વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Gujarat Police : સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રાજ્યના DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જ્યાં DGP સહાયે આરોપીઓના વરઘોડા શબ્દ અંગે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, અમે વરઘોડો નથી કાઢતા રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ
Trending Photos
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : ગુજરાત પોલીસ ક્યારેય કોઈ આરોપીનો વરઘોડો કાઢતી નથી, કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવા અને રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને ઘટનાસ્થળે લઈ જવાતો હોય છે, પોલીસ ક્યારેય વરઘોડા શબ્દનો પ્રયોગ કરતી નથી, આ તો મીડિયામાંથી આવેલો શબ્દ છે.’ આ શબ્દો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના. સુરતમાં એક પત્રકાર પરિષદમાં મીડિયા સંબોધનમાં તેમણે આ વાત કરી હતી. આ સાથે જ ગુજરાત પોલીસમાં શરૂ થયેલી નવી ‘વરઘોડા’ પ્રથા પર વિવાદ શરૂ થયો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં શહેરના આંગણે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરો નવા રેન્જ આઈ.જી.ઓ. સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે રાજ્યના ગૃહરાજ્યમંત્રી, ડી.જી.પી. તેમજ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવકાર્યા હતા. ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે ૨૦૨૪ના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.
બેઠકમાં ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ક્રાઈમ કોન્ફરન્સ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસની કામગીરી વધુ અસરકાર બને તે માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિતી થાય તે માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે
ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે, "તેરા તુજકો અર્પણ" પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં ૨૦૨૪ના વર્ષમાં ૩૩૦૦ કાર્યક્રમો દ્વારા લોકોને 153 કરોડ રૂપિયાની મિલકતો પરત કરવામાં આવી છે. છેલ્લાં એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૦૮ કરોડ પરત કરવામાં આવ્યા છે. ગંભીર ગુનાઓમાં ડી.વાય. એસ.પી કક્ષાના અધિકારીઓ ક્રાઈમ સ્પોટ પર જઈને તપાસ કરે છે. ગંભીર ગુનાઓમાં ઝડપી ન્યાય મળે તેવા આશયથી સાયન્ટીફીક તપાસ માટે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને સબ ડિવિઝન પોલીસ ઓફ્સિરોની કચેરીઓમાં ક્રાઈમ સીન મેનેજરની નિમણુંક કરવામાં આવી હોવાનું પણ પોલીસ વડાએ ઉમેયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે