ટીમ ઈન્ડિયાનો વિભિષણ કોણ? જેણે લીક કરી દીધી ડ્રેસિંગ રૂમની વાતો? ચોંકાવનારું નામ સામે આવ્યું

બસ હવે બહુ થઈ ગયું...ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ચોથી ટેસ્ટ મેચ હાર્યા બાદ ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાને ફટકાર લગાવી હતી. મેચ પૂરી થયા બાદ હેડ કોચની આ વાતચીત લીક થઈ ગઈ હતી. એવું કહેવાયું હતું કે ડ્રેસિંગ રૂમનો માહોલ ઠીક નથી. આ બધી વાતો ક્યાંથી બહાર આવી હવે તે અંગે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. 

ટીમ ઈન્ડિયાનો વિભિષણ કોણ? જેણે લીક કરી દીધી ડ્રેસિંગ રૂમની વાતો? ચોંકાવનારું નામ સામે આવ્યું

ભારતીય ક્રિકેટ ટીમ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ભારે ઉથલપાથલવાળો રહ્યો. પ્રવાસની શરૂઆત ટીમે પર્થના મેદાન પર ઐતિહાસિક જીત સાથે કરી હતી. પરંતુ ત્યારબાદ જાણે પડતી શરૂ થઈ ગઈ. પછીની મેચોમાંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ બધા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ બાદ ડ્રેસિંગ રૂમના સમાચારો વહેતા થયા. સિડનીમાં રમાયેલી ટેસ્ટ પહેલા હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં આવીને બોલવું પડ્યું કે કોચ અને ખેલાડીઓ વચ્ચેની વાતો ડ્રેસિંગ રૂમ સુધી જ સિમિત રહેવી જોઈએ. 

આ ખેલાડી પર લાગ્યો આરોપ
ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરે યુવા ખેલાડી સરફરાઝ ખાન પર ડ્રેસિંગ રૂમની વાતો લીક કરવાનો આરોપ લગાવ્યો છે. ન્યૂઝ 24 સ્પોર્ટ્સના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. સરફરાઝને સિરીઝમાં એક પણ ટેસ્ટ રમવાની તક મળી નહીં. રિપોર્ટ મુજબ ગંભીરે મુંબઈમાં થયેલી બીસીસીઆઈની સમીક્ષા બેઠકમાં આ આરોપ લગાવ્યો. એવું પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ગંભીર કોચ રહેશે તો ત્યાં સુધી સરફરાઝ ખાનની કરિયર પર તેની અસર પડી શકે છે. જો કે આ રિપોર્ટ પર હજુ સુધી ગૌતમ ગંભીર કે સરફરાઝ તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. 

અન્ય વ્યક્તિનું પણ સામે આવ્યું નામ
જો કે અન્ય એક રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ક્રિકેટએડિક્ટર ડોટ કોમના એક રિપોર્ટમાં દૈનિક જાગરણના એક પત્રકાર અભિષેક ત્રિપાઠીને ટાંકીને કહેવાયું છે કે સરફરાઝ ખાન નહીં પરંતુ ટીમના આસિસ્ટન્ટ કોચનું નામ માહિતી લીકમાં સામે આવ્યું છે. પત્રકારના જણાવ્યાં મુજબ આસિસ્ટન્ટ કોચનું નામ સ્પષ્ટ નથી. તે અભિષેક નાયર કે Ryan ten Doeschate હોઈ શકે છે. જો કે આ બધી બાબતો વચ્ચે હજુ આ અંગે કોઈ સ્પષ્ટતા આવી નથી. 

ગંભીરે શું કહ્યું હતું?
મેલબર્નમાં રમાયેલી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ હેડ કોચ ગૌતમ ગંભીર ડ્રેસિંગ રૂમમાં ખુબ ગુસ્સામાં હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું હતું કે ગંભીરે ટીમ પર ભડકી જતા કહ્યું હતું કે, હવે બહું થઈ ગયું. પરિસ્થિતિ મુજબ ન રમવા અને ડ્રેસિંગ રૂમમાં બનાવવામાં આવેલી યોજનાઓનું પાલન કરવાની જગ્યાએ પોતાની સ્વાભાવિક રમત રમવાની કોશિશને કારણે ટીમના બેટર્સથી તેઓ નારાજ હતા. તે રિપોર્ટમાં કહેવાયું હતું કે ભારતીય ડ્રેસિંગ રૂમનો માહોલ સારો નહતો. 

નોંધનીય છે કે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ ભારતે 1-3થી ગુમાવી દીધી. 10 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા આ ટ્રોફી કબજે કરવામાં સફળ રહ્યું અને એટલું જ નહીં તેણે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાંથી પણ બહાર કરી દીધુ. 

સરફરાઝ ખાન ઈજાગ્રસ્ત રહ્યો
સરફરાઝ ખાન ઈજાગ્રસ્ત પણ છે. જેના કારણે તે રણજી ટ્રોફીના આગામી રાઉન્ડમાં રમી શકશે નહીં. તેને પાંસળીમાં ફ્રેક્ચર છે અને તે પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોય. 23 જાન્યુઆરીથી મુંબઈની ટીમ રણજી ટ્રોફીમાં પોતાની આગામી રાઉન્ડની મેચ રમશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news