'AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો', ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહ

લોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર. અંતરિયાળ વિસ્તારનાં ગામો સુધી પાયાની સુવિધાઓ આરોગ્ય-શિક્ષણ-આંગણવાડી-અન્ન વિતરણ-મધ્યાહન ભોજન-દૂધ સંજીવની યોજના-ભારતનેટ કનેક્શન-બેન્કિંગ સેવાઓની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જિલ્લા તંત્ર દ્વારા જાત માહિતી મેળવવાનો નવતર પ્રયોગ

'AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો', ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહ

ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી પાયાની અને નાગરિકલક્ષી સેવા સુવિધાનું વિતરણ સુનિશ્ચિત કરવા “લોકો માટે, લોકો સાથે, લોકો વચ્ચે...” સરકારનો નવતર અભિગમ રાજ્ય શાસનના અપનાવ્યો છે. મુખ્યમંત્રી પ્રેરિત આ પ્રો પિપલ - પ્રો એક્ટીવ ગવર્નન્સના પ્રેરક દ્રષ્ટાંતમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમના જિલ્લામાં આવેલા કોઈ એક તાલુકાના એક ગામની આકસ્મિક મુલાકાત લઈને લોકોને મળતી સેવાઓ-સુવિધાઓ સુપેરે મળે છે કે કેમ તે સુનિશ્ચિત કરે છે. આ નવતર જન હિતકારી અભિગમ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર દાહોદથી દ્વારકા અને અંબાજીથી આહવા એમ સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના એક એક ગામોની ઓચિંતી સ્થળ મુલાકાત માટે જિલ્લાના વહીવટી વડા કલેક્ટર અને ડીડીઓને સૂચના આપવામાં આવી હતી. 

તદઅનુસાર શનિવાર 6 જુલાઈએ સવારથી જ અધિકારીઓ પોતાના જિલ્લાના એક એક તાલુકાના ગામોની મુલાકાતે પહોંચ્યા હતા અને તે ગામમાં આરોગ્ય સુવિધા, શિક્ષણની સગવડો, આંગણવાડી કેન્દ્ર તેમજ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો પરથી અનાજ વિતરણ, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની યોજના, ભારતનેટ કનેક્શન અને બેન્કિંગ સેવાઓ સહિતની પાયાની સુવિધા યોગ્ય રીતે ઉપલબ્ધ છે કે કેમ, કોઈ ત્રુટી કે સુવિધા ઉણપ જેવી બાબતનું તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી સાચું ચિત્ર મેળવ્યું હતું.

મુખ્યમંત્રી સ્પષ્ટપણે માને છે કે જ્યાં સુધી કોઈ પણ બાબતને સમગ્રતયા જોવામાં ન આવે ત્યાં સુધી આવી બાબતો, નાની-મોટી કે એકલદોકલ છૂટી છવાઈ જ નજરે પડતી હોય છે. આ હેતુસર નવતર પ્રશાસનિક અભિગમ અપનાવીને સરકારની વિવિધ યોજનાઓનું ફિલ્ડ અધિકારીઓ દ્વારા લોકો સુધી જે અમલીકરણ કરવામાં આવે છે, તેની સમીક્ષા અને આકસ્મિક નિરીક્ષણનું પીપલ સેન્ટ્રીક વલણ દાખવ્યું છે. રાજ્યના વહીવટી વડા મુખ્ય સચિવ રાજકુમારના માર્ગદર્શનમાં આ માટે જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને નિયત ચેક લિસ્ટ ફોર્મ આપીને તેમાં સમીક્ષા-નિરીક્ષણના અવલોકનો ભરવા જણાવવામાં આવ્યું છે.

આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગ, દવાઓનો જથ્થો, ડોક્ટર્સ, સ્ટાફ નર્સ વગેરેની વિગતો, શાળા સંકુલની આનુસંગિક બાબતો, સ્માર્ટ ક્લાસ, હાજરીની નિયમિતતા ઉપરાંત આંગણવાડીની મળવા માળખાકીય સુવિધા અને પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી અપાતા અંત્યોદય તથા અન્ય યોજનાઓના અનાજ સહિત ગ્રામીણ બેન્કિંગ સુવિધા બાબતે પણ આ ચેક લિસ્ટ ફોર્મમાં વિસ્તૃત વિગતો એકત્રિત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ જિલ્લાના ગામોમાં સેવા સુવિધાઓના સ્થળ નિરીક્ષણ માટે ગયેલા જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.

એટલું જ નહીં સ્થળ પર ઉપસ્થિત ગ્રામજનો સાથે પણ સહજ સંવાદ કરીને સરકારની યોજનાઓ સુવિધાઓ તેમને સુપેરે પહોંચી રહી છે કે કેમ તેની પૂછપરછ પણ કરી હતી. તેમણે જિલ્લા તંત્રવાહકોને આ સંદર્ભમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે ખેડા, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, છોટા ઉદેપુર, કચ્છ, ગીર-સોમનાથ, પાટણ, વડોદરા જિલ્લાઓના કલેક્ટર-ડી.ડી.ઓ. સાથે વાતચીત કરીને તેમની ફિલ્ડ વિઝિટ દરમિયાનની કામગીરી નિરીક્ષણની વિગતો મેળવી હતી.

તેમણે સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યો કે આવનારા દિવસોમાં આ કાર્યક્રમને યથાવત રાખીને તેમના જિલ્લાઓના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએથી પણ લોકો વચ્ચે જઈને અધિકારીઓ ફીડબેક મેળવે અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોંચાડે તે માટેનું નેતૃત્વ જિલ્લા તંત્રના વડા તરીકે કલેક્ટર્સ—ડી.ડી.ઓ. કરે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ જ્યારે જિલ્લાઓની મુલાકાતે જતાં હોય છે, ત્યારે કચેરીઓની ઓચિંતી મુલાકાત લઈને કચેરીઓની કામગીરી અંગે પ્રજાજનોને સંતોષે છે કે કેમ, કોઈ દુવિધા તો નથી, તે બાબતોની જાણકારી પ્રજા વર્ગો સાથે વાતચીત કરીને મેળવતા રહે છે.

સંવેદનશીલ અને મક્કમ નિર્ણયકર્તા તરીકે રાજ્યના સમગ્ર વહીવટી તંત્રને વધુને વધુ લોકોભિમુખ બનાવવાનો એક નવતર પ્રયોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારીઓને ગામોની આકસ્મિક નિરીક્ષણ મુલાકાતે મોકલીને હાથ ધર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news