તુવેર કૌભાંડ પછી પંચમહાલમાં બહાર આવ્યું 1.56 કરોડનું અનાજ કૌભાંડ

કાલોલ ખાતે આવેલા નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ઘંઉની રૂ.1.56 કરોડની કિંમતની 16,500 બોરીઓ બારોબાર સગે-વગે કરી દેવામાં આવી, વિજિલન્સ તપાસમાં પકડાયું કૌભાંડ 
 

તુવેર કૌભાંડ પછી પંચમહાલમાં બહાર આવ્યું 1.56 કરોડનું અનાજ કૌભાંડ

કાલોલ(પંચમહાલ): રાજ્યમાં ગયા વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગળફળીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. તેના પડઘા શમ્યા નથી ત્યાં તાજેતરમાં જ તુવેર કૌભાંડ બહાર આવ્યું હતું અને હવે પંચમહાલમાં તેનાથી પણ મોટું અનાજનું કૌભાંડ પકડાયું છે. વિજિલન્સ તપાસમાં જાણવા મળ્યું છે કે, કાલોલ ખાતે આવેલા નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ઘંઉની રૂ.1.56 કરોડની કિંમતની 16,500 બોરીઓ બારોબાર સગે-વગે કરી દેવામાં આવી છે.  

વિજિલન્સ દ્વારા નિયમિત રીતે સ્ટોકની ગણતરી કરવામાં આવતી હોય છે. વિજિલન્સની ટીમ જ્યારે જાત તપાસ માટે કાલોલમાં આવી ત્યારે ઓડિટ દરમિયાન તેમને જાણવા મળ્યું કે, રૂ.1.56 કરોડના ઘઉં ગોડાઉનના કુલ સ્ટોકમાં ઓછા બતાવાયા હતા. જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો ખબર પડી કે,  ગોડાઉનમાંથી ઘઉંની 16,500 બોરીઓ સગેવગે થઈ ગઈ છે. હાલ તો સરકાર દ્વારા ખાતાકિય તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ દાખલ કરાયો નથી. 

સરકારે તાત્કાલિક કાર્યવાહી કરતાં ગોડાઉનના મેનેજરને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે સમગ્ર કૌભાંડનો મુખ્ય સુત્રધાર સ્થાનિક રાજકીય આગેવાન અને સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતો મહેન્દ્ર બેલદાર નામનો શખ્સ હોવાનો આક્ષેપ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ગરીબોને સસ્તા અનાજની દુકાનો મારફતે રાહત દરે આપવામાં આવતા ઘઉં એફસીઆઈના ગોડાઉનમાંથી તાલુકા કક્ષાએ રહેલા ગોડાઉનમાં પહોંચાડવામાં આવે છે. તાલુક કક્ષાના ગોડાઉનમાંથી આ અનાજ સસ્તા અનાજની દુકાનોમાં મોકલવામાં આવે છે, પરંતુ આ અનાજ ગરીબો સુધી પહોંચે એ પહેલાં જ તેની બોરીઓને ગોડાઉનમાંથી સગે-વગે કરી દેવામાં આવી છે. છેલ્લા 10 મહિનાથી આ કૌભાંડ ચાલતું હતું અને બારીઓ સગે-વગે થતી હતી છતાં તંત્ર અજાણ છે. બોરીઓ સગેવગે કરીને કુલ સ્ટોક ઓછો બતાવાતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news