ડેનિસ મુખવેજ અને નાદિયા મુરાદને શાંતિ નોબેલ પુરસ્કાર-2018

મુખવેજને કોંગોમાં જાતિય અત્યાચારનો ભોગ બનેલા પીડિતોના ઈલાજ માટે, જ્યારે મૂરાદને મહિલાઓ સામે થતા જાતીય અત્યાચાર સામે અવાજ ઉઠાવવા માટે આ પુરસ્કાર માટે પસંદ કરાયા છે 

ડેનિસ મુખવેજ અને નાદિયા મુરાદને શાંતિ નોબેલ પુરસ્કાર-2018

સ્વીડનઃ શુક્રવારે વર્ષ 2018ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે યુદ્ધ અને શસ્ત્ર સંઘર્ષમાં જાતિય હિંસાનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવા સામે અવાજ ઉઠાવનારા કોંગોના ડેનિસ મુખવેજ અને ઈરાકની નાદિયા મુરાદને સંયુક્ત રીતે શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નોબેલ પુરસ્કાર વિજેતાઓ શાંતિના નોબેલ પુરસ્કાર વિજેતા તરીકે તેમના નામની જાહેરાત થયા પહેલાં આ બાબતથી સાવ અજાણ હતા.

— The Nobel Prize (@NobelPrize) October 5, 2018

વર્ષ 2017માં શાંતિનો નોબેલ કોઈ વ્યક્તિને નહીં પરંતુ પરમાણુ શસ્ત્રોના નાશ માટે કામ કરતી સંસ્થા 'ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ'ને આપવામાં આવ્યો હતો. આ સંસ્થાએ વર્ષ 2018ના શાંતિનો નોબેલ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. વર્ષ 2014ની શાંતિનો નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા.

— Malala (@Malala) October 5, 2018

પુરસ્કારની જાહેરાત કરતાં નોબેલ સમિતિએ જણાવ્યું કે, તેઓ મહિલાઓને હાઈલાઈટ કરવા માગતા હતા. આજે જે મહિલાઓ અડધા સમાજનું નિર્માણ કરે છે તેમને સુરક્ષાની જરૂર છે અને જે લોકો તેમનાં અધિકારોનાં દોષિત છે તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી છે. જ્યારે પુછવામાં આવ્યું કે, 'મી ટૂ' અભિયાન ચલાવનારી મહિલાઓને શા માટે આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી ન હતી તો તેના અંગે રેઈસ એન્ડરસને જણાવ્યું કે, આ મહિલાઓ અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં હથિયાર તરીકે ઉપયોગમાં લેવાતી મહિલાઓ એક સમાન નથી. એક વાત ચોક્કસ છે કે, બંનેમાં મહિલાઓની અવદશાનું વર્ણન છે અને તેમને આત્મસન્માન તથા સુરક્ષા પુરી પાડવી એ સમાજની જરૂરિયાત બની ગઈ છે. 

વર્ષ 2018નો શાંતિના નોબેલ વિજેતાઓનો પરિચય 

— The Nobel Prize (@NobelPrize) October 5, 2018

ડેનિસ મુખવેજઃ ડેનિસ મુખવેજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના બુકાવુ શહેરમાં આવેલી પાન્ઝી હોસ્પિટલનાં સ્થાપક અને મેડિકલ ડિરેક્ટર છે અને તેઓ પોતે એક ગાયનેકોલોજીસ્ટ છે. તેમણે પોતાનું જીવન કોંગોમાં આંતરિક સંઘર્ષ દરમિયાન જાતિય અત્યાચારનો બોગ બનેલી મહિલાઓના ઈલાજ પાછળ ખર્ચી નાખ્યું છે. મુખવેજ અને તેમના સ્ટાફ દ્વારા સૈનિકો દ્વારા શારીરિક અત્યાચારનો ભોગ બનેલી હજારો મહિલાઓનો ઈલાજ કરવામાં આવ્યો છે. મુખવેજને બુકાવુ શહેરમાં લોકો 'દેવદૂત' કહીને સંબોધે છે. 

નાદિયા મુરાદઃ નાદિયા ઈરાકની એક માનવ અધિકાર કાર્યકર્તા છે. તે 3000 યઝિદી મહિલાઓ અને યુવતિઓમાંની એક હતી, જેમને આતંકવાદી સંગઠન ISIS દ્વારા અપહરણ કરીને સેક્સ સ્લેવ તરીકે રાખવામાં આવી હતી અને તેમની ઉપર ISISના આતંકવાદીઓ અમાનવીય જાતિય અત્યાચાર ગુજારતા હતા. આ મહિલાઓને વર્ષ 2014માં છોડાવવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રની જુન 2016માં મળેલી સભામાં મુરાદે ISIS દ્વારા તેમના ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારનું વર્ણન કર્યું હતું. 

— The Nobel Prize (@NobelPrize) October 5, 2018

મુરાદને ભાગી છુટવામાં મોસુલના એક મુસ્લિમ પરિવારે મદદ કરી હતી, જેણે તેને એક નકલી ઓળખ આપી હતી અને ISISની ચુંગાલમાંથી છોડાવી હતી. વર્ષ 2016માં માત્ર 23 વર્ષની ઉંમરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને 'ડિગ્નિટી ઓફ સર્વાઈવર્સ ઓફ હ્યુમન ટ્રાફિકિંગ' માટેની પ્રથમ ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. 

નોબેલ સમિતિએ જણાવ્યું કે, આ વર્ષે શાંતિના પુરસ્કાર માટે 331 ઉમેદવારો હતા અને તેમાંથી વિજેતાની પસંદગી કરવી અત્યંત કપરું કામ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news