વિસનગરની જનતા માટે સૌથી મોટા ખુશખબર: આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું બાકી હોય તો જાણી લો આ સમાચાર
તારીખ 24 ફેબ્રુઆરી, તારીખ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ વિસનગરના વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના સંકલિત આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
Trending Photos
ઝી ન્યૂઝ/વિસનગર: તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પાંચ લાખના આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ કરવા “આપ કે દ્વાર આયુષ્યમાન” ત્રિ-દિવસીય મહાઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જનહિતલક્ષી અભિગમના પરિણામે વિસનગર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરીજનોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તારીખ 24 ફેબ્રુઆરી, તારીખ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ વિસનગરના વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના સંકલિત આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ નાગરિકોને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે.
તદ્અનુસાર તારીખ 24 મી ફેબ્રુઆરીના રોજ વિસનગર એ.પી.એમ.સી. માર્કેટના એ.પી.એમ.સી. હોલ ખાતે કેમ્પ યોજાશે. તારીખ 26 મી ફેબ્રુઆરીએ ગોઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભાલક પ્રાથમિક શાળા ખાતે જ્યારે તારીખ 27 મી ફેબ્રુઆરીએ પુદગામ પ્રાથમિક શાળા અને વાલમ પ્રાથમિક શાળા ખાતે જ્યારે કાંસા ગામના બી.આર.સી. ભવનમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા મેગાઝૂંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિવિધ કેન્દ્રો પર ઉપસ્થિત રહેશે.
આ તમામ દિવસોએ સવારે 10 થી સાંજના 6 સુધીમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં લાભાર્થીઓએ આવકનો દાખલો, આધાર કાર્ડ , રેશનકાર્ડ સાથે રાખવાના રહેશે. વિસનગર તાલુકાના શેહરી અને ગ્રામ્યજનોને આપ કે દ્વાર આયુષ્યામાન મહાઝૂંબેશ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવીને પાંચ લાખના આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ થવા માટે ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેર અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે