રાહુલ ગાંધી રાજીનામું પાછું નહીં ખેંચે, મનમોહન જેવા મોટા નેતાને મળશે કાર્યભાર

સૂત્રો અનુસાર પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતાને કોંગ્રેસ અધ્યક્ષ અને ચાર કાર્યકારી અધ્યક્ષના ફોર્મ્યુલા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે 
 

રાહુલ ગાંધી રાજીનામું પાછું નહીં ખેંચે, મનમોહન જેવા મોટા નેતાને મળશે કાર્યભાર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં કારમી હાર પછી કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રમુખ પદ છોડવાની જીદ પકડીને બેઠા છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને મનાવાયા બાદ પણ રાહુલ ગાંધી તેમનું રાજીનામું પાછું નહીં ખેંચે. આથી હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગાંધી પરિવારથી બહારના મનમોહન સિંહ જેવા કોઈ મોટા નેતાને પાર્ટીના અધ્યક્ષનો કાર્યભાર સોંપવામાં આવી શકે છે. આ સાથે જ અન્ય ચાર કાર્યકારી અધ્યક્ષની ફોર્મ્યુલા અંગે પણ વિચારણા ચાલી રહી છે. 

આ ચાર કાર્યકારી અધ્યક્ષ દેશભરમાં ફરશે અને પાર્ટીનો પ્રચાર-પ્રસાર કરશે. રાહુલ ગાંધી મંગળવારે પણ રાજીનામું પાછું ન ખેંચવાની જીદ પર અડગ રહ્યા હતા. જોકે, પાર્ટીના સાથી પક્ષો ડીએમકે અને અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ તેમને પોતાનો નિર્ણય પાછો ખેંચવા આગ્રહ કર્યો હતો. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલ, પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા રાહુલ ગાંધીને મળ્યા હતા. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ તેમને મળવા પહોંચ્યા હતા. હવે, બુધવારે કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક યોજાવાની છે, જેમાં પ્રસ્તાવ પસાર કરીને રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ પર રહેવા માટેની અપીલ કરવામાં આવી શકે છે. 

કોંગ્રેસના નેતાઓ ઉપરાંત ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જણાવ્યું કે, ચૂંટણીમાં પાર્ટીનો ભલે પરાજય થયો હોય, પરંતુ રાહુલે લોકોનાં દિલ જીત્યા છે. તેમણે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી અને તેમને પાર્ટી અધ્યક્ષ પદથી રાજીનામાનો વિચાર પાછો ખેંચવા રાહુલ ગાંધીને રાજી કરવા વિનંતી કરી હતી. 

કોંગ્રેસના નેતા એમ. વીરપ્પા મોઈલીએ આ પરાજયને 'પસાર થતો સમય' જણાવ્યો છે. રાહુલને પાર્ટીનો પ્રેરણાસ્રોત ગણાવતા મોઈલીએ જણાવ્યું કે, તેમના દ્વારા પદ પરથી રાજીનામું આપવું યોગ્ય કહેવાશે નહીં. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news