GUJARAT: હવે તમારૂ બાળક કોઇ પણ શાળામાં અભ્યાસ નહી કરી શકે, ચોંકી નહી પણ થથરી જશો
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : રાજ્યભરમાં છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ચુકી છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટને કારણે સંચાલકો કંટાળીને શાળાઓ બંધ કરવા માટે મજબુર થયા છે. વર્ષ 2010 માં રાજ્યભરમાં અંદાજે 4500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ હતી. જો કે 10 વર્ષમાં ગ્રાન્ટેડ શાળાઓ ઘટીને 3,000 જેટલી થઇ ચુકી છે. સરકાર દ્વારા અપાતી અપૂરતી ગ્રાન્ટને લઈ સંચાલક મંડળ તરફથી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર નિષ્ક્રિય થઇ ચુક્યું છે.
સરકાર દ્વારા ધોરણ 9 ના એક વર્ગ માટે 2500 રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે, જે વર્ષે 30,000 રૂપિયા જેટલી થાય છે. આ 30,000 રૂપિયાની ગ્રાન્ટ સામે શાળાના એક વર્ગ પાછળ સંચાલકોએ અંદાજે 2 લાખ જેટલી વાર્ષિક રકમ ખર્ચ પેટે ભોગવવી પડે છે. ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમ માત્ર શાળાઓના ઈન્ટરનેટ ખર્ચ 10,000 રૂપિયા, પરીક્ષા ખર્ચ એક વર્ગના વિદ્યાર્થીઓ પેટે અંદાજે 20,000 રૂપિયા પાછળ જ ખર્ચાઈ જાય છે. આ ઉપરાંત સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ, વાલીઓની મિટિંગ થાય એ ખર્ચ, વિદ્યાર્થીઓ માટે ઇત્તરપ્રવૃત્તિઓ પાછળ થતો ખર્ચ અંદાજે 75 હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે.
દરેક ગ્રાન્ટેડ શાળા માટે સૌથી મોટો ખર્ચ લાઈટ બિલ અને AMC વેરો તેમજ મકાન ભાડા પેટે થતો હોય છે. ગ્રાન્ટેડ શાળાનો એક વર્ષ ચલાવવા સરકાર દ્વારા અપાતા 30,000 રૂપિયા સામે એકવર્ષ ચલાવવા ગ્રાન્ટેડ શાળાના સંચાલકને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. સરકાર તરફથી અપાતી ગ્રાન્ટ નહી પોસાતા 1500 ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ શાળાઓને તાળા મારવા માટે મજબુર બન્યા છે. સરકારની નીતિથી પરેશાન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ભવિષ્યમાં વધુ શાળાઓ બંધ કરે તેવી પરિસ્થિતિ ઉદભવી રહી છે.
રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ જે ગતિએ બંધ થઈ રહી છે એ જોતા ભવિષ્યમાં શિક્ષણ મોંઘું થવાની ભીતિ પણ સંચાલકો સેવી રહ્યા છે. ખાનગી શાળા સંચાલકોને છૂટો દોર મળે અને શિક્ષણના નામે સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવે તેવી શક્યતા છે. સસ્તું અને ઉત્તમ શિક્ષણ મેળવવાના ગરીબ - મધ્યમ પરિવારનું સપનું રોળાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના શાહીબાગ વિસ્તારની 66 વર્ષ જૂની ગ્રાન્ટેડ સ્કૂલ એચ.બી. કાપડિયાના સંચાલકે શાળા બંધ કરવા અરજી કરી હતી. જેની પાછળ સ્કૂલ ખર્ચ સામે મળતી અપૂરતી ગ્રાન્ટ એક મહત્વપૂર્ણ પરિબળ હોવાની વાત સામે આવી હતી, જો કે પાછળથી સંચાલકે સ્કૂલ બંધ કરવાની અરજી પરત લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે