Health : પોલિયોની નવી રસીની શોધ, હવે તેને ફ્રીઝ કરવાની જરૂર નહીં રહે
ઉંદર ઉપર જ્યારે આ નવી રસીની શોધ કરવામાં આવી ત્યારે તે પોલિયોના વાયરસનો સામનો કરવામાં સક્ષમ જણાઈ છે
Trending Photos
ન્યૂયોર્કઃ પોલિયોની એક નવી રસીની શોધ કરવામાં આવી છે, જેને ફ્રીઝ કરવાની જરૂર રહેતી નથી. આ રસીને કોઈ પણ વ્યક્તિ વિશ્વમાં ગમે ત્યાં લઈ જઈ શકે છે અને ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળતી આ ગંભીર બિમારીથી રોકવા માટે વિશ્વમાં પોલિયોની રસીની શોધ કરવામાં આવી છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તેનું એક અભિયાન ચલાવી રહ્યું છે.
ઈન્જેક્શન દ્વારા આપી શકાય એવી આ નવી રસીની શોધ યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના સંશોધકોએ કરી છે. આ રસી આમ તો લિક્વિડ જ હોય છે, પરંતુ તેને ફ્રીઝ કરીને પછી તેનો પાઉડર બનાવી દેવામાં આવે છે. આ પાઉડરને સામાન્ય રૂમના તાપમાનમાં ચાર સપ્તાહ સુધી રાખી શકાય છે અને જરૂર જણાય ત્યારે તેને પ્રવાહીમાં ભેળવીને રસી સ્વરૂપે આપી શકાય છે.
સંશોધકોએ જણાવ્યું કે, "આ રસીનો જ્યારે ઉંદર ઉપર પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે રસીએ પોલિયોના વાયરસ સામે સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી હતી."
યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાની કેક સ્કૂલ ઓફ મેડિસિનના પ્રમુખ લેખક વૂ-જિન-શિને જણાવ્યું કે, "થીજવી નાખવું એ કોઈ રોકેટ સાયન્સ નથી એટલે મોટાભાગના શિક્ષણશાસ્ત્રીઓ આ ક્ષેત્ર તરફ ધ્યાન આપતા નથી. કોઈ દવા કે રસી કેટલી અસરકારક છે એ મહત્વનું નથી, પરંતુ પરિવહન દરમિયાન પણ તે તેની ગુણવત્તા ટકાવી શક્તી ન હોય તો એ દવા કે રસીનું મહત્વ રહેતું નથી."
આ રિપોર્ટ 'એમ બાયો' જર્નલમાં પ્રકાશિત થયો છે. ફ્રીઝ અને સુકવવાની પ્રક્રિયા બાદ તેમાંથી ભેજ દૂર કરીને સંશોધકોએ સામાન્ય તાપમાનમાં સંરક્ષિત રહે એવી ઓરી, ટાઈફોઈડ અને મેનિગોકોકલ બિમારીની રસી શોધવામાં સફળ થયા છે, પરંતુ તેઓ પોલિયોની રસીને સુકવીને અને ડ્રાય કરીને સંરક્ષિત રાખવામાં સફળ થયા ન હતા.
શીન અને તેના સાથીદારોએ પોલિયોની આ નવી રસી વિકસાવવામાં લેબોરેટરીની બે પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે - લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને હાઈ-થ્રુપૂટ સ્ક્રિનિંગ- તેનાથી તેઓ તેઓ રસીમાં રહેલા દવાના મિશ્રણને તેના યથાવત સ્વરૂપમાં રાખવામાં સફળ રહ્યા હતા. હવે માનવી ઉપર આ પ્રયોગ કરી લીધા બાદ તેને બજારમાં રજૂ કરવામાં આવશે.
આ રસીનો સૌથી મોટો ફાયદો વિકસતા દેશોમાં થશે જ્યાં રેફ્રિજરેશન ઉપલબ્ધ હોતું નથી અને પરિણામે રસી નિષ્ફળ જાય છે. તાજેતરમાં જ નાઈજિરિયા, પાપુઆ ન્યુ ગિનીઆ, સિરિયા અને પાકિસ્તાનમાં નવા પોલિયોના કેસ નોંધાયાના સમાચાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે