મુસ્લિમ દીકરીએ ઈતિહાસ રચ્યો! હિન્દુઓને પણ શરમાવે તેવા સંસ્કૃત જ્ઞાનથી પીએચડી થઇ
મોરબીના મકરાણીવાસમાં રહેતા અને ઘરના કલર કામ કરવાની મજૂરીનું કામ કરતાં અનવરખાન પઠાણના પરિવારમાં તેમના પત્ની અને છ સંતાનોનો સમાવેશ થાય છે અને તે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
Trending Photos
હિમાશું ભટ્ટ/મોરબી: સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના ધાર્મિક ગ્રંથો ઉપર અભ્યાસ કરીને ડિગ્રી મેળવે છે. જો કે, મોરબીની મુસ્લિમ દીકરીએ હિન્દુ સમાજના પવિત્ર ગ્રંથોનો અભ્યાસ કરીને હાલમાં પીએચડીની ડિગ્રી મેળવી છે અને તે દીકરીએ વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં માનવીય મૂલ્ય પર મહાશોધ નિબંધ તૈયાર કર્યો હતો. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માન્ય રાખીને મોરબીની સાહેરાબાનુ અનવરખાન પઠાણને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામા આવી છે.
મોરબીના મકરાણીવાસમાં રહેતા અને ઘરના કલર કામ કરવાની મજૂરીનું કામ કરતાં અનવરખાન પઠાણના પરિવારમાં તેમના પત્ની અને છ સંતાનોનો સમાવેશ થાય છે અને તે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તો પણ પહેલાથી જ તેના સંતાનોને ઊંચ્ચ શિક્ષણ આપવાનો તેનો દ્રઢ નિર્ધાર હતો અને તેને પોતાના સંતાનોનેઊંચ શિક્ષણ આપ્યું છે.
જો કે, તેની સૌથી નાની દીકરી સાહેરાબાનુ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી અને તેને અરબી શીખવું ગમતું હતું. જે તેને તેની માતા શીખવતી હતી તેની સાથોસાથ તેને સંસ્કૃત પણ શીખવાની ધગશ હતી. જેથી તેને રામાયણ, મહાભારત સહિતના હિન્દુ ગ્રંથોને નાનપણમાં જ વાંચી લીધા હતા અને તેને સંસ્કૃત વિષયમાં વડુ રસ હોવાથી માતા પિતાએ તેને સંસ્કૃત સાથે જ એમ.એ. અને એમ.ફિલ કરવા માટે કહ્યું હતું અને તેને અગાઉ ચાર ગોલ્ડ મેડલ પણ મેળવ્યા હતા.
ત્યારબાદ તેને વધુ ભણવાની ઈચ્છા હતી જેથી પિતાની આર્થિક પરિસ્થિતી નબળી હોવા છતાં પણ તેને તેના અભ્યાસને રોક્યો ન હતો અને સાહેરાબાનુને સંસ્કૃત વિષય સાથે હાલમાં પી.એચ.ડી. થયેલ છે. જેમાં તેને વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્ય: એક અધ્યયન (Human Values In Visnupuran And Bhagavatpuran: A Study) વિષય પસંદ કર્યો હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો. એમ.કે.મોલિયા, પ્રોફેસર અને અધ્યક્ષ, અનુસ્નાતક સંસ્કૃત ભવનના માર્ગદર્શન હેઠળ મહા સંશોધન નિબંધ તૈયારી કરીને પીએચડીની પદવી મેળવી છે ત્યારે પરિવાર અને સમાજનું નામ રોશન કરનારા આ દીકરી ઉપર પઠાણ પરિવારને ખુબ જ ગર્વ છે.
મોરબીની આ મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરી કોમી એખલાસ, એકતા, સમાનતા અને બંધુતાના દર્શન કરાવ્યા છે. આજે જ્યારે અનેક જગ્યાએ કોમી દાવાનળ ફેલાતો જોવા મળે છે, ધાર્મિક કટ્ટરતા જોવા મળે છે ત્યારે મોરબીની આ દીકરીએ પોતાના ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની સાથે સાથે વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણને પણ એટલું જ મહત્વ આપ્યું છે અને તેને વાંચેલા ગ્રંથોના આધારે તેને જણાવ્યુ હતું કે કોઈ પણ ધર્મના ગ્રંથ હોય તેનો મેસેજ અહિંસા, શાંતિ, કોમી એખલાસ અને સર્વ ધર્મ સમભાવનો જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે