ગયા વર્ષે પણ ફેબ્રુઆરીમાં જ વલસાડમાં દેખાયો હતો વાઘ, જુઓ ગુજરાતમાં ક્યારે લુપ્ત થયા હતા વાઘ

એક સમય હતો જ્યારે ગુજરાતમાં વલસાડથી લઈને અંબાજી સુધી વાઘ જોવા મળતાં હતા. પરંતુ છેલ્લા 25 વર્ષોથી વાઘ લુપ્ત થઈ ગયા હતા. ત્યાર બાદ હાલ મહીસાગર વિસ્તારમાં વાઘ દેખાતા ગુજરાતના વન્ય પ્રેમીઓમાં હરખની હેલી ફેલાઈ ગઈ છે

ગયા વર્ષે પણ ફેબ્રુઆરીમાં જ વલસાડમાં દેખાયો હતો વાઘ, જુઓ ગુજરાતમાં ક્યારે લુપ્ત થયા હતા વાઘ

દિપ્તી સાવંત/અમદાવાદ : વાઘ આવ્યો, વાઘ આવ્યો... એ વાત પચ્ચીસેક વર્ષોથી ગુજરાતમાં માત્ર કહેવત પૂરતી જ સીમિત રહી ગઈ હતી. કારણ કે, એક સમય હતો જ્યારે ગુજરાતમાં વલસાડથી લઈને અંબાજી સુધી વાઘ જોવા મળતાં હતા. પરંતુ છેલ્લા 25 વર્ષોથી વાઘ લુપ્ત થઈ ગયા હતા. ત્યાર બાદ હાલ મહીસાગર વિસ્તારમાં વાઘ દેખાતા ગુજરાતના વન્ય પ્રેમીઓમાં હરખની હેલી ફેલાઈ ગઈ છે. લુપ્ત થયેલા વાઘ ફરી જોવા મળતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. પરંતુ નવાઈની વાત એ છે કે, ગત વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં જ વલસાડમાં વાઘ દેખાયાના સમાચાર મળ્યા હતા. મહારાષ્ટ્રની બોર્ડર પાસે હોઈ તેને અડીને આવેલા ગુજરાતના પ્રદેશોમાં વાઘ જોવા મળ્યાના પુરાવાઓ અનેકવાર જોવા મળ્યા છે. પરંતુ મધ્ય ગુજરાતના વિસ્તારમાં છેક મહીસાગરમાં વાઘ જોવા મળ્યો હતો તેવો આ પહેલો પુરાવો છે. 

વલસાડના નવેરામાં વાઘ દેખાયાની ચર્ચા
ગત વર્ષે ફેબ્રુઆરી મહિનાના 9 ફેબ્રુઆરીની આસપાસ વલસાડના નવેરા ગામના લોકોએ એક સ્થળે રસ્તો ક્રોસ કરતો વાઘ જોયો હતો. જેમાં કેટલાક લોકોએ તેની તસવીરો ક્લિક કરી હતી. આ વાતની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવી હતી. આ પહેલા 1998માં ડાંગ જિલ્લામા વાઘ દેખાયાની વાતો ઉભી થઈ હતી, જેને પગલે વનવિભાગે ડાંગ જિલ્લામાં તપાસ કરી હતી. વલસાડમાં 1965ની આસપાસ વાઘ જોવા મળતા હતા. તેના બાદ અહી વાઘ દેખાવાના સદંતર બંધ થઈ ગયા હતા. તેથી વાઘની તસવીરો ફરતી થતા વાઘ હોવાના દાવા પણ મજબૂત થયા છે.

જુનાગઢ : ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત, જોતજોતામાં કાર બની ગઈ કાટમાળ

2001માં વાઘની વસ્તી શૂન્ય હોવાની જાહેરાત થઈ હતી
1992માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. લગભગ બે દાયકા પહેલાં 1998માં મહારાષ્ટ્રની સરહદે ડાંગના જંગલોમાં વાઘ જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પહેલા થોડા સમય પહેલા પણ ડાંગના જંગલમાંથી મળી આવેલા વાઘના મળના નમૂનાને આધારે નાસિક જિલ્લાને અડીને આવેલા ડાંગના જંગલોમાં વાઘની વસ્તી હોવાની શકયતા ઊભી થઈ છે. જોકે, વર્ષ 2001માં વન્યજીવોની વસ્તી ગણતરી બાદ ગુજરાત સરકારે જાહેર કર્યુ હતું કે રાજ્યમાં વાઘોની વસ્તી શૂન્ય છે. 

કેવી રીતે અને ક્યારે લુપ્ત થયા વાઘ
ગુજરાતના વાઘોનો ઈતિહાસ વલસાડથી લઈને અંબાજી સુધી હોવાનો ઉલ્લેખ છે. તેમજ અમદાવાદમાં પણ વાઘ હોવાનું નોંધાયેલું છે. એક અહેવાલ મુજબ 1976 સુધી અંબાજીના જંગલમાં વાઘની સારી એવી વસ્તી હતી. જોકે, 1979 બાદ વાઘની વસ્તી પર ખતરો મંડરાયો હતો. 1986ની આસપાસ કરાયેલ સરવે અનુસાર, ગુજરાતમાં માત્ર 13 વાઘ જ બચ્યા હતા. ગુજરાતમાં વાઘની વસતી ગણતરી વન વિભાગ દ્વારા થઈ હતી. જેમાં 1989માં ગુજરાતમાં (ડાંગમાં) 9 વાઘ, 1993માં 5 વાઘ હતા અને 1997માં 1 વાઘ હતો. 

આ વચ્ચે વાઘના નિશાન જોવા મળ્યા, વાઘ દેખાયાની અનેક વાતો સામે આવતી રહી છે. તેમજ મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગના જંગલમાં વાઘ આંટોફેરો કરી જતા હોવાનું મનાય છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA) મુજબ,ગુજરાતમાં  1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યા હતા. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. મહારાષ્ટ્રમાં વન વિભાગની ટીમ પરથી તે કૂદી ગયો હતો. ત્યાર બાદ 1998માં પણ મહારાષ્ટ્ર સરહદે વાઘ જોવા મળ્યો હોવાનું કહેવાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news