વિજય સંકલ્પ રેલીમાં પીએમ મોદી બોલ્યા- હરિયાણાને 'ડબલ એન્જિન'નો લાભ મળ્યો
હરિયાણાના રોહતકમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ રેલીને સંબોધી.
Trending Photos
રોહતક/હિસાર: હરિયાણા વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા કોંગ્રેસનો ગઢ ગણાતા રોહતકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના 100 દિવસની ઉપલબ્ધિઓ ગણાવી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યાં. પીએમ મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે પહેલા દિલ્હીમાં વડાપ્રધાનની જય જયકાર કરનારા લોકોને ટ્રકોમાં ભરીને દિલ્હી લઈ જનારાને હરિયાણામાં મુખ્યમંત્રી બનાવવામાં આવતા હતાં. હવે જનતાએ આવી પાર્ટી અને લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. પીએમ મોદીએ 'ઈસરો સ્પીરીટ' માટે દેશવાસીઓની પણ પ્રશંસા કરી.
ચૂંટણી પરિણામ જોઈને કેટલાક લોકોના મન સૂન્ન થઈ ગયા છે
પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પરિણામો જોઈને કેટલાક લોકોના મન સૂન્ન થઈ ગયા છે. છેલ્લા 5 વર્ષોમાં પરિવારવાદ પર આકરો પ્રહાર કરાયો છે. ભ્રષ્ટાચારનો ખાતમો થયો છે. તેમણે કહ્યું કે અહીં મુખ્યમંત્રી એવા લોકો બનતા હતાં જે દિલ્હીમાં ટ્રક ભરી ભરીને લોકોને લાવે અને વડાપ્રધાનના ઘરની બહાર ઢોલ નગારા વગાડે અને વડાપ્રધાનનો જય જયકાર કરે. છેલ્લા 5 વર્ષમાં મુખ્યમંત્રીએ કે અહીંની સરકારે આવું કોઈ કામ કરવું પડ્યું નથી.
100 સેકન્ડે આખા દેશને અંદરથી જગાડી દીધો
તેમણે ચંદ્રયાન-2નો ઉલ્લેખ કરતા કહ્યું કે 7 સપ્ટેમ્બરના રોજ રાતે 1 વાગે ને 50 મિનિટ પર આખો દેશ ટીવી સામે બેસી ગયો હતો. લોકો ચંદ્રયાનના લેન્ડિંગને જોતા હતાં. 7 સપ્ટેબરની રાતે 100 સેકન્ડમાં મેં વધુ એક સાક્ષાત્કાર કર્યો. વડાપ્રધાને કહ્યું કે આ ઘટનાએ સમગ્ર દેશને 100 સેકન્ડની અંદર જગાડી દીધો. આખા હિન્દુસ્તાનને જોડી દીધો. હવે હિન્દુસ્તાનમાં ઈસરો સ્પિરીટ છે. હવે દેશ નકારાત્મકતાને સ્વીકારવા તૈયાર નથી. સફળતા અને અસફળતાના અર્થ 100 સેકન્ડમાં બદલાઈ ગયાં. સવા સો કરોડ દેશવાસીઓનો આ મિજાજ મારા જીવનની મોટી પૂંજી છે.
મોદી સરકારના 100 દિવસના કામને ગણાવ્યાં
પીએમ મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે આતંકવાદ અને મુસ્લિમ બહેનો માટે 100 દિવસમાં કાયદા બનાવ્યાં. એનડીએ સરકારના 100 દિવસ વિકાસ અને પરિવર્તનના રહ્યાં. આ 100 દિવસ નિર્ણય, નિષ્ઠા અને નેક નિયતના રહ્યાં છે. ગત 100 દિવસમાં દુનિયાએ જોયુ કે દાયકાઓ જૂનો પડકાર હોય કે આજનો, ભારત દરેક પડકારને સીધી ટક્કર આપે છે. અમે જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોની આકાંક્ષા પૂરી કરવામાં લાગ્યા છીએ. હરિયાણામાં 7 લાખ ગરીબ પરિવારોને ગેસ કનેકશન મળ્યું છે.
મોડી રાત સુધી બેસીને સાંસદોએ નવા કાયદા પર ચર્ચા કરી
વડાપ્રધાને કહ્યું કે આ વખતે સંસદના સત્રમાં જેટલા બિલ પાસ થયા છે જેટલું પણ કામ થયું છે, તેટલું કામ સંસદના કોઈ પણ સત્રમાં છેલ્લા 6 દાયકામાં થયું નથી. મોડી રાત સુધી બેસીને સાંસદો દ્વારા નવા કાયદા પર ચર્ચા કરાઈ છે. તમારા બધાના અભૂતપૂર્વ વિશ્વાસના દમ પર જ કૃષિથી લઈને રાષ્ટ્રની સુરક્ષા સંબંધિત નિર્ણયો સરકાર લઈ શકી છે. ખેડૂતોના હિતમાં એવા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે જેના દમ પર 2022 સુધીમાં આવક બમણી કરવાના લક્ષ્યને પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ખેડૂતોને ખર્ચ ઓછો થાય અને પાકના યોગ્ય ભાવ મળે તેમનો પાક બરબાદ ન થાય તે માટે સતત કામ ચાલી રહ્યું છે.
હરિયાણાને ડબલ એન્જિનનો પૂરેપૂરો લાભ મળ્યો છે
પીએમ મોદીએ કહ્યું કે હરિયાણાની જનતાએ તેમને લોકસભામાં ચૂંટણીમાં જીત અપાવી. હવે હું વધુ માંગવા આવ્યો છું. તેમણે કહ્યું કે આજે હરિયાણાના લોકોના જીવનને મનોહરલાલ ખટ્ટરે પોતાના પ્રયત્નથી 'મનોહર' બનાવી દીધુ છે. પીએમ મોદીએ કહ્યું કે નમો નમો કરનારા મને નમોહર કરવા લાગ્યાં. નમોહર અને મનોહર બંને એકમાં જ સમાયેલા છે. તેમણે કહ્યું કે વીતેલા 5 વર્ષોમાં હરિયાણાને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારના ડબલ એન્જિનનો પૂરેપૂરો લાભ મળ્યો છે. હરિયાણામાં 25 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ચાલે છે.
જુઓ LIVE TV
જનતાના આશીર્વાદ કોને મળશે તે સ્પષ્ટ છે
વડાપ્રધાને કહ્યું કે મનોહરલાલજીની જન આશીર્વાદ યાત્રા આજે ભલે રોહતકમાં સમાપ્ત થઈ રહી હોય પરંતુ તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ હરિયાણાના આશીર્વાદ કોને મળવાના છે. તેમણે કહ્યું કે રોહતકની મારી આજની મુલાકાતના બે મોટા મક્સદ છે. પહેલો એ કે તમને વિકાસના નવા પ્રોજેક્ટનો ઉપહાર આપવો અને બીજો એ કે મનોહરલાલને મળી રહેલા જબરદસ્ત સમર્થનનું સાક્ષી થવું.
કેન્દ્રએ હરિયાણાને અનેક ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીના મોસમમાં હરિયાણાને અનેક ભેટ પણ આપી છે. જેમાં રોહતક માટે લગભગ 500 કરોડની યોજનાઓ સામેલ છે. અત્રે જણાવવાનું કે ભાજપે આ રેલી માટે રોહતકની પસંદગી એટલા માટે કરી છે કારણ કે એવું કહેવાય છે કે રોહતક એ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનો ગઢ છે. આવામાં ચૂંટણી અગાઉ ભાજપ કોંગ્રેસને તેના જ ગઢમાં પડકાર આપવા માટે તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે