મજૂરો સાથે ખરાબ વર્તન ભારે પડ્યું! આજે બંધ રહ્યું ગુજરાતનું ધમધમતું માર્કેટ યાર્ડ
Bhavnagar Market Yard : ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરરાજી ઠપ્પ... મજૂરોએ પોતાની સાથેના ખરાબ વર્તનને લઈ કામગીરીનો બહિષ્કાર કર્યો... યાર્ડમાં ભરપૂર ડુંગળીની આવકને લઈને યાર્ડમાં અપૂરતી જગ્યાથી સર્જાય રહી છે મુશ્કેલી... ખેડૂતોએ રોષે ભરાઈ ગેટ બંધ કર્યો... પોલીસ કાફલો યાર્ડ ખાતે દોડી જઇ ગેટ ખુલ્લો કરાવ્યો... આજે ડુંગળીની હરરાજી રહેશે બંધ, હજુ કોઈ નિરાકરણ ન આવતા આવતીકાલે શું?
Trending Photos
Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે મજૂરો, ખેડૂતોના પ્રશ્ને ડુંગળીની હરરાજી બંધ રહી હતી. યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક હોય જ્યારે ઉતારવા માટે જગ્યા ટૂંકી પડતી હોય છેલ્લા 5 દિવસથી મજૂરો સાથે ખેડૂતોની ડુંગળી લઈ આવતા વાહન ચાલકો અને ખેડૂતો દ્વારા ખરાબ વર્તન કરવામાં આવતું હોવાનું જોવા મળ્યું. આ અંગેની મજૂરોની રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા મજૂરો ખેડૂતોની ડુંગળી ઉતારવા તૈયાર થયા ન હતા. જેથી આજે ડુંગળીની હરાજી યાર્ડમાં બંધ રહી હતી. જ્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કરી પોતાનો રોષ ઠાલવી તાકીદે હરાજી શરૂ કરવા માંગ કરી હતી.
ભાવનગર જિલ્લો એ ડુંગળી ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જેમાં જાન્યુઆરી માસમાં ડુંગળીનો પાક તૈયાર થઇ જતાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ડુંગળી યાર્ડમાં વેચાણ માટે આવતા હોય ત્યારે ભાવનગર યાર્ડમાં ડુંગળીનો વિપુલ જથ્થો ઉતરી જતા અને હજુ બીજા વૈકલ્પિક યાર્ડની વ્યવસ્થાના અભાવે મજૂરોને ભારે મુશ્કેલી પડી રહી છે. એકીસાથે અનેક ગાડીઓમાં ખેડૂતો પોતાની ડુંગળી લાવતા તેને ઉતારવા બાબતે મજૂરો અને ખેડૂતો તેમજ ખેડૂતોની ડુંગળી લાવતા વાહનચાલકો વચ્ચે બોલાચાલી થાય છે. આ અંગે મજૂરો દ્વારા ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી કે, 50 ગાડીઓને એકીસાથે પ્રવેશ આપવામાં આવે અને એ ઉતરી ગયા બાદ બીજી 50 ગાડીને પ્રવેશ આપવામાં આવે જેથી ડુંગળી યોગ્ય જગ્યા પર સમયસર ઉતરી શકે અને મજૂરોને ખેડૂતોના રોષનો ભોગ ન બનવું પડે.
પરંતુ આજે ફરી ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળી લઈને યાર્ડમાં વેચાણ માટે પહોંચ્યા હતા. જેમાં મજૂરો દ્વારા ડુંગળી ઉતારવા અંગે રોષ દાખવી જતા રહેતા અને યાર્ડ દ્વારા અગાઉ આવી ચુકેલી ડુંગળીની હરરાજી બપોર બાદ શરૂ કરવાનું નક્કી કર્યા બાદ પણ શરૂ નહીં થતા ખેડૂતો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કરી તેમજ યાર્ડના બીજા ગેઇટમાં સિમેન્ટના મોટા પાઇપ આડા મૂકી પ્રવેશ અટકાવતા પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસે ગેઇટ ખોલાવી અન્ય વાહનોને પ્રવેશ કરાવ્યો હતો. પરંતુ હજુ સુધી મજૂરો સાથે ના ખરાબ વર્તન અંગે કોઈ નિર્ણય ના આવતા આજનો દિવસ ડુંગળીની હરરાજી બંધ રહેતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે.
સાથે સાથે યાર્ડમાં રાત્રી દરમ્યાન સિક્યુરિટીનો અભાવ હોય ખેડૂતોની જણસો ચોરાવવાની ઘટના, જ્યારે સીસીટીવીનો અભાવ પણ ખેડૂતોના રોષનું કારણ બન્યો હતો. ઉપરાંત યાર્ડમાં આજે હરરાજી બંધ રહેતા અને ખેડૂતો પોતાની ડુંગળી યાર્ડમાં સતત વેચાણ માટે લાવી રહ્યા હોય ત્યારે યાર્ડમાં ડુંગળીનો વિપુલ જથ્થો ખડાકાઇ જતા વેપારીઓ નીચા ભાવે ડુંગળી ખરીદી ખેડૂતોને ભારે આર્થિક નુકશાન આપશે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો, આમ છતા ખેડૂતો યાર્ડમાં વહેલી તકે હરરાજી શરૂ થાય તેવી માંગ કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે