ગાંધીનગરમા સરકારી કર્મચારીઓનું મહાઆંદોલન, કહ્યું-ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ઝુકેગા નહિ...

Government Employee Protest : પડતર માગણીઓ સાથે રાજ્યના સરકારી કર્મચારીઓએ કર્યું મહાઆંદોલન... ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય, શિક્ષણ, પંચાયત અને ન્યાય વિભાગ સહિત 72 વિભાગના કર્મચારીઓ થયા એકઠાં...

ગાંધીનગરમા સરકારી કર્મચારીઓનું મહાઆંદોલન, કહ્યું-ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ઝુકેગા નહિ...

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ થયા છે. ગાંધીનગરમાં આજે એકસાથે 72 સંગઠનોએ એકઠાં થઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કર્યું છે. આરોગ્ય, શિક્ષણ, પંચાયત અને ન્યાય વિભાગ સહિત રાજ્ય સરકારના 72 વિભાગના કર્મચારીઓ ભેગા થયા છે. આંદોલન કરી રહેલા કર્મચારી મંડળોની મુખ્ય પાંચ માંગણીઓ છે, જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, સાતમા પગાર પંચના લાભો જલદી આપવામાં આવે, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે તેમજ અન્ય કેડરની સર્વિસ સળંગ કરીને અન્ય કેડરને પણ ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકારને કરેલી રજૂઆતોનો નિકાલ ન આવતા આજે હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓએ 2 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી રહ્યા છે.

કર્મચારીઓની 5 માંગણી
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓના જુદા જુદા સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે એકઠા થયા છે. પાંચ મુખ્ય માગણીઓને લઈ સરકાર સામે સરકારી કર્મચારીઓએ બાંયો ચઢાવી છે. જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના લાભ, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની પણ સર્વિસ સળંગ ગણાવી, ઉચ્ચતર પગારધોરણનો લાભ આપવાની માગ સાથે કર્મચારીઓએ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું 

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ આ વિરોધ પ્રદર્શન વિશે કહ્યુ કે, બે દિવસ અગાઉ અમારી પહેલા કેસરી સાફો પહેરીને ધરણાં યોજનાર આજના આ ધારણા જોઈ લે. અમારે અમારી માગણીઓ માટે કેવી રીતે કાર્યક્રમ આપવો એ અમને જાણ છે. સંગઠન કેવી રીતે ચલાવવું એ અમને શીખવાડવાની જરૂર નથી, 7 લાખ કર્મચારીઓ બધું જાણે છે. પહેલીવાર આવું બન્યું છે કે આટલી સંખ્યામાં ગાંધીનગરમાં ધરણાં થયા છે. અનેક લોકો કહેતા હતા કે અમારા મંડળને માન્યતા નથી મળી. તો કેમ અમે કાર્યક્રમની જાહેરાત કરી તો બીજાએ પણ કાર્યક્રમની જાહેરાત કરવી પડી. તમે તમારી આદત સુધારી લેજો. આજે 1 લાખ કરતાં વધુ કર્મચારીઓ ગાંધીનગરમાં પહોંચ્યા છે.

તેમણે વધુમાં કહ્યુ કે, અમને જૂની પેન્શન યોજના દેખાય છે. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે મોરચાએ મારી પર જે ભરોસો તમે મૂક્યો છે એ હું જાળવી રાખીશ. અગાઉ અમે 5 રાજ્યની ચૂંટણી પહેલાં 27 ડિસેમ્બરે દેશમાં ધરણા કર્યા હતા. આગામી દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી છે, મોદીજી અમિતજી જ્યારે આપણું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે અમારું એ સાંભળશે એવો અમને ભરોસો છે, અમે કોઈ ભીખ નથી માગી રહ્યા. ગુજરાત એક નંબર પર છે, એમાં અમારો પણ ફાળો છે. એકપણ કર્મચારી એના લાભ વગર વંચિત ના રહેવો જોઈએ, જે પણ કર્મચારી હકથી વંચિત છે, એના હક માટે લડીશું. આ એક ટ્રેલર છે, આવનાર સમયમાં હજુ પિકચર બાકી છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ઝુકેગા નહિ.

આમ, આજે રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠનો દ્વારા ધરણાં પર છે. ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં 10 વાગ્યાથી ધરણાં પર યથાવત છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર સામે સરકારી કર્મચારીઓ મહા આંદોલનના મૂડમાં છે. શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓ ગાંધીનગર પહોંચતા પહેલા અમદાવાદના એસજી હાઇવે ખાતે થયા એકઠા, સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. પડતર માગણીઓ સરકાર પૂરી ના કરે તો આગામી દિવસમાં ઉગ્ર વિરોધ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

આ પણ વાંચો : 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news