આત્મનિર્ભર બનેલ સુરતના કિન્નરને મળી મોટી ઓફર
Trending Photos
ચેતન પટેલ/સુરત :21મી સદીના જમાનામાં આજે બધા ભેદભાવો ભૂલીને લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે સમાનતા એ જ મહાનતાનો ધ્યેય લઈને આગળ આવીને સુરતની એક ફૂટવેર કંપનીએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈ જાણીતી મોડેલ કે અભિનેત્રી નહિ પણ એક કિન્નરની પસંદગી કરી છે. આ કિન્નરના પિતાએ 30 વર્ષ સુધી લોકોને એ વાતની જાણ નહિ કરવા દીધી હતી કે, મારો પુત્ર કિન્નર છે. રાજવીએ બે વર્ષ એમસીએ કર્યું છે.
કિન્નરોને સમાજમાં તિરસ્કારની નજરે જોવામાં આવે છે. પણ હવે સમાજમાં બદલાવ લાવવાનો વિચાર કરીને સુરતની એક ફૂટવેર કંપનીએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. અને પોતાના ફૂટવેર કંપનીના ફોટો શૂટ માટે સુરતના કિન્નર રાજવીની પસંદગી કરી છે. આ પહેલી વખત જ હશે જ્યારે મોડેલ તરીકે કોઈ કિન્નરને પસંદ કરવામાં આવ્યું હશે. સુરતની રાજવી કિન્નર છે અને આ વાતની તેને ક્યારેય શરમ અનુભવી નથી. ઉલટાનું તે હવે સમાજમાં કિન્નરો માટે બદલાવ લાવવા આગળ આવ્યા છે. રાજવી પોતે એક ફરસાણની દુકાન ચલાવે છે અને પોતે આત્મનિર્ભર બનીને પરિવારને મદદ કરે છે.
રાજવીએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ તેને સોશિયલ મીડિયા થકી મળ્યો છે. તે આ વાતને લઈને ખૂબ ખુશ છે. કારણ કે થર્ડ જેન્ડર માટે માનસિકતા બદલવા કોઈ તો આગળ આવ્યું છે. આવું પહેલીવાર હશે જ્યારે કોઈ કિન્નરને કોઈ કંપનીએ તેમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ઘણા બધા સ્ટ્રગલ કર્યા પછી તેને આ મોકો મળ્યો છે તેના માટે તે ખુશ છે. ફૂટવેર કંપની દ્વારા સામાન્ય રીતે મોડેલિંગ માટે સુંદર દેખાવ ધરાવતા યુવક યુવતીઓની જ પસંદગી કરવામાં આવે છે. પરંતુ કંપનીએ વિચાર કર્યો કે શા માટે કોઈ કિન્નરને તેના માટે લેવામાં ન આવે. તેઓ પણ સોસાયટીનો જ એક ભાગ છે. જેથી અમે રાજવીને અમારા ફોટો શૂટ માટે પસંદ કરી છે. આજે નહિ તો પાંચ વર્ષ પછી પણ લોકોમાં આ બદલાવ આવશે. જેથી તેઓ પણ કિન્નરને સમાજનો એક ભાગ ગણશે. પણ તેની શરૂઆત કોઈએ તો કરવી જ પડશે. જેની શરૂઆત કંપનીએ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે