રાજકોટ TRP ગેમઝોન બાદ RMCમાં કામ કરવા નથી કોઈ રાજી!! 7 મહિનામાં આ 18 અધિકારીઓના રાજીનામાં
રાજકોટમાં ગત મે મહિનામાં TRP ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો. જેમાં નિર્દોષ 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જોકે આ ઘટના બાદ રાજ્ય સરકારની તપાસમાં RMCના જેટલા પણ અધિકારીઓ જવાબદાર હતા તેમની સામે કડક પગલાંઓ લેવામાં આવ્યા અને ગેરરીતિ દાખવનાર અધિકારીઓને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના એક બાદ એક અધિકારીઓ અને કર્મચારીઓ રાજીનામાં આપી રહ્યા છે. 7 મહિનામાં 18 જેટલા અધિકારીઓએ રાજીનામા ધરી દેતા રાજકારણ ગરમાયું છે. જોકે રાજીનામાં આપનાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસની માંગ કોંગ્રેસે કરી છે. કેમ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કામગીરીથી ભાગી રહ્યા છે.
- TRP ગેમઝોન બાદ RMCમાં કામ કરવા નથી કોઈ રાજી...!!!
- જવાબદારીઓ ફિક્સ થતા અધિકારીઓને લાગ્યું કામનું ભારણ..
- 7 મહિનામાં 18 અધિકારીઓએ ધરી દીધા રાજીનામાં..
મંગેતરે જ ગળુ કાપીને 25 વર્ષીય યુવતીને ઉતારી મોતને ઘાટ; સુરતી યુવકને હતી આ આશંકા!
રાજકોટમાં ગત મે મહિનામાં TRP ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો. જેમાં નિર્દોષ 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જોકે આ ઘટના બાદ રાજ્ય સરકારની તપાસમાં RMCના જેટલા પણ અધિકારીઓ જવાબદાર હતા તેમની સામે કડક પગલાંઓ લેવામાં આવ્યા અને ગેરરીતિ દાખવનાર અધિકારીઓને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. જોકે નવાઈની વાત તો એ સામે આવી કે, છેલ્લા 7 મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાના 18 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ રાજીનામાં ધરી દીધા. જેમાં મુખ્યત્વે TRP ગેમઝોન અગ્નિકાંડ પછી મનપામાં અધિકારીઓ કર્મચારીઓ કામ કરવા તૈયાર ન હોવાનો ગણગણાટ છે. તેમાં પણ 16 જેટલા રાજીનામાં આવી ચુક્યા બાદ વધુ 2 રાજીનામાં પડતા મનપામાં 7 મહિનામાં કુલ 18 લોકોના રાજીનામાં સામે આવ્યા છે.
સમગ્ર મામલે રાજકોટ મનપાના કમિશ્નરે આજે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે,રાજીનામા કેમ આવ્યા છે અને કારણ શું છે એ જોવામાં આવી રહ્યું છે. દરેક રાજીનામા કેમ આવે છે તેનું કારણ કેસ ટુ કેસ અલગ-અલગ હોય શકે છે. કાયદા મુજબ કોઈને હેલ્થ પ્રોબ્લેમ હોય તો રાજીનામુ મંજૂર કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. કોર્પોરેશન દ્વારા લોકો અને કર્મચારીઓનું હિત જોઈને દરેક રાજીનામાં અંગે નિર્ણય લેવામાં આવે છે.
કામનું ભારણ વધવા અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ મનપામાં અનેક નવા વિસ્તારો ભળ્યા છે. જેને કારણે રોડ રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય છે. ત્યારે કામનું ભારણ વધે તે સ્વાભાવિક બાબત છે. એ કારણે બધા કર્મચારીઓ રાજીનામાં આપે છે તેવું માની લેવું યોગ્ય નથી. કેટલાક કર્મચારીઓને પારિવારિક અને કેટલાકને વયનાં કારણે નાની-મોટી બીમારીઓ હોવાથી પણ રાજીનામાં આવતા હોય છે. તેમજ અધિકારીઓ કે કર્મચારીઓ રિટાયર્ડ થતા પણ જગ્યાઓ ખાલી પડતી હોય છે. જેને લઈને સ્વાભાવિક રીતે બાકીના કર્મીઓ ઉપર કામનું ભારણ રહે છે
અગ્નિકાંડ બાદ સ્વૈચ્છીક નિવૃત્તિ કે રાજીનામું આપનારા 18 કર્મચારીઓ અને અધિકારીઓ
(1) અલ્પના મિત્રા (સ્પેશિયલ સિટી એન્જીનીયર 31-7-24 મંજુર)
(2) વાય. કે. ગોસ્વામી (સિટી એન્જીનીયર 30-8-24)
(3) આર.જી. પટેલ (ડેપ્યુટી ઈજનેર ડેપ્યુટી ઈજનેર 9-7-24)
(4) મનીષ ચુનારા (મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગ 31-7-24 મંજુર)
(5) હાર્દિક ગઢવી (ફાયર વિભાગ, સ્ટેશન ઓફિસર 31-7-24)
(6) હિતેશ પાંભર (એ.એ.ઇ. બાંધકામ વિભાગ 30-6-24 મંજુર)
(7) મીનાબેન મુંડવાડા (એફ. એચ. ડબલ્યુ, આરોગ્ય વિભાગ 24-7-24)
(8) સમીરશા શાહમદાર (ફાયર ઓપરેટર, ફાયર વિભાગ 31-8-24)
(9) અજયસિંહ જાડેજા (ફાયર ઓપરેટર, ફાયર વિભાગ 31-8-24)
(10) મનુભાઈ પ્રાલીયા (ઇઆરઆઈ, જગ્યા રોકાણ 13-3-24) મંજુર થયા તારીખ 7-6-24
(11) ભરત પીઠડીયા (સીનિયર ક્લાર્ક ફાયર વિભાગ 30-9-24નાં મંજૂરી માટે મુકાશે
(12) ભુપેશ રાઠોડ (પીઆરઓ) (મે મહિના સુધીનો સમય માંગ્યો)
(13) નીતિન રામાવત (આસી. ઇજનેર ટાઉન પ્લાનિંગ 9 જુલાઈ)
(14) ચેતન ભટ્ટ (વોર્ડ નં.3ના ઇજનેર)
(15) અમિત દવે (ઇન્ચાર્જ CFO)
(16) પ્રજેશ સોલંકી (પર્યાવરણ ઈજનેર) (રાજીનામુ પરત ખેંચી લીધું)
(17) ડે. ઈજનેર હરેશ સોંડાગર
(18) ડે. ઈજનેર અંબેશ દવે
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના રાજીનામા મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા ડો.નિદત બારોટે રાજીનામું આપનાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવાની માંગ કરી હતી. ડો. નિદત બારોટે કહ્યું હતું કે, રાજકોટ મનપમાં અધિકારીઓની સ્થિતિ સેન્ડવીચ જેવી છે. કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ સાથે જે નક્કી થયા બાદ વિક્ષેપો પડી રહ્યા છે જેમાં ભ્રષ્ટાચાર સામે આવે છે. અધિકારીઓ હંમેશા કામ કરવા માગતા હોય પરંતુ BJPના નેતાઓ કામગીરી નથી થવા દેતા. જેથી સરકારે આ મામલે વિચારી યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે, જે અધિકારીઓ રાજીનામા આપી તેના કારણો પણ જોવા જોઈએ. પદાધિકારીઓના દબાવમાં આવીને કોઈ અધિકારીએ ક્યારેય રાજીનામું આપ્યું નથી. મનપામાં 45 વર્ષથી ભાજપનું શાસન છે. કોંગ્રેસનું શાસન માત્ર પાંચ વર્ષ રહ્યું છે તેમાં તેમણે શું કર્યું હતું તે ચકાસવું જોઈએ. લોકોએ ભાજપનું શાસન પણ જોયું છે અને કોંગ્રેસનું શાસન પણ જોયું છે. કોંગ્રેસના આક્ષેપોનો જવાબ મારે આપવાની જરૂર નથી. કોર્પોરેશનમાં અધિકારીઓને કર્મચારીઓની ભરતી મામલે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું.
રાજકોટ મહાનગરપાલિકામાંથી નોકરી છોડવા માટે બધા અંગત કારણોને જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો શું ખરેખર અંગત કારણ છે કે પછી કામનું ભારણ અથવા તો TRP અગ્નિકાંડ બાદ ભ્રષ્ટ બાબુઓમાં કોઈનો પણ વારો આવી શકે તેનો ડર સતાવી રહ્યો છે. તે એક સૌથી મોટો અને અગત્યનો સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે