ગુજરાતમાં OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો

ગેનીબેન ઠાકોરે 27 ટકા ઓબીસી અનામતમાંથી 20 ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત 7 ટકા જ અનામત મળવી જોઈએ તેવી ગેનીબેન ઠાકોરે માગણી કરી છે.

ગુજરાતમાં OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો

ઝી બ્યુરો/બનાસકાંઠા: ગુજરાતમાં OBC અનામત મુદ્દે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રીને પત્ર લખીને મોટો ધડાકો કર્યો છે. કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતની 27 ટકા ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની વાત કરી છે. 

જી હા...ગેનીબેન ઠાકોરે 27 ટકા ઓબીસી અનામતમાંથી 20 ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત 7 ટકા જ અનામત મળવી જોઈએ તેવી ગેનીબેન ઠાકોરે માગણી કરી છે. ઠાકોર, કોળી, ધોબી, મોચી, રાવળ, ડબગર અને વણઝારા સહિતની 23થી વધારે પછાત ઓબીસી જ્ઞાતિઓને 27 ટકામાંથી 20 ટકા અનામત આપવા માટે અલગ ક્વોટા ઊભો કરવાની ગેનીબેન ઠાકોરે માગણી કરી છે.

ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર ઓબીસી સમાજની 5થી 10 જ્ઞાતિઓ પર સીધો આરોપ લગાવ્યો છે કે OBC અનામતનો લાભ ફક્ત 5-10 જ્ઞાતિઓને જ સૌથી વધુ મળ્યો છે. બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે એવા સમયે આ પત્ર લખ્યો છે જ્યારે તેમણે ખાલી કરેલી વાવ-ભાભર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમણે OBC અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે તેનો સર્વે કરાવવાની પણ માગણી કરી છે. 

તો એક તરફ જાતિ અને જ્ઞાતિથી ઉપર ઉઠીને એક ભારત, શ્રેષ્ઠ ભારતનો નારો અને બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની માગણી કરી છે. તેમણે અન્ય રાજ્યોમાં પણ આવી વ્યવસ્થા હોવાનું કહીને મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહારનો ઉલ્લેખ કર્યો છે. ગેનીબેને પત્રમાં લખ્યું છે કે આ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ OBC અનામતમાં બે ભાગલા પાડવામાં આવે અને પછાત ઓબીસી જ્ઞાતિઓને શિક્ષણ તેમજ નોકરીઓમાં વધારે લાભ આપવામાં આવે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news