મોટો ખુલાસો: શું તમારું સ્પોર્ટ્સ બાઈક ચોરી થયું છે? 21 ગુનાનો ભેદ ઉકેલાયો, રાજસ્થાનમાં રિલ્સ બનાવવા થઈ રહ્યો છે ઉપયોગ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા બે આરોપી આશિષ મીણા અને અંકિત મીણા છે. આરોપીઓ રાજસ્થાનથી કન્સ્ટ્રક્શનના કામ માટે અમદાવાદ આવતા અને રાત્રે સ્પોર્ટસ બાઈકની ચોરી કરતા હતા.

મોટો ખુલાસો: શું તમારું સ્પોર્ટ્સ બાઈક ચોરી થયું છે? 21 ગુનાનો ભેદ ઉકેલાયો, રાજસ્થાનમાં રિલ્સ બનાવવા થઈ રહ્યો છે ઉપયોગ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાંથી સ્પોર્ટસ બાઈકની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં 21 ગુનાનો ભેદ ઉકેલાયો તો 13 બાઈક કબ્જે કરવામાં આવ્યા. પૂછપરછમાં ખુલાસો થયો કે ચોરીના સ્પોર્ટ્સ બાઈકનો ઉપયોગ રાજસ્થાનમાં રિલ્સ બનાવવા માટે થતો હતો. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા બે આરોપી આશિષ મીણા અને અંકિત મીણા છે. આરોપીઓ રાજસ્થાનથી કન્સ્ટ્રક્શનના કામ માટે અમદાવાદ આવતા અને રાત્રે સ્પોર્ટસ બાઈકની ચોરી કરતા હતા. બાઈક ચોરી કર્યા બાદ તેને દધીચી બ્રિજ પાસે તથા મેમનગરની સૌરાષ્ટ્ર પટેલ કન્યા છાત્રાલય પાસે ખુલ્લી જગ્યામાં છુપાવી દેતા હતા અને છુપાવેલા બાઈક જ્યારે કોઈ સાગરીત રાજસ્થાન જવાનો હોય ત્યારે આ બાઈક રાજસ્થાન મોકલી આપતા હોવાનું સામે આવ્યું છે. 

ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરી તપાસ કરતા આરોપીઓએ કુલ 21 વાહન ચોરી કરી હોવાની કબુલાત કરી છે. તેમાંથી 8.70 લાખની કિંમતના 13 બાઇક કબ્જે કરવામાં આવ્યા. તો બીજી તરફ ચોરીના બાઈકનો ઉપયોગ રાજસ્થાનમાં સોશિયલ મીડિયાની રીલ્સ બનાવવા માટે આરોપીઓ કરતા હોવાની હકીકત સામે આવી છે. 

મહત્વનું છે કે આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારોમાંથી આ બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી છે. વાહન ચોરી અને ચોરીના મુદ્દામાલનો ઉપયોગ કરવો અને તેને છુપાવી રાખવાના ગુનામાં રાજસ્થાનના અન્ય 13 લોકોના નામ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. જે તમામ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અન્ય આરોપીની ધરપકડ થતા ચોરીના ગુનાનો આંક પણ વધે તેવી શક્યતાઓ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news