અલ્પેશ ઠાકોરના પાટણમાં કોંગ્રેસ પર પ્રહાર, પાર્ટીને જે કાર્યવાહી કરવી હોય તે કરી લે

અલ્પેશનો હૂંકાર, "આ તો વાવાઝોડા પહેલાની શાંતિ છે, સમય આવ્યે કોંગ્રેસ સામે પત્તા ખોલવામાં આવશે, હું ધારાસભ્ય પદે રહીને જનતાની સેવા કરવા માગું છું." 
 

અલ્પેશ ઠાકોરના પાટણમાં કોંગ્રેસ પર પ્રહાર, પાર્ટીને જે કાર્યવાહી કરવી હોય તે કરી લે

પાટણઃ પાટણમાં સદારામ બાપાની તબિયત પુછવા આવેલા અલ્પેશ ઠાકોરે પત્રકારો સામક્ષ કોંગ્રેસ વિરુદ્ધ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા ગુરૂવારે વિધાનસભામાં અલ્પેશ ઠાકોરનું સબ્યપદ રદ કરવા માટે જે કાર્યવાહી કરાઈ છે તેના અનુસંધાનમાં અલ્પેશે જણાવ્યું કે, તે રાધનપુરનો ધારાસભ્ય છે અને રહેશે. કોંગ્રેસમાં અનેક નેતાઓ પક્ષવિરોધી પ્રવૃત્તિ કર્યા બાદ પણ હાલ પાર્ટીમાં કામ કરે છે. છેલ્લા એક વર્ષથી અપમાનનો ઘૂંટડો પીધા બાદ આ નિર્ણય લીધો છે. 

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "ચૂંટણી સમયે કોંગ્રેસે શા માટે આ કાર્યવાહી કરવાનો પ્રયાસ ન કર્યો. કોંગ્રેસે કયા કાયદાના આધારે મારું સભ્યપદ રદ કરાવાની અરજી દાખલ કરી છે. કોંગ્રેસને ચૂંટણીના સમયે ભય હતો કે સેનાના કાર્યકરોનો, ગરીબોના રોષનો સામનો કરવો પડશે."

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, "મેં કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, ધારાસભ્ય પદેથી નહીં. હવે કોંગ્રેસે એ નક્કી કરવાનું છે કે તેમને ગરીબોનો સાથ જોઈએ છે કે નહીં? ઠાકોરોનું સમર્થન જોઈએ છે કે નહીં? અલ્પેશ ઠાકોરની પડખે આખી સેના છે. ખેડૂતો, યુવાનો માટે હું લડી રહ્યો છું અને લડતો રહીશ. ધારાસભ્ય પદે રહીને હું લોકોના કામ કરીશ."

અલ્પેશે કહ્યું કે, "કોંગ્રેસ દ્વારા મારું સ્વમાન જાળવવામાં આવતું નથી. ઠાકોર સમાજના યુવાનો સાથે વિશ્વાસઘાત કરવા માટે છે કોંગ્રેસ. આવનારા સમયમાં અમારી પ્રચંડ એક્તાનો તાકાત અમે બતાવીશું. મેં મારી સેનાને કહ્યું હતું કે, આપણી સાથે વિશ્વાસઘાત થયો છે, દ્રોહ કરાયો છે. મારી સેનાએ સ્વતંત્રતાથી કામ કર્યું છે. ઠાકોર સેના ગુજરાતના તમામ ગામડામાં ફેલાયેલી છે અને સેનાને વેરવિખેર કરવાનો પ્રયાસ કરનારાને આગામી સમયમાં વિશાળ સંમેલન કરીને જવાબ આપવાનો છું."

અલ્પેશે ધારાસભ્ય પદેથી દૂર કરવા અંગે કોંગ્રેસને ધમકી આપતા કહ્યું કે, "છેલ્લા એક વર્ષથી હું કોંગ્રેસમાં અપમાનનો ઘુંટડો પી રહ્યો હતો. સ્વમાનના ભોગે રાજનીતિ ન થાય. મને ધારાસભ્ય પદેથી દૂર કરાવ્યા બાદ કોંગ્રેસે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કોણ-કોણ નેતાઓ છે સમય આવ્યે પત્તા ખોલવામાં આવશે."

અલ્પેશે વધુમાં કહ્યું કે, "હું રાધનપુર ધારાસભ્ય પદેથી કોઈપણ ભોગે રાજીનામું આપવાનો નથી. મને જનતાએ જીત અપાવી છે. કોંગ્રેસમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરેલા ઘણા નેતાઓ આજે પાર્ટીમાં છે. આ તો વાવઝોડા પહેલાની શાંતિ છે. જો પાર્ટી દ્વારા કોઈ ખોટા પગલાં ભરવામાં આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કોણ કોણ નેતાઓ છે તે પત્તા પણ સમય આવ્યે ખોલવામાં આવશે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news