સૌરાષ્ટ્રમાં રુંડો અવસર : મેળાના માણિગરો આજથી મેળો માણશે, વરસાદ નહિ નડે તો જમાવટ થશે
Saurastra Lokmela : બે વર્ષ બાદ રાજકોટમાં લોકમેળો યોજાશે. સૌરાષ્ટ્રભરના મેળાના માણિગરો આજે સાંજથી મેળો માણી શકશે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો કાલે સાંજે લોકમેળો જમાવટ કરશે
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :આજે સૌરાષ્ટ્રવાસીઓ માટે રુંડો અવસર આવ્યો છે, કારણ કે કોરોનાના બે વર્ષ બાદ લોકમેળા ખુલ્લા મૂકાશે. આજથી પાંચ દિવસ વિવિધ જિલ્લામાં લોકમેળા શરૂ થશે. ત્યારે સૌરાષ્ટ્રના લોકો આ મજા માણવા થનગની રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં આખુ વર્ષ આ લોકમેળાની આતુરતાથી રાહ જોવાય છે. તેમના માટે આ તહેવાર દિવાળી કરતા પણ મોટો ગણાય છે. ત્યારે આજે રાજકોટમાં સાંજે 5 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લોકમેળાને ખુલ્લો મુકશે.
રાજકોટના લોકમેળાને ‘આઝાદી કા અમૃત લોકમેળો’ નામ અપાયું
આ વિશે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, રાજકોટના લોકમેળામાં 56 જેટલી રાઇડ તૈયાર થઈ ગઈ છે. અલગ અલગ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. 300 થી વધુ ખાણીપીણી, ઘર સુશોભનની વસ્તુઓ, રમકડા સહિતના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટના લોકમેળાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘આઝાદી કા અમૃત લોકમેળો’ નામ આપવામાં આવ્યું છે. ત્યારે બે વર્ષ મેળો બંધ રહ્યા બાદ આ વર્ષે 12 થી 15 લાખ લોકો આવી પહોંચશે તેવી શક્યતા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાથી સજ્જ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આજે સાંજે ખુલ્લો મૂકાશે. રાજકોટના લોકમેળા માટે 15 જગ્યાઓ પર ફ્રી પાર્કિંગની વ્યવસ્થાઓ કરાઈ છે. રૂપિયા ચાર કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે.
વરસાદનું વિધ્ન ન આવે તેવી વેપારીઓની પ્રાર્થના
બે વર્ષ બાદ રાજકોટમાં લોકમેળો યોજાશે. સૌરાષ્ટ્રભરના મેળાના માણિગરો આજે સાંજથી મેળો માણી શકશે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો કાલે સાંજે લોકમેળો જમાવટ કરશે. જોકે, વરસાદી વાતાવરણને લઈને રાઇડના સંચાલકો અને સ્ટોલ ધારકો ચિંતિત છે.
લોકમેળામાં વેક્સીન લેનારાને પ્રવેશ
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું કે, લોકમેળામાં સ્ટોલ વેચી જે આવક થઈ છે તેમાંથી 51 લાખ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂપિયા આપવામાં આવશે. દિવસમાં બે વખત મિકેનિકલ ટીમ દ્વારા તમામ રાઈડ્સની ચકાસણી કરવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ લોકમેળામાં 1200 પોલીસનો બંદોબસ્ત રહેશે. CCTV અને 15 વોચ ટાવર પરથી વીડિગ્રાફીથી નજર રાખવામાં આવશે. રોગચાળો વકર્યો હોવાથી વેક્સીનના બે ડોઝ લીધા હોય તેવા લોકો જ આવે અથવા તો લોકમેળામાં વેક્સીન લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે