વિધાનસભા ગૃહના ગેટ નંબર 1 પર કોંગ્રેસ દ્વારા હંગામો, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ

કોંગ્રેસ તરફથી સરકારને વિધાનસભાની અંદર અને વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

વિધાનસભા ગૃહના ગેટ નંબર 1 પર કોંગ્રેસ દ્વારા હંગામો, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ગાંધીનગર: કોંગ્રેસ તરફથી સરકારને વિધાનસભાની અંદર અને વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના દેવામાફીને લઇને કોંગ્રેસ વિધાનસભાની બહાર અને અંદરની તરફ દેખાવો કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, કોંગી કાર્યકરો વિધાનસભા ગૃહમાં પ્રવેશ ન આપાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

વિધાનસભા ગૃહના ગેટ નંબર 1 પર કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવ્યો છે. ગેટ નંબર પર કોંગી કાર્યકરોને પ્રવેશ ન આપવામાં આવતા કોંગ્રેસના ધારસભ્યો, કાર્યકરો અને પોલીસ વચ્ચે ધર્ષણ થતાં ઝપાઝપીના દ્વશ્યો સર્જાયા છે. વિધાનસભા ગૃહના ગેટ નંબર 1નો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ થોડીવાર બાદ આ ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યના આઇકાર્ડ ચેક કરીને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ અટકાવતાં ટ્રાફીકજામના દ્વશ્યો સર્જાયા છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર નિશાન તાક્યુ હતુ. તેમણે કહ્યુ કે છેલ્લા 22 વર્ષથી રાજ્યમાં ભાજપ સરકાર છે પરંતુ વચનો પુરા કર્યા નથી. પાક વીમો, વીજળી, પાણી સહિતના મુદ્દે જગતનો તાત પરેશાન છે. ત્યારે ગુજરાતમા અંગ્રેજોથી ખરાબ શાસન હોવાનો આરોપ લગાવ્યો હતો. 

ગાંધીનગરમાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલીમાં રાજ્યના વિવિધ પંથકમાં ખેડૂતોનો જમાવડો થવાનો છે. ત્યારે પાટણના સરસ્વતી તાલુકાથી વહેલી સવારે ખેડૂતો ગાંદીનગર પહોંચી ગયા હતા.તેમજ સરકાર કોઈનું સાંભળતી નથી તેવો આરોપ લગાવ્યો હતો.

ગાંધીનગરમાં આજે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવ કાર્યક્રમને લઈને સમગ્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. વિધાનસભાની અભેદ કિલ્લાબંધી જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાના કુલ સાત ગેટમાંથી ચાર ગેટ બંધ કરવામાં આવ્યા છે. ગેટ નંબર 1 અને ચાર મુલાકાતીઓને પ્રવેશ માટે ચાલુ રખાયો છે. જ્યારે ગેટ નંબર સાત ધારાસભ્ય અને કર્મચારીઓને પ્રવેશ માટે ચાલુ રખાયો છે. જ્યાંથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી યોજાવવાની છે. તે સત્યાગ્રહ છાવણી ખાતે પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિધાનસભા ઘેરાવ ન થઈ શકે તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો સાથે જ વિધાનસભાના તમામ દરવાજા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે. તો ગાંધીનગર નવા સચિવાલયના 8 નંબરના પ્રવેશ દ્વાર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર
આજથી વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે ગુજરાતનું પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવના કાર્યક્રમની જાહેરાત બાદ પાટનગરમાં એક હજારથી વધુ જવાનો અને પાંચ કંપની SRP ખડકી દેવામાં આવી છે. જેમાં 2 SP, 8 DYSP, 25 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 70 સબ ઇન્સ્પેક્ટર, 40 ટ્રાફિક પોલીસ અને 100 મહિલા પોલીસનો સમાવેશ છે. આ સાથે જ SRPની કુલ 5 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પાટનગરમાં પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તમામ લોકો પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news