સરકારના આશ્વાસન બાદ 3 શહેરોમાં તબીબોની હડતાળ સમેટાઈ, અમદાવાદમાં ડોક્ટર્સે ઈમરજન્સી ડ્યુટી પણ બંધ કરી
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :જામનગર બાદ હવે વડોદરા અને રાજકોટમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ છે. રાજ્ય સરકારે ખાતરી આપતા વડોદરાના રેસિડન્ટ તબીબોએ હડતાળ (doctors strike) સમેટવાની જાહેરાત કરી છે. હડતાળ સમેટી વડોદરા અને રાજકોટના તબીબો ફરજ પર પરત ફર્યા છે. ત્યારે હોસ્પિટલમાં OPD સહિતની કામગીરી શરૂ થતા દર્દીઓને રાહત થઈ છે. ઉલ્લેખનીય છે કે, પડતર પ્રશ્નો અંગે SSG હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો (corona warrior) હડતાળ પર ઉતર્યા હતા. પરંતુ હવે માંગણીઓ પૂરી કરવાની સરકારે ખાતરી આપતા તબીબો હડતાળ સમેટી ફરજ પર પરત ફર્યા છે.
ત્રણ શહેરોમાં હડતાળ સમેટાઈ, ત્રણમાં હજી ચાલુ
રાજ્યમાં ચાર સેન્ટર પર રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળ યથાવત છે. ગઈકાલે સૌથી પહેલા જામનગરના તબીબોએ હડતાળ સમેટવાની જાહેરાત કરી હતી. જામનગરના ડૉક્ટર્સ આજે ડ્યુટી જોઈન કરશે. જ્યારે આજે વડોદરા અને રાજકોટમાં હડતાળ સમેટાઈ છે. આમ, રાજકોટ, જામનગર અને વડોદરામાં આઠ દિવસથી ચાલતી તબીબોની હડતાળનો આખરે અંત આવ્યો છે. વડોદરામાં 500 જેટલા તબીબો આજે ડ્યુટી જોઈન કરશે. તો રાજકોટના 400 જેટલા ડોક્ટરોએ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. જોકે, અમદાવાદ, સુરત અને ભાવનગરની હડતાળ હજી સમેટાઈ નથી. આ ત્રણ શહેરોના તબીબોની હડતાળ હજી પણ યથાવત છે.
અમદાવાદમાં ડૉક્ટર્સે કોવિડ અને ઈમરજન્સી ડ્યુટી પણ બંધ
બાકીના સેન્ટર પર હડતાળ યથાવત છે. અમદાવાદમાં ડૉક્ટર્સે કોવિડ અને ઈમરજન્સી ડ્યુટી પણ બંધ કરી છે. તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કાલે મળેલી બેઠકો બાદ પણ યોગ્ય ઉકેલ ના આવતા ફરી મામલો બિચક્યો છે. રેસિડેન્ટ ડૉક્ટર્સ સાથે કાલે આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, આરોગ્ય કમિશનર તેમજ મેડિકલ કોલેજોના સિનિયર ફેકલ્ટીની હાજરીમાં બેઠક મળી હતી. જુનિયર ડોક્ટર એસોસિયેશને તમામ 6 મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા કરી હતી. સિનિયર રેસિડેન્સીને બોન્ડ બરોબર ગણવાની માંગ માત્ર 2018ની બેચ માટે તૈયારી દર્શવાવામાં આવી હતી. પરંતુ 2019 અને 2020 ની બેચ માટે સરકારે તૈયારી ના દર્શાવતા નારાજગી યથાવત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે