સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ માંડ બચી
Acid Attack : રાજકોટના સોખડા ગામે મહિલા પર થયો એસિડ અટેક... સ્ટીલની બરણીમાં એસિડ ભરી ઘર જઈ મહિલા પર એસિડ ફેંક્યું... પ્રકાશ સરવૈયા નામના યુવાને મહિલા પર એસિડ અટેક કર્યો... દાઝેલા મહિલાને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ... કુવાડવા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના સોખડા ગામ ખાતે એસિડ એટેકની ઘટના સામે આવી છે. બુધવારે સાંજે 34 વર્ષીય પરણીતા વર્ષા ગોરીયા પર ગામના જ પ્રકાશ સરવૈયા નામના વ્યક્તિ દ્વારા એસિડ ફેંકવામાં આવ્યું હતું. એસિડ એટેકની ભોગ બનનાર વર્ષા ગોરીયા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો.
- રાજકોટના સોખડા ગામે એસિડ એટેક !..
- સગાઈ તૂટી જતા કર્યો એસિડ હુમલો..
- આરોપી પોલીસ સકંજામાં...
આરોપી પ્રકાશ સરવૈયા રાજકોટના સોખડા ગામનો વતની છે. જોકે તેને જે યુવતી સાથે સગાઈ કરી હતી તે યુવતી અન્ય કોઈ સાથે નાસી ગઈ. પરંતુ તેની સાથેનો અનન્ય પ્રેમ હોવાને કારણે અવાર નવાર વર્ષા ગેરીયાને કહેતો કે તે તારી પિતરાઈ બહેન સાથે સગાઈ કરવી હતી હવે તું જ તેને શોધી લાવ. જોકે બહેને તે પરત નહિ આવે તેવું કહેતા લાગી આવ્યું અને એસિડ એટેક કરી દીધો હતો. કુવાડવા રોડ પોલીસને આપેલી ફરિયાદમાં વર્ષા ગોરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાની કાકાની દીકરી એટલે પોતાની કૌટુંબિક બહેન પારસની સગાઈ તેણે આરોપી પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી. પરંતુ સગાઈ બાદ પારસ કોઈ અન્ય યુવાન સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતાં તે વાત પ્રકાશને પસંદ નહોતી પડી. પ્રકાશને પારસ કયા છે? પારસનું સરનામું શું છે તે સહિતની વિગતો તેને જણાવી હતી. જે બાબતે તે વર્ષા ગોરીયાને પૂછતો હતો પરંતુ વર્ષા ગોરીયા જાણતી હોવા છતાં પારસ વિશે કશી વિગત જણાવી નથી રહી તેવી શંકા કુશંકા પ્રકાશ દ્વારા વર્ષા પર કરવામાં આવી હતી.
બુધવારના રોજ સોખડા ગામ ખાતે આવેલા વર્ષા ગોરીયાના ઘર ખાતે આરોપી પ્રકાશ સરવૈયા પહોંચ્યો હતો. તેમજ પોતાની સાથે સ્ટીલની બરણીમાં એસિડ ભરીને પહોંચ્યો હતો. ત્યારબાદ તેના દ્વારા વર્ષા પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જેના કારણે વર્ષાના માથાના ભાગે, છાતીના ભાગે, સાથળ અને વાંસા સહિતના ભાગે એસિડ ઉડતા ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બનાવની જાણ કુવાડવા રોડ પોલીસને થતા પોલીસ દ્વારા ભોગ બનનાર વર્ષાનું નિવેદન નોંધી તેના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી આરોપી પોલીસે પ્રકાશ સરવૈયાની ધરપકડ કરી લીધી હતી.
ભોગ બનનાર વર્ષા ગોરીયાના પતિ માધવ ગોરીયાએ જણાવ્યું હતું કે, પારસની સગાઈ અમે અમારા ગામના જ તેમજ મારા મોટાભાઈના સાઢુભાઈના દીકરા પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી. સગાઈ કરાવ્યાના ત્રણ ચાર મહિનામાં જ પારસ બહેન ગામના જ કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ હતી. ત્યારથી પ્રકાશ અવાર નવાર મારા તેમજ મારા મોટાભાઈના ઘરે આવતો હતો. તેમજ પારસ ક્યાં છે? કઈ જગ્યાએ રહે છે તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરતો હતો. બુધવારના રોજ સાંજે હું વાડીએ જવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારબાદ પ્રકાશ અમારા ઘરે આવ્યો હતો. સૌપ્રથમ તેણે મારી 13 વર્ષની દીકરી પર એસિડ એટેક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે મારી દીકરી ભાગીને મારા મોટાભાઈ પાસે જતી રહી હતી. ત્યારબાદ પ્રકાશ દ્વારા મારી પત્ની ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે. બુધવાર સાંજથી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પ્રકાશ સરવૈયા ચાંદી કામના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
વર્ષા ગોરીયા પર એસિડ એટેક કરવા આવ્યો ત્યારે વર્ષા બહેનની દીકરી પણ હાજર હતી. આરોપીએ તેના પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે દીકરી ભાગી જતા બચી ગઈ હતી અને વર્ષા બેન ભોગ બન્યા હતા. હાલ આરોપી પ્રકાશ સરવૈયાની પોલીસે ધરપકડ કરી છે અને સત્ય જાણવાનો પ્રયાસ કરે છે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે