ભારત પર વધી રહ્યું છે મસમોટા દેવાનું ભારણ, આંકડો જાણી ચોંકશો, IMF એ આપવી પડી ચેતવણી
India's Total Debt Rise : ગત નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં કુલ દેવું 2.34 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 200 લાખ કરોડ રૂપિયા હતું, જે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વધીને 2.47 ટ્રિલિયન ડોલર એટલે કે 205 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
Trending Photos
ભારત દુનિયામાં ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે. પરંતુ આ સાથે જ દેશ પર કરજનો બોજો પણ વધી રહ્યો છે. આ અમે નહીં પરંતુ આંકડા જણાવે છે. એક રિપોર્ટમાં એવી જાણકારી આપવામાં આવી છે કે દેશનું કુલ દવું ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વધીને 2.47 ટ્રિલિયન ડોલર એટલે કે 205 લાખ કરોડ રૂપિયા થયું છે. જો કે આ બધા વચ્ચે ડોલરની કિંમતમાં થનાર વધારાની પણ અસર પડી છે. જેણે દેવાના આંકડાને વધારવાનું કામ કર્યું છે.
દેશ પર કુલ કરજમાં આટલો થયો વધારો
પીટીઆઈના એક રિપોર્ટ મુજબ આ અગાઉ વીતેલા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં કુલ દેવું 2.34 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 200 લાખ કરોડ રૂપિયા હતું. ઈન્ડિયાબોન્ડ્સ ડોટ કોમના સહસંસ્થાપક વિશાલ ગોયંકાએ ભારતીય રિઝર્વ બેંકના આંકડાને ટાંકીને કેન્દ્ર અને રાજ્યો પર કરજના આંકડા રજૂ કર્યા છે.
રિઝ્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટાને ટાંકીને ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ ઈન્ડિયા બોન્ડ્સે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું દેવું સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 161.1 લાખ કરોડ રૂપિયા હતું. જે માર્ચ ત્રિમાસિકમાં 150.4 લાખ કરોડ રૂપિયા હતું. આ સાથે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારોની કુલ દેવામાં ભાગીદારી 50.18 લાખ કરોડ રૂપિયા થાય છે. નોંધનીય છે કે આ સમયગાળામાં અમેરિકી ડોલરની કિંમત વધવાની અસર પણ કરજના આ આંકડા પર પડી છે. હકીકતમાં તેને એ રીતે પણ સમજી શકાય કે માર્ચ 2023 મહિનામાં એક ડોલર 82.5441 રૂપિયા બરાબર હતો જે હવે વધીને 83.152506 રૂપિયા પર પહોંચ્યો છે.
રિપોર્ટમાં દર્શાવેલા આંકડા
ઈન્ડિયાબોન્ડ્સ ડોટ કોમનો આ રિપોર્ટ RBI, CCI અને સેબી પાસેથી ભેગા કરેલા આંકડાના આંધારે તૈયાર કરાયેલો છે. તેમાં જણાવવામાં આવેલું છે કે કેન્દ્ર સરકાર પર 161.1 લાખ કરોડ રૂપિયા એટલે કે કુલ કરજનો સૌથી વધુ 46.04 ટકા છે. આ ઉપરાંત રાજ્યોની ભાગીદારી 50.18 લાખ કરોડ રૂપિયા 24.04 ટકા છે. રિપોર્ટમાં રાજકોષી ખર્ચની પણ વિગતો છે. જે 9.25 લાખ કરોડ રૂપિયા છે અને તે કુલ કરજનું 4.51 ટકા થાય છે. આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં કુલ દેવામાં કોર્પોરેટ બોન્ડની ભાગીદારી 21.52 ટકા હતી જે 44.16 લાખ કરોડ રૂપિયા થાય છે.
IMF ની ચેતવણી
આ અગાઉ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ પણ કરજ અંગે ભારતને ચેતવ્યું છે. વૈશ્વિક સંસ્થાએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યો મળીને ભારનું સામાન્ય સરકારી કરજ મધ્યમ સમયગાળામાં GDP ના 100 ટકાથી ઉપર પહોંચી શકે છે. આવામાં લોંગ ટર્મમાં કરજ ચૂકવવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે IMF ના આ રિપોર્ટ પર કેન્દ્ર સરકારે અસહમતિ વ્યક્ત કરી છે અને તેમનું માનવું છે કે સરકારી કરજથી જોખમ ઘણું ઓછું છે, કારણ કે મોટાભાગનું કરજ ભારતીય મુદ્રા એટલે કે રૂપિયામાં જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે