Curd: આ ટ્રિક ફોલો કરશો તો ઘરે બજાર જેવું જ મલાઈદાર ઘટ્ટ દહીં જામશે, દહીંમાંથી પાણી પણ નહીં છુટે
Curd: ઘણા લોકો માર્કેટમાંથી રોજ દહીં એટલા માટે ખરીદતા હોય છે કે ઘરે બજાર જેવું મલાઈદાર અને ઘટ્ટ દહીં જામતું નથી. ઘરે જમાવેલા દહીંમાંથી પાણી છૂટવા લાગે છે અને તે ઘટ્ટ રહેતું નથી. આ સમસ્યા તમારી પણ હોય તો આજે તમને ચાર એવી ટ્રિક વિશે જણાવીએ જેની મદદથી તમે ઘરે બજાર જેવું જ મલાઈદાર અને પાણી વિનાનું દહીં જમાવી શકો છો.
Trending Photos
Curd: દહીંનો ઉપયોગ દરેક ઘરમાં રોજ થાય છે. દરેક ઘરમાં ગૃહિણીઓ દહીં જમાવતી પણ હોય છે પરંતુ મોટાભાગની ગૃહિણીઓની સમસ્યા હોય છે કે અનેક પ્રયત્નો કરવા છતાં પણ માર્કેટમાં જેવું મલાઈદાર અને પાણી વિનાનું દહીં મળે છે તેવું ઘરે જામતું ન હોય. આ ફરિયાદના કારણે કેટલીક ખાસ વાનગીઓ બનાવવા માટે માર્કેટમાંથી જ દહીં ખરીદવું પડે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે ઘરે બજાર જેવું ટેસ્ટી અને ઘટ્ટ દહીં જમાવવું ખૂબ જ સરળ છે. માર્કેટમાં પણ જે દહીં વેચાય છે તે આ ટ્રીકથી જ જમાવેલું હોય છે. જો તમે પણ આ ટ્રીક અપનાવી લેશો તો તમારા ઘરે પણ રોજ સ્વાદિષ્ટ અને ઘટ્ટ દહીં બનશે. જેને નાના મોટા સૌ કોઈ આંકડા ચાટીને ખાશે. તો ચાલો ફટાફટ જાણી લો દહીં જમાવવાની 4 અલગ અલગ રીત વિશે.
પાણી વિનાનું ઘટ્ટ દહીં જમાવવાની રીતો
1. જો તમારે મલાઈદાર અને પાણી વિનાનું દહીં જમાવવું હોય તો રાત્રે જ દહીં જમાવવા મૂકવું. આ સાથે દહીં માટે ફુલ ક્રીમ મિલ્કનો ઉપયોગ કરો. દહીં માટે ભેંસના દૂધનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ રહે છે. દહીં જમાવતા પહેલા દૂધને સારી રીતે ઉકાળો. દૂધ ઉકળી જાય પછી તેને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દો. દૂધને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તેની ઉપર મલાઈ ન જામે. દૂધ જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવે તો એક ચમચી દહીં તેમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી દો. દૂધમાં દહીં સારી રીતે મિક્સ થઈ જાય પછી તપેલાને ઢાંકીને રાખી દો. સવાર થશે ત્યાં સુધીમાં તમારું દહીં જામી ગયું હશે.
2. જો તમારે દહીં ઝડપથી જમાવવું હોય અને તેમાં પાણી ન થાય તેવી ઈચ્છા હોય તો દહીં જમાવવા માટે માટીના વાસણનો ઉપયોગ કરો. જે વાસણમાં દહીં જમાવવાનું હોય તેની અંદરની તરફ દહીં લગાવી દેવું. હવે એક બીજા વાસણમાં દૂધને હૂંફાળું ગરમ કરો. દૂધ હુંફાળું ગરમ થઇ જાય પછી તેમાં જરૂર અનુસાર દહીં મિક્સ કરી તૈયાર કરેલા દૂધ અને દહીંના મિક્સચરને માટીના વાસણમાં રાખી દો. સવારે તમે જોશો તો દહીં બજાર જેવું જ પાણી વિનાનું જામી ગયું હશે.
3. ત્રીજી રીત છે કેસરોલમાં દહીં જમાવવાની. કેસરોલનો ઉપયોગ મોટાભાગે રોટલી કે ભોજનની અન્ય વસ્તુને ગરમ રાખવા માટે થતો હોય છે. આ કેસરોલનો ઉપયોગ કરીને તમે દહીં પણ જમાવી શકો છો. કેસરોલમાં દહીં ઝડપથી પણ જામી જાય છે. કેસરોલમાં દહીં જમાવવું હોય તો અડધો લીટર ફુલ ક્રીમ દૂધને ઉકાળીને હુંફાળું કરી લેવું. ત્યાર પછી તેને કેસરોલમાં કાઢી તેમાં એક ચમચી દહીં મિક્સ કરો. ત્યાર પછી કેસરોલ ને ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે રાખી મૂકો. ચાર કલાક પછી તમારું દહીં જામી ગયું હશે.
4. દહીં જમાવવાની ચોથી રીત એવા લોકો માટે કામની છે જેમના ઘરે માઇક્રોવેવ હોય. જો રાત્રે દહીં જમાવતા ભૂલી ગયા હોય તો બપોર સુધીમાં તમે માઇક્રોવેવની મદદથી દહીં જમાવી શકો છો. તેના માટે સૌથી પહેલા માઇક્રોવેવને પ્રિહિટ કરી બંધ કરી દો. ત્યાર પછી માઇક્રોવેવ સેફ બાઉલમાં હુંફાળા દૂધમાં દહીં ઉમેરીને ગરમ કરેલા માઇક્રોવેવની અંદર તેને ઢાંકીને રાખી દો. આ રીતે દહીં જમાવશો તો બેથી ત્રણ કલાકમાં જ દહીં જમીને તૈયાર થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે