આ છૂટકી ગૂગલ ગર્લ તરીકે પોપ્યુલર થઈ, ઘડીના છઠ્ઠા ભાગમાં આપી દે છે જવાબ
Trending Photos
- માતા-પિતાએ હાલરડા ગાઈ સાક્ષીને વિશ્વભરનું જ્ઞાન પિરસ્યું, હવે તે જટિલ જવાબોના ગણતરીના સેકન્ડમાં જવાબ આપી શકે છે
- કચ્છના માધાપરની માત્ર ત્રણ વર્ષની બાળકી ગૂગલની સ્પીડથી દરેક પ્રશ્નના ટપોટપ જવાબ આપે છે
- કચ્છના એક પરિવારની માત્ર ત્રણ વર્ષની સાક્ષી નામની બાળકીનું મગજ જનરલ નોલેજની રાતદિવસ ગોખણપટ્ટી કરવા યુવાનોને શરમાવે તેવું છે
- સાક્ષીના માતા કિરણબેન પોતે ભણેલા તો નથી, પરંતુ દીકરીના ભણતર માટે મહેનત કરાવે છે અને તેને IPS અધિકારી બનાવવા માંગે છે
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના માધાપરની ત્રણ વર્ષની સાક્ષી નામની બાળકી છોટી ગૂગલ (google girl) તરીકે પ્રખ્યાત બની છે. દરેક પ્રશ્નના સાક્ષી ગૂગલની જેમ ગણતરીની સેકંડોમાં જવાબ આપી દે છે. કોઈપણ દેશના રાષ્ટ્રીય ચિહ્ન, દેશનું ચલણ, ધર્મની સ્થાપના વિશેની માહિતી આ નાનકડી બાળકીને મોઢે છે. કાલીઘેલી ભાષામાં સાક્ષી તમામ પ્રશ્નોના જવાબ આપી દે છે. સાક્ષીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા, તે સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગઈ છે. સાક્ષીના આ જ્ઞાન આપવામાં તેના માતા પિતાનો મોટો ફાળો છે. સાક્ષીને નાનપણથી જ હાલરડાના રૂપે એવા ગીતો સંભળાવવામાં આવ્યા, જેમાં આ તમામ માહિતી હતી. નાની ઉંમરમાં જ તેની સ્મરણશક્તિ એટલી બધી પાવરફુલ હતી કે માત્ર એક વરસની અંદર જ સાક્ષી રાષ્ટ્રીય પક્ષી, પ્રાણીઓ, દેશના પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, વિશ્વનો નાનો દેશ સહિતના સવાલોના જવાબ યાદ છે. સાક્ષીના પિતા ખાનગી કંપનીમાં કામ કરે છે. જ્યારે માતા ગૃહિણી છે. માતા-પિતા સાક્ષીને IPS અધિકારી બનાવવા માંગે છે.
કુદરતે દરેક વ્યક્તિમાં એક છૂપી ખૂબી આપી હોય છે, જે તેમને અન્યથી અલગ તારવી અલગ ઓળખ આપે છે. આવું જ એક ટેલેન્ટ કચ્છના એક પરિવારની માત્ર ત્રણ વર્ષની સાક્ષી નામની બાળકીનું મગજ જનરલ નોલેજની રાતદિવસ ગોખણપટ્ટી કરવા યુવાનોને શરમાવે તેવું છે. અંદાજિત એક હજારથી પણ વધુ જાહેર નામો તેને યાદ છે અને આ વિશે પ્રશ્ન પૂછતા જ તે ઘડીના છઠ્ઠા ભાગમાં જવાબ આપી દે છે.
આ પણ વાંચો : આ જ્યોતિષીઓએ મળીને સોની પરિવારના રૂપિયા ખંખેરી કંગાળ બનાવ્યા, મોત સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો
3 વર્ષની છોટી ગૂગલ ગર્લ
કોઈપણ દેશના રાષ્ટ્રીય ચિન્હ, કરન્સી, કોઈ પણ ધર્મના સ્થાપનાના નામ સાક્ષીને કંઠસ્થ છે અને કમ્પ્યુટર જેટલી સ્પીડ એ તેને પૂછેલા સવાલના જવાબ સાક્ષી તેની બાળ સહજ કાલીઘેલી મીઠી ભાષામાં આપે છે. તો સંસ્કૃતના શ્લોક એવા ગાયત્રી મંત્ર પણ કડકડાટ બોલી નાંખે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચાર પાંચ દિવસના ટુંકા સમયમાં સાક્ષી સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગઈ છે.
સાક્ષીના પિતા અર્જુન વાઘેલા એક ખાનગી કંપનીમા નોકરી કરે છે. તેઓ કહે છે કે, સાક્ષી જ્યારે દોઢેક વર્ષની હતી ત્યારે તે વિશ્વના જ્ઞાનથી અવગત થાય તે માટે અમે હાલરડા રૂપે જીવનના દરેક તબક્કે ઉપયોગી એવી સમજ આપવાનું શરૂ કર્યું હતું. નાની ઉંમરમાં જ તેની સ્મરણશક્તિ એટલી બધી પાવરફુલ હતી કે માત્ર એક વરસની અંદર જ સાક્ષી રાષ્ટ્રીય પક્ષી-પ્રાણી, રાષ્ટ્રીય જ્ઞાન દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, વિશ્વનો નાનો દેશ, રાજ્યનો દરિયા કિનારો, રાજધાની વગેરેના નામ તેને કંઠસ્થ છે. આ ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, સ્પેન, જર્મની કે અને દેશોની કરન્સી, હિન્દુ-મુસ્લિમ-જૈન વગેરે ધર્મના સ્થાપક, અંગ્રેજીમાં પશુપક્ષીના નામ, એબીસીડી ઈંગ્લિશ સહિતનું બધું જ સાક્ષી ફટાફટ બોલી જાય છે.
આ પણ વાંચો : અમદાવાદ : પટેલ દંપતી પ્રખ્યાત રાજકારણીના સંબંધી હોવાથી હત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
આટલી નાની ઉંમર કે જે તબક્કામાં બાળકો સવારનું પણ સાંજે યાદ રાખી શકતા નથી. ત્યારે સાક્ષીનું સુપર માઈન્ડ કોઈ પણ વાતને કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની જેમ મગજમાં સેવ કરી લે છે. સાક્ષીના પિતા અર્જુનભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમજ ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પોતાની દીકરીને સારું શિક્ષણ આપી ઉચ્ચ અધિકારી બનાવવાનું આ દંપતીનું સપનું છે. તેના પિતા અર્જુનભાઈ કહે છે કે, મારા માટે દીકરો દીકરી એક સમાન છે. દીકરી એ મારી ઘરની લક્ષ્મી છે એવું કહેતા તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, જો મારી પુત્રીને હજુ વધુ જ્ઞાન માટે પ્રોત્સાહિત કરાય તો ભવિષ્યમાં જરૂર ગુજરાતનું નામ રોશન કરી શકે છે. તો સાક્ષીના માતા કિરણબેન પોતે ભણેલા તો નથી, પરંતુ દીકરીના ભણતર માટે મહેનત કરાવે છે અને તેને IPS અધિકારી બનાવવા માંગે છે. આમ આ છોટી ગૂગલ ગર્લ અત્યારે તો લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે