ગુજરાતના 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, હવે આ રીતે ઘરે બેઠા કરાવો e-KYC

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રેશનકાર્ડ ધારકો માટે e-KYC ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં બધા લોકો રેશનકાર્ડમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. હવે તમે ઘરે બેઠા e-KYC પ્રક્રિયા કરી શકો છો. 

ગુજરાતના 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, હવે આ રીતે ઘરે બેઠા કરાવો e-KYC

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યના લાભાર્થીઓના-જનસંખ્યાના રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦ ટકા e-KYC સમયમર્યાદામાં પૂર્ણ કરવા દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશમાં સહભાગી થઇને e-KYC કરાવવા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬.૧૯ લાખ રેશનકાર્ડનાં ૭૮.૫૪ લાખ લાભાર્થીઓની e-KYC વેરીફીકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે, બાકીના રેશનકાર્ડ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા વેહલી તકે પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં ‘MY RATION’ મોબાઈલ એપ્લિકેશન થકી e-KYC કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર- ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E દ્વારા ‘આધાર’ આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ ‘PDS+’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા આમ, ત્રણ રીતે e-KYC કરાવી શકે છે. 

ખાસ ઉલ્લેખનીય છે કે, રેશનકાર્ડ ધારકે e-KYC કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ e-KYCની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરેબેઠાં e-KYC કરી શકે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી જ પ્રક્રિયા કરાવવાની રહેશે. આ સિવાય પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહિ તેની ખાસ તકેદારી રાખવા, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news