ગુજરાતના આ શહેરમાં ખૂલ્યું દેશનું પ્રથમ 2500 વર્ષ જૂના ઈતિહાસનો પ્રત્યક્ષ અનુભવ કરાવતું મ્યૂઝિયમ
Archaeological Experience Museum Launch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થયું સાકાર... કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ... નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર...
Trending Photos
Archaeological Experience Museum : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાયું છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે.
ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા.
આ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી ગાંધીનગર, અને આઇઆઇટી રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદીની પ્રેરણાથી થયો વડનગરનો વિકાસ
વડનગરમાં રહેલી પ્રવાસનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વડનગરમાં વિવિધ પ્રવાસન આકર્ષણો તેમજ પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બૌદ્ધ સર્કિટનો વિકાસ થઈ રહ્યો છે, જેનો એક હિસ્સો વડનગરમાંથી પસાર થાય છે. ગુજરાતના પુરાતત્વ વિભાગને વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠના અવશેષો મળ્યા હતા.
વડનગર સુધી પ્રવાસીઓ સહેલાઇથી પહોંચી શકે તે માટે વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. વડનગરના આશરે 4500 વર્ષ જૂના શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ત્યાં બોટિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે, તેમજ ઓપન એર થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, મલ્હાર રાગ ગાઈને સંગીત સમ્રાટ તાનસેનના દેહના દાહને શાતા આપનાર વડનગરની બે બહેનો તાના અને રીરીની સ્મૃતિમાં દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત પણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં કરાવી હતી. તાના-રીરી મહોત્સવ આજે વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ પામ્યો છે, જેમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા કલાકારોને ‘તાના-રીરી’ એવોર્ડ પણ આપવામાં આવે છે. આ સાથે જ વડનગર અને તેની આસપાસના વિસ્તારના લોકોને તબીબી સુવિધાઓ અને સારવાર માટે વડનગરમાં અદ્યતન હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે.
- ગુજરાતનું વડનગર શહેર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરને ત્રણ નવા વિકાસકાર્યોની ભેટ
- આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ: 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. આ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્તત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથે, આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીનો માટે એક ખાસ ભેટ છે.
પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે