અમદાવાદનો આ બ્રિજ 2 જાન્યુઆરીથી વાહન વ્યવહાર માટે થશે બંધ, જાણો લો વૈકલ્પિક માર્ગ
હંમેશા ટ્રાફિકથી ભરેલો રહેતો સારંગપુર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજને તોડીને નવો બનાવવામાં આવશે. નવો બ્રિજ બને ત્યાં સુધી વાહન વ્યવહાર માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રિજના બન્ને છેડા વાહનવ્યવહાર માટે બંધ કરી નીચે મુજબની વિગતે વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવે છે. અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આ માહિતી આપી છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત :-
આશરે ૨૦૦ મીટર જેટલી લંબાઈ ધરાવતો સારંગપુર બ્રિજ બન્ને છેડાથી વાહનવ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.
વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગની વિગત :
૧. ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઈ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રિજ થઇ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઇ જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
૨. ગીતા મંદિર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલવે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે.
૩. રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઈ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રિજ થઇ કાંકરિયા ગીતા મંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
૪. રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઈ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
તેમજ ઉપર્યુક્ત ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ 'નો-પાર્કિંગ ઝોન' રહેશે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૨/૧/૨૦૨૫થી તા.૩૦/૬/૨૦૨૬ સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે