સુરતનો ઐયાશ સ્નેચર પકડાયો! સાંજના કે રાત્રે ચાલવા નીકળેલી મહિલાઓ સાવધાન, બનાવે છે શિકાર

નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષની શરૂઆતથી જ ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સંભળાતી હતી. પરંતુ છેલ્લા 4 થી 5 મહિનામાં સાંજના કે રાત્રિના સમયે ચાલવા નીકળતી એકલી મહિલાઓને ટાર્ગેટ બનાવી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર તોડીને ફરાર થતાં એક બાઈક ચાલકની ફરિયાદો ઉઠી હતી.

સુરતનો ઐયાશ સ્નેચર પકડાયો! સાંજના કે રાત્રે ચાલવા નીકળેલી મહિલાઓ સાવધાન, બનાવે છે શિકાર

ધવલ પરીખ/નવસારી : સાંજના કે રાત્રિના સમયે ચાલવા નીકળેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર ઝુંટવીને ફરાર થતાં સુરતના સ્નેચરને નવસારી LCB પોલીસે ટેકનિકલ સર્વેલાન્સને આધારે ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. આરોપી ઉંચા મોજશોખ પૂરા કરવા ચેઇન સ્નેચિંગના રવાડે ચડ્યો હોવાનું પોલીસની પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે.

નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષની શરૂઆતથી જ ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સંભળાતી હતી. પરંતુ છેલ્લા 4 થી 5 મહિનામાં સાંજના કે રાત્રિના સમયે ચાલવા નીકળતી એકલી મહિલાઓને ટાર્ગેટ બનાવી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર તોડીને ફરાર થતાં એક બાઈક ચાલકની ફરિયાદો ઉઠી હતી. વધતી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને જોતા નવસારી LCB પોલીસ પણ એક્ટિવ થઈ હતી. જેમાં ફરિયાદોને આધારે તપાસતા ચેઇન સ્નેચિંગ મોંઘી બાઈક પર આવતો એક યુવાન કરતો હોવાની માહિતી મળતા, પોલીસે શહેરના સીસીટીવી કેમેરા તેમજ ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા. જેમાં પોલીસને એક લિંક મળ્યા બાદ બાતમીદારોને એક્ટિવ કરી ટેકનિકલ સર્વેલાન્સની મદદ લઈને સ્નેચર સુધી પહોંચવાના પ્રયાસો આરંભ્યા હતા. 

જેમાં પોલીસને સફળતા મળી અને એકવાર ફરી ચેઇન સ્નેચીંગ કરવા મોંઘીડાટ KTM સ્પોર્ટ્સ બાઈક પર આવેલા સુરતના સ્નેચર 25 વર્ષીય ઈરફાનખાન ઇસ્લામખાન પઠાણને શહેરના રિંગરોડ સ્થિત રંગૂનનગર નજીકથી પકડી પાડ્યો હતો. આરોપીને અટકમાં લઈ કડકાઇથી પૂછપરછ કરતા ઈરફાનખાન તૂટી ગયો હતો અને નવસારી શહેરમાં 3 અને નવસારી ગ્રામ્ય વિસ્તારમાં 4 ચેઇન સ્નેચિગ કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે ઇરફાનની ધરપકડ કરી, 5 સોનાની ચેઇન, 2 મંગળ સૂત્ર સહિત મોંઘી બાઈક, મોબાઈલ અને રોકડ મળી કુલ 5,83,110 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.

આરોપી ઈરફાનખાન પઠાણ મૂળ યુપીનો અને સુરતમાં ઉધના સ્થિત હરિનગર 1 ખાતે ઉજેફા એપાર્ટમેન્ટમાં રહે છે. ઇરફાન અને તેની પત્ની નાના પાયે કપડાનો વ્યવસાય કરે છે. પરંતુ ઉંચા શોખ હોવા સાથે જ રાતોરાત રૂપિયા કમાવવાની લાલચે ચેઇન સનેચિંગના રવાડે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે. ઇરફાનના ઉંચા શોખને કારણે મોંઘીડાટ બાઈક પણ લીધી હતી. જેના ઉપર ઈરફાન સાંજે 7 થી રાત્રે 10 વાગ્યા દરમિયાન ચાલવા નીકળેલી અથવા રાહદારી એકલી મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેઇન કે મંગળસૂત્ર ઝુંટવી ધૂમ સ્ટાઇલમાં ભાગી જતો હતો. 

સ્નેચિંગ દરમિયાન ઈરફાન બાઈકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરતો હતો. જ્યારે 2021 થી ફકત સોનાની ચેઇન સ્નેચિંગના રવાડે ચઢેલો ઈરફાન રીઢો આરોપી બની ચૂક્યો છે. જેની સામે સુરત સીટીના અલગ અલગ પોલીસ મથકોમાં 15 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે નવસારીના વધુ 7 મળી પોલીસે કુલ 22 ગુનાઓનો ભેદ ખોલી નાંખ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news