સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહી કરતો હતો મજૂરી કામ
ભારતમાં અનેક બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. ગુજરાતમાં પણ સમયાંતરે બાંગ્લાદેશી નાગરિકો ઝડપાતા રહે છે. હવે સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો છે.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ સુરત શહેર એસ.ઓ.જીના અધિકારીઓએ બાંગ્લાદેશી નાગરિકે ખોટા દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિક તરીકે ઓળખાવવાની કોશિશ કરતો ઇસમ ઝડપી પાડ્યો છે. આ ઇસમને બોગસ દસ્તાવેજો તૈયાર કરવા અને ભારતીય ઓળખ પત્રો મેળવવા માટે ખોટું નામ ધારણ કરવાના આરોપસર ઝડપી લેવામાં આવ્યો છે
સુરત એસ ઓ જીને બાતમી મળી હતી કે લાલગેટ પાલીયા ગ્રાઉન્ડ ઝુપડપટ્ટીમાં રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક ખોટા નામ સાથે ભારતીય નાગરિક હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે લાલગેટ ખાતે પાલીયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાં રહેતો યુસુફ સરદાર જે મૂળ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે. તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, ખોટા નામે બનાવેલા ભારતીય ચુંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ, તથા એક મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી યુસુફ સરદારે પુછપરછ દરમિયાન કબૂલાત કરી કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે હાવડા રેલ્વે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો.
આ કલમ હેઠળ ગુનો દાખલ
1. BNS કલમ 336(2), 336(3), 338, 340
2. પાસપોર્ટ અધિનિયમ, 1967 ની કલમ 12(1)
3. પાસપોર્ટ નિયમો, 1950 (એન્ટ્રી ઈન ટુ ઈન્ડિયા) ની કલમ 3 અને 6
4. ફોરેનર્સ એકટ, 1946 ની કલમ 3(1)(2)(એ)(જી) અને 14
યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચુંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા. જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો. યુસુફ પર BNS કલમ 336(2), 336(3), 338, 340, પાસપોર્ટ અધિનિયમ, 1967 ની કલમ 12(1) , પાસપોર્ટ નિયમો, 1950 (એન્ટ્રી ઈન ટુ ઈન્ડિયા) ની કલમ 3 અને 6 અને ફોરેનર્સ એકટ, 1946 ની કલમ 3(1)(2)(એ)(જી) અને 14 આમ અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
યુસુફ જેવા તો ઘણા બાંગ્લાદેશી સુરતમાં અને આપણા ભારતમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા હશે. ત્યારે હવે એસ.ઓ.જી.ની ટીમ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને સુરતમાં રહેતા અન્ય બાંગ્લાદેશી નાગરિકો કે જે ગેરકાયદેસર રીતે રહે છે તેમની તપાસ કરી રહી છે. આ અભિયાન સુરત શહેરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી હાથ ધરાયું છે. આશા રાખીએ કે આ અભિયાન હેઠળ આપણા દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ પકડાય અને તેઓને પાછા તેમનાં દેશ મોકલી દેવાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે