20 વર્ષથી રાજકોટ પાલિકામાં લોલમ લોલ, ધણીધોરી વગરના છે 19000 ભૂતિયા નળ કનેક્શન

20 વર્ષથી રાજકોટ પાલિકામાં લોલમ લોલ, ધણીધોરી વગરના છે 19000 ભૂતિયા નળ કનેક્શન
  • વેરા વિભાગ દ્વારા વર્ષોથી ઉઘરાણી છતાં વોટર વર્કસ વિભાગ ઘોર નિંદ્રામાં 
  • 20 વર્ષ પહેલાં ખાલી વિસ્તારના નામે આપેલા નળ જોડાણો થકી પાણી અપાય છે, પરંતુ પૈસા નથી આવતા

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ શહેરમાં અંદાજિત 19000 નળ કનેક્શન ભૂતિયા હોવાનું સામે આવ્યું છે. જેને કારણે રાજકોટ મનપાને 12 કરોડ રૂપિયાની બૂચ લાગી ગયું છે. આ તમામ એવા નળ કનેક્શન છે કે જેના વેરા બિલમાં આજ સુધી લિંકઅપ નથી થયા. 20 વર્ષ પહેલાં લીધેલા નળ જોડાણ વખતે અલગ નામ હતું. જ્યારે વેરા વસુલાત વિભાગે તપાસ કરતા તે મિલકત વેચાઈ ગઈ હોય અને માલિક કોઈ બીજા જ હોઈ તેવું સામે આવ્યું છે.

આ પણ વાંચો : મોટી દુર્ઘટના: પંચમહાલની પાનમ નદીમાં હોડી ડૂબી, માતા-પિતા અને બાળકીની લાશ મળી... 

મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ રાજકોટ શહેરમાં નળ કનેકશનો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તે વખતે વસ્તી તેમજ વિસ્તારો ઓછા હોવાને કારણે નવા નળ કનેકશન આપતી વેળા વોટર ર્વકસ વિભાગ દ્વારા ફકત આસામીઓનું નામ અને ખાલી વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. દા.ત. નળ કનેકશન લેતી વેળા ફલાણાભાઈ વિજય પ્લોટ આટલું લખી નવું નળ કનેકશન આ નામથી આપી દેવામાં આવતું હતું. જેનું મુખ્ય કારણ તે વિસ્તારમાં રહેતા તમામ લોકો એકબીજાને ઓળખતા હોય ગમે ત્યારે ફકત નામ પૂછવાથી ઘર મળી જતું હતું. પરંતુ, રાજકોટનો વિકાસ થયા બાદ શહેરી તેમજ એપાર્ટમેન્ટના સહિતના નામનો ઉલ્લેખ થવા માડ્યો છે. આથી આસામીઓનું ઘર શોધવામાં સરળતા રહે છે. પહેલા નળ જોડાણ આપ્યા બાદ નળનો વેરો અલગથી ઉઘરાવવામાં આવતો હતો. પરંતુ, કાર્પેટ એરીયા પધ્ધતિ અમલમાં આવ્યા બાદ તમામ મિલકતોની માપણી કરી વેરા બિલમાં નળ જોડાણનું લિંકઅપ કરી એક જ બિલ થકી તમામ પ્રકારનો વેરો ઉઘરાવવામાં આવી રહ્યો છે. કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતિ અમલમાં આવ્યા બાદ વેરા વિભાગે વોટર વર્કસ વિભાગ પાસેથી જૂના નળ કનેકશનોની યાદી માંગતાં મોટો ગોટાળો બહાર આવ્યો હતો. જેનો આજસુધી ઉકેલ આવ્યો નથી. 

આ પણ વાંચો : સરકારના એક નિર્ણયથી ટુર એન્ડ ટ્રાવેલ્સનો પડી ભાંગેલો ધંધો ફરી બેઠો થશે

રાજકોટમાં કેટલી મિલકત અને કેટલા કનેક્શન

રાજકોટ શહેરમાં કોમર્શિયલ અને રહેણાંકની 4.58 લાખ મિલકતોમાં નળ કનેકશન આપવામાં આવ્યા છે. દર વર્ષે મિલકત વેરા બિલમાં નળ વેરો ભરપાઈ કરવામાં આવતો હોય છે. દરેક નળ કનેકશનનું વેરા બિલમાં લિંકઅપ હોવાથી રહેણાંકના રૂા.840 તેમજ કોમર્શિયલના રૂા.1680 લેખે વેરા વિભાગ નળ વેરો ઉઘરાવી રહ્યું છે પરંતુ, આજથી 20 વર્ષ પહેલા રાજકોટના જૂના વિસ્તારોમાં આપવામાં આવેલા 25000થી વધુ નળ કનેકશનો પૈકી 19000 નળ કનેકશનોનું વેરા બિલમાં આજસુધી લિંકઅપ ન થતાં મહાનગરપલિકાને અંદાજે રૂા.12 કરોડનું બૂચ લાગી ગયું હોવાનું જાણવા મળેલ છે.

આ પણ વાંચો : રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ, 4 શખ્સોની અટકાયત

20 વર્ષમાં કેટલાય માલિક બદલ્યા અને મિલકતો વેચાઈ

આજથી 20 વર્ષ પહેલા લીધેલા નળ જોડાણોના આસામીઓ પૈકી મોટાભાગનાએ પોતાની મિલકતો વેચી નાંખી છે. પરિણામે વેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતા હાલના મિલકત ધારક અલગ અને નળ જોડાણમાં નામ પણ અલગ હોવાનું બહાર આવ્યું છે. પરિણામે દસ્તાવેજના આધારે મિલકત વેરો ભરી શકાય છે. પરંતુ નળ જોડાણમાં નામ અલગ હોવાને કારણે વેરા બિલમાં લિંકઅપ થઈ શકતું નથી. પરિણામે આ પ્રકારે અંદાજે 19 હજારથી વધુ નળ જોડાણોમાં આજે લોકોને પાણી તો મળી રહ્યું છે. પરંતુ, મહાનગરપાલિકાને પૈસા મળતા નથી. 

દર વર્ષે વ્યાજ સાથે રકમ વધી રહી છે

વેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષથી મોટાભાગના લોકોએ પાણીવેરો ભર્યો નથી. જે વ્યાજ સહિત 12 કરોડથી વધુ થવા જાય છે. હાલ બંન્ને વિભાગ પાસે સ્ટાફ ઓછો હોવાને કારણે સર્વેની કામગીરી થઈ શકતી નથી. પરિણામે જૂના નળ જોડાણો લઈને મિલકતો વહેંચી આસામીઓ નળનો વેરો ભર્યા વગર જતા રહ્યા હોય આજની તારીખે 12 કરોડ રૂપિયાનો નળ વેરો બાકી રહી ગયો છે જે દર વર્ષે વ્યાજ સાથે વધી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news