ઉત્તર ગુજરાતની જીવાદોરી દાંતીવાડા ડેમનો એક દરવાજો ક્ષતિગ્રસ્ત, અડધો અડધ ડેમ ખાલી થવાની ભીતિ

Dantiwada Dam Gate Damaged : બનાસકાંઠાના દાંતીવાડા ડેમનો એક દરવાજો થયો ક્ષતિગ્રસ્ત... દરવાજો ક્ષતિગ્રસ્ત થતા કરોડો લીટર પાણીનો વેડફાટ... દરવાજો ખુલ્લો રહેતો હોવાથી પાણીનો થઈ રહ્યો છે વેડફાટ...
 

ઉત્તર ગુજરાતની જીવાદોરી દાંતીવાડા ડેમનો એક દરવાજો ક્ષતિગ્રસ્ત, અડધો અડધ ડેમ ખાલી થવાની ભીતિ

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોઇ પૂરેપૂરો બંધ થતો નથી. પરિણામે એક કલાકમાં 30 કરોડ લિટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. વર્તમાન સમયે ડેમના પાણીનું પ્રેશર એટલું છે કે, અંદર કોઇ સમારકામ કરવા માટે ઉતરવા પણ તૈયાર નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો થોડા સમયમાં ડેમ અડધો ખાલી થઇ જશે તેવી ખેડૂતોને ચિંતા છે. જેને લઈને ખેડૂતોએ ડેમના અધિકારીઓ ઉપર બેદરકારીના આક્ષેપ લગાવતા ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ડેમના દરવાજાનું સમારકામ કરી વેડફાતું પાણી બંધ નહિ કરાય તો ખેડૂતો આંદોલન કરશે.

એક કલાકનું 30 કરોડ લીટર પાણી વેડફાઇ રહ્યું છે
આ ચોમાસામાં ઉપરવાસ અને બનાસકાંઠામાં ભારે વરસાદ થતાં બનાસકાંઠાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ ચોમાસા દરમિયાન ભયજનક સપાટીએ પહોંચી જતાં ડેમના ચાર દરવાજા ખોલી બનાસનદીમાં પાણી છોડાયું હતું. જે પછી રવિસિઝનમાં ખેડૂતોની માંગણીને લઇ એક માસ અગાઉ દરવાજા ખોલી નહેર મારફતે પાણી અપાઈ રહ્યું હતુ. જોકે, બે પિયત માટે પાણી અપાયા પછી પણ નહેરમાં પાણી બંધ કરી નદીના પટમાં પાણી છોડવાનું ચાલુ રહેતા જરૂર વગરનું પાણી વેડફાતા ખેડૂતોએ તપાસ કરતાં ચોંકાવનારૂ કારણ એ સામે આવ્યું છે કે, ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોઇ પૂરેપૂરો બંધ થતો નથી. પરિણામે દોઢ મીટરની ખુલ્લી જગ્યામાંથી દર એક કલાકમાં 30 કરોડ લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. 

પ્રતિ કલાકે 302 કયુસેક પાણી દરવાજાથી બહાર આવી રહ્યું
વર્તમાન સમયે ડેમના પાણીનું પ્રેશર એટલું છે કે, અંદર કોઇ સમારકામ કરવા માટે ઉતરવા પણ તૈયાર નથી.વર્તમાન સમયમાં ડેમની સપાટી 598 ફૂટ છે દાંતીવાડા ડેમની વર્તમાન સમયની સપાટી 598 ફૂટ છે.અને ભયજનક સપાટી 604 ફૂટ છે જેમાંથી પ્રતિ કલાકે 302 કયુસેક પાણી દરવાજાથી બહાર આવી રહ્યું છે. જો આવી રીતે પાણીનો બગાડ ચાલુ રહેશે તો ડેમ અડધો ખાલી થઇ જવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. જોકે ચોમાસા અગાઉ ડેમનું ઇન્સ્પેક્શન કરી બધા જ દરવાજા ચકાસી પાણી છોડવામાં આવે છે. જોકે, વર્તમાન સમયે ક્ષતિગ્રસ્ત દરવાજાના કારણે બેદરકારી સામે આવી છે. ડેમ પર માત્ર ફિક્સ પગાર આધારિત રોજમદારો ફરજ બજાવી રહ્યા હોવાના પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પણ દાંતીવાડા ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડાયા બાદ ગેટ બંધ ન થવાથી પુષ્કળ પ્રમાણમાં પાણી વેડફાયું હતું. ખેડૂતોનું કહેવું છે કે અમે વર્ષોથી પાણીની તંગી ભોગવી રહ્યા છીએ જોકે આ વર્ષે કુદરતની મહેરથી દાંતીવાડા ડેમ છલોછલ ભરાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી. જોકે હવે રોજનું કરોડો લીટર પાણી નકામું વેડફાઇ રહ્યું હોવાથી ખેડૂતોમાં રોષ ફૂટી નીકળ્યો છે ખેડૂતો કઈ રહ્યા છે કે ડેમમાંથી પાણી નથી વેડફાતું અમારું લોહી વેડફાઇ રહ્યું છે. જો ખુલ્લા દરવાજામાંથી પાણી વહી જશે તો આવનાર ઉનાળામાં પીવા અને ખેતીના પાણી માટે ફાંફા પડશે. જેથી તાત્કાલિક ગેટનું સમારકામ કરવામાં આવે અને વેડફાતું પાણી રોકવામાં આવે નહિ તો અમે ખેડૂતો ઉગ્ર આંદોલન કરીશું. 

જોકે મંગળવારે ગાંધીનગરની ટેકનિકલ એક્સપર્ટના અધિકારીઓ આવ્યા હતા અને સ્થિતિની ચકાસણી કરી હતી. આજે અમદાવાદ ટેકનિકલ એક્સપર્ટ ની ટીમ આવશે તેવા તંત્ર દાવા કરાઈ રહ્યા હોવ છતાં હજુ સુધી કોઈ ટિમ દાંતીવાડા ડેમ ઉપર ન પહોંચતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. દાંતીવાડા ડેમમાંથી કરોડો લીટર પાણી વેડફાઈ રહ્યું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news