Pakistan: ઈમરાન ખાનના ધમકીવાળા પત્રની મરિયમ નવાઝે ખોલી પોલ, કર્યો આ મોટો દાવો

ઈમરાન ખાનના ધમકીવાળા પત્ર અંગે પીએમએલ-એનના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે મોટો દાવો કર્યો છે.

Pakistan: ઈમરાન ખાનના ધમકીવાળા પત્રની મરિયમ નવાઝે ખોલી પોલ, કર્યો આ મોટો દાવો

ઈસ્લામાબાદ: ઈમરાન ખાનના ધમકીવાળા પત્ર અંગે પીએમએલ-એનના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે મોટો દાવો કર્યો છે. મરિયમનું કહેવું છે કે જે પત્રના સહારે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ વિદેશી ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો તે વિદેશ મંત્રાલયના સ્ટાફે જ તૈયાર કર્યો હતો. એટલે કે ઈમરાન ખાને પોતે જ પોતાના સ્ટાફ પાસે આ પત્ર લખાવ્યો હતો. જેથી કરીને જનતાને 'ષડયંત્ર'ની વાત કરીને ભ્રમિત કરી શકાય. 

અમારી સહયોગી વેબસાઈટ WION ના એક રિપોર્ટ મુજબ મરિયમ નવાઝે સવાલ કર્યો કે ઈમરાન ખાન કથિત ધમકીવાળા પત્રને દેખાડતા કેમ નથી?  પૂર્વ પાકિસ્તાની પીએમ નવાઝ શરીફના પુત્રીએ એમ પણ કહ્યું કે ઈમરાન ખાનને કોઈ ધમકીવાળો પત્ર મળ્યો નથી. તેમણે પોતે એક લેટર તૈયાર કરાવ્યો અને વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને દેશની જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરી. 

ઈમરાન ખાન પર નિશાન સાધતા મરિયમ નવાઝે કહ્યું કે ઈમરાન ખાન તરફથી જણાવવામાં આવ્યું કે અમેરિકામાં તૈનાત પાકિસ્તાની રાજદૂતને આ ધમકીવાળો પત્ર મળ્યો હતો. તો પછી તેમને બ્રસેલ્સ કેમ મોકલી દીધા? અમે એ માંગણી કરીએ છીએ કે રાજદૂતને સુપ્રીમ કોર્ટ સામે રજૂ કરવામાં આવે. તેમણે લાહોરમાં એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે ઈમરાન ખાન દ્વારા લેટરનું નાટક કરીને એક દિવસ પહેલા અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂતને અચાનક બ્રસેલ્સ મોકલી દેવાયા. આવું કેમ કરાયું? તેનો જવાબ ખાને આપવો પડશે. 

મરિયમે દાવો કર્યો કે પીએમ ઈમરાન ખાને રાજનીતિક લાભ ઉઠાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ના મંચનો દૂરઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે NSC ના અધિકૃત નિવેદનમાં વિદેશી ષડયંત્રનો કોઈ ઉલ્લેખ નથી. આ લેટર ફક્ત વિદેશ મંત્રાલયના સ્ટાફ દ્વારા લખાયેલો છે. મરિયમ નવાઝે વધુમાં કહ્યું કે ઈમરાન ખાન દેશદ્રોહી છે અને ભવિષ્યમાં તેમના પર દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news