રાજકોટના આજી ડેમમાં માછલીઓનાં મોત થતાં લોકોનાં આરોગ્ય સામે જોખમ

માછલીઓના મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવા માટે ફાયવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ, GPCB અને વોટરવર્ક્સ વિભાગે પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા 

રાજકોટના આજી ડેમમાં માછલીઓનાં મોત થતાં લોકોનાં આરોગ્ય સામે જોખમ

રાજકોટઃ સમગ્ર રાજકોટ શહેરને પાણી પુરું પાડતા આજી ડેમમાં હજારોની સંખ્યામાં માછલીઓ મારી જતાં લોકોનાં આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. શહેરના નાગરિકો આ ડેમનું જ પાણી પીતાં હોવાને કારણે શહેરમાં રોગચાળો ફેલાવાનો ખતરો તોળાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી માછલીઓનાં મોત થઈ રહ્યાં છે પરંતુ નગરનિગમ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતી હોવાની ફરિયાદો પણ જાણવા મળી છે. 

રંગીલા રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજીડેમમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં પાણી પ્રદૂષિત થઈ ગયું છે. માછલીઓનાં મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવા માટે ફાયવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને વોટરવર્ક્સ વિભાગે પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. 

મોટી સંખ્યામાં માછલીઓના મોતના કારણે ડેમની આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. ડેમની આજુબાજુમાં રહેતા રહીશો આ દુર્ગંધથી ત્રાસી ગયા છે. ડેમની મુલાકાતે આવતા મુલાકાતીઓ પણ ડેમમાંથી આવતી દુર્ગંધથી ત્રસ્ત થઈ રહ્યા છે. મુલાકાતીઓએ જણાવ્યું કે, આ અત્યંત દુઃખદ ઘટના છે કે, એક ડેમમાંથી આટલી બધી દુર્ગંધ આવતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી.

સ્થાનિકોએ જણાવ્યું કે, ડેમમાં છેલ્લા 10 દિવસથી માછલીઓનાં મોત થઈ રહ્યાં છે. તંત્રને ફરિયાદ કરવામાં આવી પરંતુ તાત્કાલિક કોઈ પગલાં લેવાયાં નથી. 

આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, વોટરવર્ક્સ વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલ માછલીના મૃતદેહોને કાઢીને તેનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. માછલીઓના મૃત્યુનું કારણ શોધવા માટે ઝુમાં રહેલા પ્રાણી વિશેષજ્ઞની સલાહ લેવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news