયે ભારતે 86 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા આજે પોતાના વિસ્ફોટક અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે ચેન્નઈના ચેપોક મેદાનમાં પોતાના ટેસ્ટ કરિયરની સાતમી સદી ફટકારી હતી. રોહિતે 130 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રોહિત શર્મા 231 બોલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 161 રન બનાવી લીચનો શિકાર બન્યો હતો. રોહિતે રહાણે સાથે 162 રનની ભાગીદારી કરી હતી.
રહાણેએ આપ્યો રોહિતનો સાથ
ભારતીય ટીમ લંચ પહેલા પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ક્રિઝ પર રોહિતનો સાથ આપવા માટે વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે આવ્યો હતો. રહાણેએ ફોર્મમાં વાપસી કરતા શાનદાર અડધી સદી ફટકારી હતી. રહાણે 149 બોલમાં 9 ચોગ્ગા સાથે 67 રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો. આર અશ્વિન (13)ને જો રૂટે આઉટ કરી ભારતને છઠ્ઠો ઝટકો આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે