ગરબામાં જનરેશન ગેપ! યુવાઓ સાથે તાલ મિલાવવા વડીલો શીખી રહ્યા છે ડોઢીયું અને ટેટુડો
નવસારીના નૃત્યાંગના હેતલ દેસાઈએ વર્ષ 1994 માં નવસારીજનોને દોઢીયાની ઓળખ કરાવી, દોઢિયા શીખવ્યા હતા. ત્યારબાદ થોડા વર્ષો સુધી નવસારીમાં દોઢિયાના વર્ગો ચલાવ્યા, પરંતુ બાદમાં તેમણે દોઢિયા શીખવવાનું બંધ કર્યું હતુ.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: સતત પરિવર્તનશીલ દુનિયામાં જો તમે અટકી ગયા તો પાછળ રહી ગયા સમજો. જેમાં પણ નવી પેઢી સાથે તાલમેલ જાળવવો, જૂની પેઢીને ઘણું મુશ્કેલ થાય છે. ત્યારે ગરબામાં પણ પરંપરાગત ગરબાને છોડીને યુવાનો ડોઢીયા રમવા પાછળ ઘેલા હોય છે. ત્યારે આધેડ તેમજ વૃદ્ધોએ ડોઢિયા ન આવડતા હોવાથી નિરાશ થવુ પડે છે. પરંતુ નવસારીના નૃત્યાંગના હેતલ દેસાઈએ વૃદ્ધોની આ સમસ્યા સમજી તેમને પણ ડોઢીયા શીખવી, નવા જમાના સાથે તાલ મેળવવા તૈયાર કર્યા છે.
નવસારીના નૃત્યાંગના હેતલ દેસાઈએ વર્ષ 1994 માં નવસારીજનોને દોઢીયાની ઓળખ કરાવી, દોઢિયા શીખવ્યા હતા. ત્યારબાદ થોડા વર્ષો સુધી નવસારીમાં દોઢિયાના વર્ગો ચલાવ્યા, પરંતુ બાદમાં તેમણે દોઢિયા શીખવવાનું બંધ કર્યું હતુ. અંદાજે 22 વર્ષોના સમયગાળા દરમિયાન હેતલ દેસાઈને અનેક ઠેકાણે ગરબા કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે બોલાવવામાં આવતા, જ્યારે લગ્ન પ્રસંગમાં પણ ગવાતા ગરબામાં તેઓને દોઢીયાને કારણે આધેડ તેમજ વૃદ્ધ મહિલાઓ પાછળ પડતી હોવાનો અહેસાસ થયો હતો.
આ મથામણમાં અનેક મહિલાઓએ તેમને ફરી દોઢિયા શીખવવા માટે આગ્રહ કર્યો હતો. જેથી તેમણે આ વર્ષે ફરી એકવાર ફક્ત મહિલાઓ માટે જ દોઢિયા શીખવવાનું શરૂ કર્યું. જેમાં સાત વર્ષની બાળકીથી 70 વર્ષના વૃદ્ધા પણ દોઢીયા શીખવા માટે ઉત્સાહથી જોડાયા છે.
હેતલ દેસાઈએ ખાસ બાળકીઓ અને યુવતીઓ 2 તાળી, ત્રણ તાળી, હીંચ જેવા પરંપરાગત ગરબા રમતા શીખે અને આધેડ તેમજ વૃદ્ધ મહિલાઓ 6 થી લઈને 12 તેમજ વધુ સ્ટેપના દોઢિયા રમતા થાય એવો પ્રયાસ કર્યો છે. હેતલ દેસાઈના આ પ્રયાસ સફળ થયો અને બે પેઢીઓ એક સાથે દોઢીયા તેમજ પરંપરાગત ગરબા શીખ્યા છે. જેના પરિણામ સ્વરૂપ ઘણી આધેડ તેમજ વૃદ્ધ મહિલાઓ દોઢિયા રમતી થઈ છે અને તેઓ હેતલ દેસાઈને અભિનંદન આપી રહ્યા છે.
આધુનિકતાની દોડમાં પરિવારને સાચવવામાં ક્યાંક આ મહિલાઓ દોઢિયા શીખવામાં પાછળ રહી હતી. પરંતુ તેમના આત્મવિશ્વાસે મોટી ઉંમરે પણ તેમને દોઢિયા રમતા કર્યા છે અને હવે તેઓ નોરતામાં મન મુકીને માં અંબેની આરાધનામાં ગરબે ઘૂમશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે