એમેઝોનના જંગલમાં લાગેલી આગ આર્યાના હૃદયમાં 'ક્લાયમેટ ચેન્જ' ની એવી જ્વાળા પ્રગટાવી કે, બની ગઈ લેખિકા

એમેઝોનના જંગલમાં લાગેલી આગ આર્યાના હૃદયમાં 'ક્લાયમેટ ચેન્જ ક્રાંતિ' ની જ્વાળા પ્રગટાવી ગઇ
 

એમેઝોનના જંગલમાં લાગેલી આગ આર્યાના હૃદયમાં 'ક્લાયમેટ ચેન્જ' ની એવી જ્વાળા પ્રગટાવી કે, બની ગઈ લેખિકા
  • માત્ર 12 વર્ષની આર્યાએ 5 વર્ષમાં 8 પુસ્તકો લખ્યા
  • પોતાના પુસ્તકો થકી તે પર્યાવરણનુ મહત્વ સમજાવે છે
  • અનેક સંસ્થાનોમાં તે સંબોધન કરી ચૂકી છે 

ઝી મીડિયા/બ્યૂરો :નવસર્જનની શરૂઆત નાના કાર્યો અને પહેલથી જ થાય છે. ક્યારેક તમારા દ્વારા કરાયેલ નાની પહેલ ક્રાતિનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે શરૂ કરાયેલ પ્રારંભને અધૂરું ન મૂકી તેને અંત એટલે કે પરિણામ સુધી જરૂરથી પહોંચાડવું જોઇએ. આ વિચારો છે અમદાવાદ શહેરની બાર વર્ષની લેખિકા આર્યા ચાવડાના.

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી આર્યાની પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. હરવા-ફરવા મોજ મસ્તી કરવા ઉમરમાં આર્યા એ વિવિધ જનકલ્યાણ અને સમાજકલ્યાણ અને કહીએ તો વિશ્વ કલ્યાણના વિષયો ઉપર ૮ જેટલા પુસ્તકો લખી ચૂકી છે. એટલું જ નહી આર્યા એક સારી ચિત્રકાર અને વક્તા પણ છે. આર્યાએ પોતાના પુસ્તક "seeds of hope" અને "seeds to sow" માં આજે સમગ્ર વિશ્વ જે "ક્લાઈમેટ ચેન્જ અને "ગ્લોબલ વોર્મિંગ" જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે તેના વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક વાતને રજૂ કરી છે.

આર્યા જણાવે છે કે, જ્યારે કોવિડ 19 ની શરૂઆત થઇ ત્યારે તેણે એમેઝોન અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે લાખો નિર્દોષ વન્યજીવ માર્યા ગયાના અહેવાલ સમાચારમાં વાંચ્યા અને સાંભળ્યા. અસંખ્ય વનસ્પતિ સૃષ્ટિ નાશ પામી અને પર્યાવરણને ઘણું નુકસાન થયું. આ વાંચતાની સાથે જ આર્યાને પ્રશ્ન ઉદભવ્યો કે કદાચ પર્યાવરણને થતા નુકસાન માટે મનુષ્યનો પ્રકૃતિમાં હસ્તક્ષેપ જવાબદાર છે અને યોગ્ય પગલાં અને નિર્ણયો દ્વારા તેને રોકી શકાય છે. આ વિચાર બિંદુની સાથે "seeds of  hope" પુસ્તકનું નિમાર્ણ થયું. જેમાં આર્યાએ પ્રકૃતિને થતા નુકસાન અંગે વાત કરીને તેને બચાવવાના ઉપાયો પણ રજૂ કર્યા છે - વધુ ને વધુ વૃક્ષો વાવવા, જ્યાં- ત્યાં કચરો નાખવો નહીં જેવા નાના-મોટા ઉપાયો થકી આપણે પૃથ્વીને ફરીથી હરિયાળી બનાવી શકીએ તેવા "આશાના બીજ" આર્યા એ પુસ્તકમાં રજૂ કર્યા છે. 

આટલે થી અટકી ન જતા આર્યાએ લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવવા માટે ઈકો-સિસ્ટમ પર "seeds to sow" પુસ્તક લખ્યું છે. જેનું વિમોચન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પર્યાવરણને બચાવવાની વાતો કરવાથી કંઈ નહીં થાય પરંતુ એના માટે ચોક્કસ નક્કર પગલાં લેવા પડશે જે સંદર્ભે પ્લાસ્ટિકનું રિસાયકલ ઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, સ્વચ્છતા વગરે જેવા વિષયને પુસ્તકમાં આવરી લીધા છે.

આર્યા કહે છે કે, આ પૃથ્વી પર વસતા તમામ પશુ, પક્ષી અને માનવી સમાન હક ધરાવે છે. ધરતીની જાળવણી અને રક્ષણ માટેની જવાબદારીની સમાન ભાવના હોવી જોઇએ. આર્યાએ eco-green દિવાળી કેમ્પેઇન પણ ચાલુ કર્યું છે. જે આજે ઘણા બધા લોકોથી જોડાઇને આ આ કેમ્પેન આગળ વધી રહ્યું છે. માત્ર પર્યાવરણ જ નહિ પરંતુ અત્યારના આધુનિક સમાજને સ્પર્શતા વિષયો ઉપર આર્યા પોતાના પુસ્તકો લખી ચૂકી છે. 

આર્યાની લેખનની શરૂઆત
વર્ષ 2017 માં યુનેસ્કો દ્વારા અમદાવાદને વિશ્વનું પ્રથમ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું. પરિણામે આર્યા પોતાના પિતા સાથે અમદાવાદની હેરિટેજ વોક માટે નીકળી હતી. ત્યારે એને થયું કે, મારે આ સ્થાપત્ય અને કલાને લોકો સુધી પહોંચાડવી જોઇએ. આ વિચારની સાથે જ આર્યાનો લેખિકા તરીકે જન્મ થયો.માત્ર આઠ વર્ષની ઉંમરે પોતાનું પ્રથમ પુસ્તક "અમદાવાદ માય સિટી માય હેરિટેજ" લખ્યું. આજે પણ આર્યાનું લેખન કાર્ય નિરંતર ગતિથી આગળ ધપી રહ્યુ છે. માત્ર પર્યાવરણ જ નહિ, પરંતુ આધુનિક સમાજને સ્પર્શતા વિષયો ઉપર આર્યા પોતાના પુસ્તકો લખી ચૂકી છે. આર્યના પુસ્તકોની વિશેષતા એ છે કે, તેણીના તમામ પુસ્તકોમાં આર્યાએ પોતાના દોરેલા ચિત્રોનો સમાવેશ કર્યો છે. 

આર્યાએ લખેલા ૭  પુસ્તકો 

  • અમદાવાદ માય સિટી માય હેરિટેજ 
  • A day with Gandhi 
  • Seeds of hope 
  • Intangible Ahmedabad 
  • Rising above 
  • Rising beyong  
  • Seeds to show  

આર્યાના આવનારા પુસ્તક "Magnificent Marvels" માં યુનેસ્કો દ્વારા પૂરા વિશ્વમાં જેટલા પણ હેરિટેજ સાઈટ્સ છે તેનો ઉલ્લેખ જોવા મળશે.

આર્યા - કદ નાનું, ખ્યાતિ મોટી  
આર્યા અનેક સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓમાં વ્યાખ્યાન આપી ચૂકી છે. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર ભારતીય સંસ્કૃતિ અને વારસાના પ્રચાર-પ્રસાર અંગે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આર્યાની પ્રકૃતિ જાળવણીની વિવિધ પહેલથી પ્રભાવિત થઇને UNICEF દ્વાર પણ આર્યાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. નેશનલ એન્વાયરમેન્ટ યુથ ફોરમ 2021 ના "પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ" અંતર્ગત આર્યાએ ભારતભરની 75 થી વધારે યુનિવર્સિટીઓમાં 300 થી વધુ કોલેજમાં અને ૨૫ હજારથી વધારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધેલો અને પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

સપ્ટેમ્બર 2018 માં આર્યાએ સ્વિટ્ઝર્લૅન્ડ ના જીનીવામાં આવેલા યુનેસ્કોના કાર્યાલયે ભારતીય વારસા અને સંસ્કૃતિ સંદર્ભે પોતાનું કાર્ય પ્રદર્શિત કર્યું હતું. તો 2019 માં યુરોપમાં નેધરલેન્ડ, ફ્રાન્સ ખાતે અલગ-અલગ એલચી કચેરીઓમાં આર્યાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જૂન 2019 માં ફક્ત નવ વર્ષની ઉંમરે આર્યા એ પેરિસ સ્થિત વર્લ્ડ હેરિટેજ કમિટી અઝરબૈજાનના બાકુમાં 43માં સમારોહમાં 180 દેશના 2500 રાજદ્વારીઓ સામે પોતાનું હેરિટેજ અંગેનું કલા અને કૌશલ્યની પ્રતિભા બતાવી હતી.

કોવિડ- 19ના મુશ્કેલ સમયમાં એપ્રિલ 2020માં વર્લ્ડ હેરિટેજ સેન્ટર પેરિસ ખાતે આર્યાને વિશ્વવ્યાપી અભિયાન શેર યોર હેરિટેજ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વિશ્વના 55 જેટલા રાષ્ટ્રના બાળ પ્રતિનિધિઓને સંબોધન કર્યુ હતું. વૈશ્વિક સાંસ્કૃતિક વિવિધતા વિશે અને તેમનામાં આશાનું સકારાત્મક સંદેશો ફેલાય એવું અદભુત સંદેશો આર્યાએ આપ્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલી અને વિવિધ મંત્રીઓએ આર્યાના પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાની જાળવણીના અનોખા કાર્યને બિરદાવ્યું છે.

દ્રઢનિશ્ચય અને સમર્પણ ભાવ એ તમને વિશ્વમાં બીજા લોકોથી તમને અલગ તારવે છે" એ સિદ્ધાંતમાં  માનતી આર્યાને  અનેક એવોર્ડ તથા સન્માનથી નવાજવામાં આવી ચૂકી છે. સમાજમાં ગાંધીજીના મૂલ્યો અને આદર્શો -શાંતિ સત્ય અહિંસા અને સમાનતાના સંદર્ભ, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન આબોહવાની જાળવણી, ક્લાઈમેટ ચેન્જ ,સાંસ્કૃતિક વારસાની જાળવણી, ગર્લ્સ એજ્યુકેશન તથા બાળકોના મૂળભૂત અધિકાર અને ફરજ જેવા વિષયો માટે પુસ્તકો લખીને સમાજમાં જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયત્નો આદરનાર આ બાર વર્ષીય  દીકરીના પુસ્તકોનું યુનેસ્કો નવી દિલ્હી તથા યુનાઇટેડ નેશન્સ ઇન્ડિયા દ્વારા તમામ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે એટલું જ નહીં યુનેસ્કો ડિજિટલ લાયબ્રેરી અને યુનેસ્કો ગ્લોબલ સીટીઝનશીપ એજ્યુકેશન જેવા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ આર્યાના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આર્યા લોકોને એક જ સંદેશ આપે છે કે, મારી આઠ વર્ષની ઉમરથી શરૂ થયેલી સફરથી લઈ આજ દિન સુધી મને હંમેશા રાજ્ય સરકારનો સંપૂર્ણપણે ટેકો રહ્યો છે, અને હંમેશા સતત આગળ રહેવા પ્રોત્સાહન અને પીઠબળ પૂરું પાડ્યું છે એ માટે હું ગુજરાત સરકારની આભારી છું. 

બાર વર્ષની ગુજરાતની આ દીકરી પોતે દોરેલા ચિત્રોના પ્રદર્શન થકી, કવિતાઓ અને પુસ્તકોના વેચાણ તથા અલગ અલગ સામાજિક વિષયો પરના વક્તવ્ય થકી થતી કમાણીનો સંપૂર્ણ ભાગ કેન્સરના દર્દીઓના કલ્યાણ માટે આપે છે. તેમજ દર્દીઓ માટે નાંણાકીય સહાય એકત્ર કરનાર આ દીકરી વિશે જેટલું લખીએ એટલું ઓછું પડે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news