PM મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે કાઢી પંજાબ સરકારની ઝાટકણી! નવા વીડિયોમાં ખુલ્યો ષડયંત્રનો ભેદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલે ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે પીએમના કાફલામાં ક્ષતિને લઈને ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.

PM મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે કાઢી પંજાબ સરકારની ઝાટકણી! નવા વીડિયોમાં ખુલ્યો ષડયંત્રનો ભેદ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી સુરક્ષામાં ચૂક મુદ્દે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ માટે રચવામાં આવેલી સ્પેશિયલ કમિટિએ આજે ફિરોઝપુરની મુલાકાત લીધી હતી. તપાસ કમિટીની ટીમ ડેપ્યૂટી કમિશનર સાથે બેઠક કરશે. એટલું જ નહીં આ મુદ્દે એક નવો વીડિયો પણ સામે આવ્યો છે. આ નવા વીડિયોમાં સ્પષ્ટ રીતે પ્રદર્શનકારીઓ રૂટ પર અવરોધ ઉભો કરતા હોય તેવું જોઈ શકાય છે. સમગ્ર મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં પંજાબ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં આ પ્રકારની ચૂક ચલાવી લેવાય નહીં. ભવિષ્યમાં આવી ઘટના ન બનવી જોઈએ તેવું પણ સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 7, 2022

 

ઉલ્લેખનીય છેકે, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ માટે એક વિશેષ કમિટીની રચના કરી છે. ત્રણ સભ્યોવાળી આ કમિટીનું નેતૃત્વ કેબિનેટ સચિવાલય સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરી રહ્યાં છે. આ સિવાય કમિટીમાં આઈસીના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ અને એસજીપી આઈજી એસ સુરેશ પણ સામેલ છે. 

પ્રધાનમંત્રી મોદી બુધવારે પંજાબના પ્રવાસ હતા તે સમયે સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી હતી. પંજાબના પ્રવાસે ગયેલાં પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે ફિરોઝપુર નજીક પહોંચ્યો ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ તે રસ્તો રોકીને અવરોધ ઉભો કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, જ્યાંથી જે રૂટ પરથી પ્રધાનમંત્રી મોદી પસાર થવાના હતા તે રૂટ પર આ પ્રકારની અવ્યવસ્થા અને સુરક્ષામાં ચુકની ઘટના બની હતી. આ કારણે પ્રધાનમંત્રી એક ફ્લાઈઓવર પર આશરે 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા. ઘટના બાદ પ્રધાનમંત્રી કોઈ કાર્યક્રમમાં સામેલ થયા વગર દિલ્હી પરત ફરી ગયા હતા. 

કેન્દ્ર સરકારે આ ઘટના માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે અને તેમની પાસે રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તત્કાલ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપતા કહ્યુ કે, તેણે જરૂરી તૈનાતી ન કરી, જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે, પ્રધાનમંત્રીની યાત્રા દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આ પ્રકારની બેદરકારી સંપૂર્ણ પણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નક્કી કરવામાં આવશે. 

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ ચુક થઈ નથી અને તેની પાછળ કોઈ રાજકીય ઈરાદો નહોતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં અચાનક થયેલા ફેરફારને કારણે આ ઘટના થઈ અને પ્રધાનમંત્રીના જીવન પર ખતરા જેવી કોઈ સ્થિતિ નહોતી. મુખ્યમંત્રીએ ઘટનાની ઉંડાણથી તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ મેહતાબ સિંહ ગિલ અને મુખ્ય સચિવ, ગૃહ મામલા તથા ન્યાય, અનુરાગ વર્માને ત્રણ દિવસની અંદર રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news